Only Gujarat

FEATURED Gujarat

ગુજરાતના આ IAS સહિત 5 ATS અધિકારીઓની ભારત સરકારે ‘સ્પેશિયલ ઓપરેશન મેડલ’ માટે કરી પસંદગી

પ્રશાંત દયાળ, અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) છેલ્લા ચાર વર્ષથી ધમધમતું થયું તેનો શ્રેય ગુજરાત એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લને જાય છે. અનેક નાના-મોટા ઓપરેશન્સ પાર પાડનાર ગુજરાત એટીએસની કામગીરીની ભારત સરકારે પણ નોંધ લીધી છે. તા. 8 જાન્યુઆરી 2020ના રોજ વડોદરાના ગોરવામાંથી આઈએસઆઈએસ સાથે સંકળાયેલા કથિત ત્રાસવાદીને પકડવા માટે ભારત સરકારે આ ઓપરેશન પાર પાડનાર હિમાંશુ શુકલ સહિત 5 પોલીસ અધિકારીઓની ‘સ્પેશિયલ ઓપરેશન મેડલ’ માટે પસંદગી કરી છે.

ભારતના વિવિધ શહેરોમાં આઈએસઆઈએસ પોતાનું નેટવર્ક વધારી રહ્યું છે, તેવી સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યૂરોને મળેલી જાણકારી પ્રમાણે ગુજરાત એટીએસને પણ એલર્ટ કરવામા આવ્યું હતું. ગુજરાત એટીએસએ પણ પોતાના સંપર્કો વધારી, ગુજરાતમાં ટેરરિસ્ટ મોડ્યૂલ ઊભા કરવા માગતા તત્વોને શોધવાની શરૂઆત કરી હતી.

તા. 8 જાન્યુઆરી 2020ના રોજ ડીઆઈજી હિમાંશુ શુક્લને જાણકારી મળી હતી કે વડોદરાના ગોરવા વિસ્તારમાં મૂળ તામિલનાડુનો જાફર આવી ચુક્યો છે. ઓપરેશન અત્યંત નાજુક હતું. તેને પાર પાડવા માટે એક ટીમ તૈયાર કરવામાં આવી, જાફર અલી તાલીમ પામેલ કથિત ત્રાસવાદી હતો. વળતો હુમલો થવાની પણ સંભાવના હતી. પુરી સાવધાની સાથે એસપી ઈમ્તિયાઝ શેખ, ડીવાયએસપી કે કે પટેલ, ઈન્સપેક્ટર વિજય મલ્હોત્રા અને સબ ઈન્સપેક્ટર કિશન ભુવાને ઓપરેશન પાર પાડવાની જવાબદારી સોંપવામાં આવી.

પુરી સાવધાની અને સતર્કતા સાથે ગુજરાત એટીએસની ટીમ વડોદરા પહોંચી અને ગોરવામાંથી જાફર અલીને પકડી પાડ્યો. જાફર અલી પકડાઈ જતાં ગુજરાત એક મોટી ત્રાસવાદી ત્રાસદીમાંથી બચી ગયું હતું. ભારત સરકારે આ કામની નોંધ લઈ તમામ પોલીસ અધિકારીઓને સ્પેશ્યલ ઓપરેશન મેડલ આપવાનું નક્કી કર્યું છે.

આ ઉપરાંત ગુજરાતના અધિક મુખ્ય સચિવ ગૃહ સંગીતા સિંગ તા. 31 ઓક્ટોબર મતલબ કે આજ રોજના વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં અધિક મુખ્ય સચિવ ગૃહનો હવાલો બીજો હુકમ ન થાય ત્યાં સુધી પંકજ કુમારને સોંપવામાં આવ્યો છે.

You cannot copy content of this page