Only Gujarat

Gujarat

જ્યારે પ્રમુખ સ્વામી બાપાએ બીમાર નોકરના આખા શરીરે હાથ ફેરવ્યો અને

અમદાવાદના ઓગણજમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. આ મહોત્સવમાં પ્રમુખ સ્વામી મહારાજના સેવકોથી લઈ અનેક હરિભક્તો પણ સેવામાં લાગેલા છે. પ્રમુખ સ્વામી અંગે ખૂબ લખાયું છે અને લખાઈ રહ્યું છે. પરંતુ હજુ પણ ઘણી વાતોથી હરિ ભક્તો પણ અજાણ છે. જેથી મીડિયાએ પ્રમુખ સ્વામીની 35 વર્ષ સુધી સેવામાં રહેલા નારાયણ ચરણ દાસજી સાથે એક્સક્લૂઝિવ વાતચીત કરી હતી. જેમાં તેમણે પ્રમુખ સ્વામી સાથેના એકદમ અજાણ્યા કિસ્સાઓ વર્ણવ્યા હતા. આ વાતચીતમાં તેમણે કહ્યું કે, પ્રમુખ સ્વામી મહારાજ અંગે એક જ શબ્દમાં કહેવું હોય તો એટલું જ કહું કે એ કરુણાના સાગર હતા. આ શબ્દો બાદ નારાયણ ચરણ દાસજીએ એક બાદ એક કિસ્સાઓ જણાવ્યા હતા.

સમયની કટોકટીમાં સ્વામી બાપા શું કરતા?
કોઈને સમય આપ્યો હોય ને મળવામાં મોડું થયું હોય તો એ પરિસ્થિતિમાં પ્રમુખ સ્વામી શું કરતા? જેના જવાબમાં નારાયણ ચરણ દાસજીએ કહ્યું કે, પ્રમુખ સ્વામી મહારાજની એક વિશેષતા એ હતી કે, તેમનો જીવન મંત્ર હતો કે બીજાના ભલામાં આપણું ભલું. ગમે તે પરિસ્થિતિ થાય તો પણ તેનો ઉકેલ લાવવો, એ ક્યારેય લટકતી તલવાર જેવું રાખતા નહીં. જ્યારે સમય થઈ ગયો હોય અને બન્ને બાજુ કટોકટી હોય તો સ્વામી બાપા સ્પીડમાં એ લોકોને મળી પણ લેતા અને એનો સંતોષ પણ આપતા. સાથે સાથે સભામાં જવું હોય તો એનો પણ સમય સાચવતા. આ બન્ને અમે નજરે જોયું છે.

‘365 દિવસ ક્યારેય વેકેશન લીધું જ નથી’
તેમણે આગળ જણાવ્યું કે, આમ જોઇએને તો જેના જીવનમાં શુદ્ધ ભાવના હોયને કે બીજા માટે કશુંક કરવું છે એના માટે કંઈક વ્યવસ્થા થઈ જાય. પોતે ઘસાવું પડે અને પ્રમુખ સ્વામી મહારાજ આખી જિંદગી ઘસાયા છે. અમે છેલ્લા શ્વાસ સુધી નજરે જોયું છે, ખાલી બોલી ગયા એમ નથી કે બીજાના સુખમાં આપણું સુખ. એમની કરુણા એરાઉન્ડ ધ વર્લ્ડ અને 365 દિવસ ક્યારેય વેકેશન લીધું નથી. જેના જીવનમાં આવી ઉદાર ભાવના હોય ને તો જ આવી રીતે બધાને સંતોષ આપી શકે.

જ્યારે વર્લ્ડ ટૂર પછી બાપાએ પૂછ્યું કે રસૂલ ડ્રાઇવર ક્યાં ગયો?
પ્રમુખ સ્વામી મહારાજ કોઈપણ વ્યક્તિ સાથે વર્ષો પછી મુલાકાત કરે તો નામ સાથે બોલાવતા તો આ નામ કેવી રીતે યાદ રાખતા શું કોઈ ડાયરીમાં નોંધી લેતા? આ અંગે નારાયણ ચરણ દાસજીએ જણાવ્યું કે, પ્રમુખ સ્વામી મહારાજનું માઇન્ડ જ ડાયરી હતું, તેમણે કોઈના નામ નોટ કર્યા એવું જોયું જ નથી, પણ જેમ આપણી કોઈ સાથે આત્મીયતા હોય કે નજીકના સગા હોય તેમ તેમનું નામ યાદ કરવું પડતું નથી સહજ યાદ આવે છે. એ રીતે જ પ્રમુખ સ્વામીના જીવનમાં વસુધૈવ કુટુમ્બકમની ભાવના હતી. 1974માં પ્રમુખ સ્વામી છોટા ઉદેપુર ગયા હતા, જ્યાં આપણા સત્સંગી કાંતિભાઈ હતા. કાંતિભાઈની ગાડીના ચાલક રસુલ કરીને એક મુસ્લિમ ભાઈ હતા. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કોઈપણ જાતની નાત-જાતનો ભેદભાવ નહીં, ડ્રાઇવર હોય કે શેઠ હોય કોઈ ભેદભાવ નહોતો. પછી બાપા 1977માં વર્લ્ડ ટુર સહિત વિચરણ કરીને આવ્યા અને 4 વર્ષ પછી સ્વામી જ્યારે છોટાઉદેપુર જાય છે, પણ ડ્રાઇવર તો બદલાઇ એમ ડ્રાઇવર બદલાઈ ગયો હતો. કાંતિભાઈને ત્યાં બે દિવસ મળ્યા ત્યારે સ્વામીએ સામેથી પૂછ્યું કાંતિ ભાઈ આપણે ગઈ વખતે આવ્યા ત્યારે રસૂલ ડ્રાઇવર હતો તે કેમ દેખાતો નથી? આ સ્વામીની સહજ ઉદારતા કે કરુણા ક્યારેય પણ ઓછી થઈ નથી.

જ્યારે બાપાએ બીમાર નોકરના આખા શરીરે હાથ ફેરવ્યો
સુરતની બાજુમાં સાંકરી એવું નાનુ એવું ગામ છે, ત્યાં લલ્લુભાઈ કરીને સોમાભાઈના નોકર હતા. તેઓ ઘરની સાફ-સફાઈ રાખતા હતા. દર વખતે લલ્લુભાઈ સ્વામીના દર્શને આવે અને પછી લલ્લુભાઈ દેખાયા નહીં ને એટલે સ્વામીએ કોઠારી સંતને પૂછ્યું કે પ્રભુ સ્વામી આ લલ્લુભાઈ કેમ દેખાતા નથી? તો પ્રભુ સ્વામીએ કહ્યું એ બીમાર છે તો પ્રમુખ સ્વામીએ કહ્યું કે આપણે એની તબિયત જોવા જવું છે. કોઈ મહાન ધર્મગુરુ નાના નોકરની તબિયત જોવા ત્યાં જાય? આશ્ચર્ય લાગે. એટલે અમે કીધું સ્વામી આપણે બધા તેમને અહીં લાવી દઇએ. તો તેમણે કહ્યું કે ના આપણે ત્યાં જઇએ. પ્રભુ સ્વામી ત્યાં ગયા અને બીચારા કેટલા વખતથી ગેરેજમાં હતા એટલે તેમને નવડાવી ધોવડાવીને તૈયાર કર્યા અને સ્વામી પધાર્યા. ત્યાર બાદ વ્હાલથી આખા શરીરે હાથ ફેરવીને પૂછ્યું કે લલ્લુ તને કેમ છે? ભગવાનમાં વૃત્તિ રાખજે, અમે પ્રાર્થના કરીશું તને સારું થઈ જાય. સ્વામીએ તેમને હાર પહેરાવ્યો અને આખા શરીરે હાથ ફેરવ્યો, આપણને બીમાર વ્યક્તિને અડવાનું મન ન થાય પણ સ્વામીને એવી કરુણા હતી. પછી એક વાક્ય હજુ મને ભૂલાતું નથી અને સ્વામીએ કહ્યું પ્રભુ તારે રોજ અહીં આવી જવું, એનું જમવાનું બધું પૂછી લેવું કંઈપણ તકલીફ હોય તો તારે તેને પૂરી કરવી. નાનામાં નાના વ્યક્તિને સ્વામી ક્યારેય ભૂલતા નથી. એ કરુણા સાગર કહેવાતાને એનું આ ઉદાહરણ છે.

‘કેન્સરની ગાંઠની આશંકા અને સ્વાધ્યાય પરિવારનો એ કાર્યક્રમ’
પ્રમુખ સ્વામી મહારાજે બે ધર્મો વચ્ચેના સમન્વયનું કયું કાર્ય કર્યું હતું? આ અંગે એક દાખલો આપતા નારાયણ ચરણ દાસજીએ કહ્યું કે, કોઈપણ ધર્મ ગુરુ આવે ને તો સ્વામી શ્રી પ્રેમથી મળતા. બે ધર્મગુરુ પરસ્પર મળતા હોય ને ત્યારે એના શિષ્યોમાં પણ એકબીજાને મળવાની પણ અંતરથી ઇચ્છા જાગે. અંદરો અંદર જે કંઈ ખટરાગ હોય, ધર્મગુરુમાં તો ન હોય પણ શિષ્યોમાં તો ક્યારેક ક્યારેક હોય ને? એ ઓછું થતું જાય. સ્વામીએ સંપની ભાવના કરી. 1985માં પ્રમુખ સ્વામીને જમણી સાઇડના થાપા પર એગ ગાંઠ નીકળી અને અચાનક ગાંઠ વધી એટલે ડોક્ટરે કહ્યું કે તાત્કાલિક ગાંઠનો નિર્ણય કરવો પડશે એટલે તેની બાયોપ્સી કરાવી અને કહ્યું કે જો આ કેન્સરની ગાંઠ હશે ને તો તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજની સાથે પાંડુરંગ શાસ્ત્રી(સ્વાધ્યાય પરિવાર)ને યોગીજી મહારાજના સમયથી ગાઢ સંબંધ. એ સમયે સ્વામીની સાહજિક ભવિષ્ય જોવાની અને એકતા રાખવાની રીત સહજ રીતે બહાર આવી ગઈ. સ્વામીએ ડોક્ટરને સ્પષ્ટ કીધું કે પાંડુરંગ આઠવલેજીનું અલ્હાબાદમાં ફંક્શન છે એમા જવાનું મેં વચન આપ્યું છે એટલે આ ગાંઠનું ઓપરેશન તમારે જ્યારે કરવું હોય તે કરજો પણ એ પહેલા નહીં. ડોક્ટરે કહ્યું કે સ્વામીજી આ ગાંઠ કેન્સરની હોય તો તાત્કાલિક ઓપરેશન કરવું પડે. સ્વામી કહે જે હશે તે પણ હું ઓપરેશન પહેલા નહીં કરાવું. આપણે ત્યાં વચન આપ્યું છે અને સંબંધ રાખ્યો છે એટલે ફંક્શનમાં જવાનું છે. ત્યાર પછી તમારે જે કરવું હોય તે કરજો. સ્વામીને દેહનું આવું ભયંકર દર્દ હતું છતાં પણ સ્વામીને એક આત્મીયતાનો સંબંધ, એકબીજા સાથે સંપ અને સંવાદીતા વધે તે માટે સ્વામી દેહના દુઃખને પણ એકબાજુએ મૂકીને આ સંવાદીતા વધારતા એ અમે નજરે જોયું છે.

દુષ્કાળમાં લોકોએ કહ્યું ‘સ્વામી બાપા કંઈક દયા કરો…વરસાદ પાડો…’
દરેક સંત કરતા પ્રમુખ સ્વામીની દિનચર્યામાં એવું અલગ શું હતું જે તેમને અલગ બનાવતું હતું? જેના જવાબમાં નારાયણ ચરણ દાસજીએ લંડનમાં રાત્રે બનેલો એક કિસ્સો વર્ણવતા કહ્યું કે, દિનચર્યામાં આપણે અલગ કરવા જઇએ એ અઘરું છે. એ બીજા માટે જ જીવી ગયા. સ્વામીએ અડધી રાત્રે ઉઠી ઉઠીને બધાની ચિંતા કરી છે. 1990માં લંડનમાં સ્વામીએ ચતુર્માસ કાઢ્યો. તે સમયે દેશમાંથી ખૂબ વિનંતિ આવતી. ગુજરાતમાં ખૂબ વરસાદ ખેંચાયો હતો. દુષ્કાળ વર્ષ હતું. ફોન આવે કે કાગળ આવે કે સ્વામી બાપા કંઈક દયા કરો…વરસાદ પાડો…વરસાદ પાડો… સ્વામી બાપા બધે ધૂન પણ કરાવતા. પરંતુ સ્વામીને ભક્તો માટે કેવી સતત ચિંતા? ત્યાં વેધર પ્રમાણે રહેવું પડે. હું સ્વામીની સેવામાં જ હતો. સ્વામીનો બેડ અને મારે નીચે સુવાનુ. મારી સેવા પતી ગઈ એટલે રાત્રે અમે 12 વાગ્યે સુઈ ગયા અને સુતા પછી પરિસ્થિતિ કેવી હતી કે, ત્રણ દિવસ વેધર ફોરકાસ્ટ કર્યું હતું કે સારું વેધર છે એટલે ત્યાં સારી અને તાજી હવામાં સુવુ ને એ એક મોકો છે.

લંડનમાં એ રાત્રે અચાનક જ થોડો થોડો અવાજ આવવા લાગ્યો
‘બાપાના બેડની ઉપર પાછળ 4 બાય 2ની વિન્ડો હતી એ મેં થોડી ખુલ્લી રાખી હતી કે ચોખ્ખી હવા તો રહે. એ પરિસ્થિતિમાં મારી રાત્રે અચાનક ઉંઘ ઉડી અને ઘડિયાળમાં જોયું તો રાતના લગભગ 2 વાગ્યા હતા. પ્રમુખ સ્વામી ઉપર બેડમાં હતા. મને થોડો થોડો અવાજ આવવા લાગ્યો એટલે મને શું થયું કે, આ બારી ખુલ્લી છે એટલે કોઈને ખબર હોય તો રાત્રે હરિભક્તો સ્વામીના ક્યાંક દર્શન કરવા તો નથી આવ્યાને? એટલે મેં નીચે સુતા સુતા વિન્ડોમાં જોયું તો વિન્ડોમાં કોઈ નહીં એટલે હું બેઠો થયો. બેઠો થયો ને તો આશ્ચર્ય વચ્ચે લાગ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ સુવાનું ઓશિકુ પાછળ ઉભું કરીને તેના ટેકે બેસીને ધૂન કરતા હતા કે, સ્વામિનારાયણ…સ્વામિનારાયણ…સ્વામિનારાયણ…’

‘મેં બાપાના બરડા પર, મસ્તક પર હાથ રાખ્યો ટેકો આપ્યો’
‘અડધી રાત્રે ધૂન સાંભળીને મને તો આશ્ચર્ય થયું અને જિજ્ઞાસા થઈ કે સ્વામી આ શું કરે છે? જે કરે છે એ કરવા દઈએ, 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ પછી મારી શ્રદ્ધા ખૂટી. બેઠો બેઠો હું પણ ઝોકા ખાવ. પણ સ્વામી બાપાની તો ધૂન ચાલુ ને ચાલુ, અડધો કલાક થયો, પોણો કલાક થયો અને કલાક થયો ને પછી સ્વામી થોડા આગળ ખસ્યા અને ઓશિકુ સરખું કર્યું અને સુવા જતા હતા ને ત્યાં મેં બરડા પર, મસ્તક પર હાથ રાખ્યો ટેકો આપ્યો. આ સ્વામીની કેવી વિશેષતા અને સાહજિકતા આમ કોઈ જોઇ ગયું ને તો તેમને આશ્ચર્ય લાગ્યું. આપણા જીવનમાં શું છે કે, આપણે ભક્તિ કરતા હોઇને તો કોઈ ન જોતું હોય તો કોઈ જુએ એના પ્રયત્ન કરીએ. ધૂન કરતા હોય તો થોડું મોટેથી સ્વામિનારાયણ….સ્વામિનારાયણ… કરીએ અને બાજુ વાળો કોઈ જુએ એનું જોર કરીએ. પરંતુ સ્વામીમાં દેખાવની ભક્તિ હતી જ નહીં, જેવું અંતરમાં એવું બહાર સહજ હતું. એટલે સુવા ગયા ને એટલે મેં પૂછ્યું કે સ્વામી શું કરો છો અત્યારે? એટલે તેમણે કહ્યું કે, ભજન બીજું શું કે. એટલે મેં કહ્યું સ્વામી આપના તો 24 કલાક ભજન થાય છે. પછી સ્વામી કહે તને ખબર તો છે કે આપણા દેશમાં કેટલી ભયંકર પરિસ્થિતિ છે. જ્યારે વરસાદ ન પડે ત્યારે ગુજરાતમાં ખેડૂતો કેટલા દુઃખી થાય, ખેડૂતો દુઃખી થાય અને પાક ન પાકે તો પ્રજા પણ દુઃખી થાય. આખું ગુજરાત દુઃખી થાય તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ને’

મેં પૂછ્યું- બાપા, આજે આંખ ઊઘડી, તમે કેટલા દિવસથી આ કરો છો?
‘મેં કહ્યું કે સ્વામી પણ અડધી રાત્રે, આપણે સવારે ઉઠીને પ્રાર્થના કરીએ જ છીએ. સ્વામી કહે સવારે તો આપણે પ્રાર્થના કરીએ જ છીએ, તો આ એક વિશેષ પ્રાર્થના કરી. પછી મેં પૂછ્યું બાપા આજે આંખ ઉઘડી તમે કેટલા દિવસથી આ કરો છો? તો તેમણે કહ્યું કે, એક અઠવાડીયા થઈ ગયું. એક અઠવાડીયાથી સ્વામી અડધી રાતે જાગી જાગીને ધૂન કરતા હતા એ પરને કાજે. દેશની અંદર કોઈપણ ભક્ત હોય એ હિન્દુ હોય કે મુસ્લિમ. આખું ગુજરાત, સમાજ આખો દુઃખી થાય છે એ જોઇ ન શકે. આ એમની કરુણા હતી. જીવનના અંત સુધી તેમની કરુણાની નદી ક્યારેય સુકેલી જોઇ નથી. સતત કરુણાની નદીની વહેતો પ્રવાહ એમની આંખોમાં નિતરતો જોયો છે. આ એમનો સહજ ગુણ હતો’

સંતો-મહાત્માઓને ન માનતા પરેશ રાવલે પ્રમુખસ્વામીની આંખમાં શું જોયું?
‘ભારતના પ્રખ્યાત ફિલ્મ કલાકાર પરેશ રાવલનો કિસ્સો કહી દઉં, તેઓ કહે છે કે હું સંતો-મહાત્માઓને માનતો નથી, મને ભગવાનમાં શ્રદ્ધા ઓછી છે, પરંતુ પ્રમુખ સ્વામી ધામમાં ગયા ત્યારે તેઓ ખાસ દર્શન કરવા સાળંગપુર આવ્યા. આવી પરિસ્થિતિમાં એમણે જે પ્રમુખ સ્વામીની આંખોમાં જે કરુણા જોઇ. તેઓ સહજ અંતરથી બોલી ઉઠ્યા મારી જિંદગીમાં ક્યારેય પણ આવા સંતના દર્શનથી આસ્તિક થઈ ગયો એવું કહેવા માગતો નથી પરંતુ પ્રમુખ સ્વામી એમ બોલતા બોલતા ડુમો આવી ગયો અને હું તેમના જીવતે જીવ દર્શન ન કરી શક્યો તેનો મને અફસોસ છે. પછી બોલ્યા કે વિશ્વની અંદર પ્રમુખ સ્વામીની આંખોમાં જે કરુણા જોઇ છે એ કોઈની આંખોમાં જોઇ નથી. પ્રમુખ સ્વામીની બંધ આંખોમાં આવી કરુણા દેખાતી હોય તો એમની 95 વર્ષ સુધી ખુલ્લી આંખે આખા વિશ્વને કેટલી કરુણા આપી હશે તે કલ્પી શકીએ એટલા માટે તે કરુણાના સાગર એક શબ્દમાં આપણે વર્ણવી શકીએ છીએ’

 

You cannot copy content of this page