Only Gujarat

Gujarat

ગુજરાતના ગામડાના 18 વર્ષના દીકરાએ ભેજુ લગાવી જાતે બનાવ્યું ટ્રેક્ટર

ગુજરાતમાં ટેલન્ટ ભરીભરીને પડ્યું છે અને ગામડાંના યુવાનો પણ શહેરી યુવાનોથી કંઈ કમ નથી.. એનું ઉદાહરણ છે છોટાઉદેપુરનો 18 વર્ષીય યુવાન. કહેવત છે કે ‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ એમ માત્ર સાત ધોરણ ભણેલા નંદીશ નાયકાએ પોતાની કોઠાસૂઝથી બાઇકના એન્જિનમાંથી મિની ટ્રેકટર બનાવી ‘હમ કિસી સે કમ નહીં’ પંક્તિને સાર્થક કરી દીધી છે. આર્થિક સ્થિતિ નબળી હોવાના લીધે નંદીશ વધારે ભણી ન શક્યો, પણ તેણે અથાક મહેનત કરીને પોતાનું સપનું પૂરું કર્યું છે.. ત્યારે અહેવાલમાં વિગતે જોઈએ નંદીશ, તેનું સપનું, મહેનત અને તેનું પરિણામ.

આર્થિક પરિસ્થિતિના લીધે ભણતરમાં અડચણ આવી
છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગુડા ગામમાં રહેતો 18 વર્ષીય નંદીશ નાયકાએ માત્ર સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેને વધારે ભણવું હતું, પણ ભણતર આડે આવતી હતી તેના પરિવારની આર્થિક સ્થિતિ… ગરીબીમાં ઊછરેલા નંદીશનું કંઇક અલગ કરી બતાવવાનું જન્મથી સપનું હતું, પણ તે ભણી ન શક્યો.. તો ઘરેથી બસ મનમાં ગાંઠ વાળીને નીકળી પડ્યો. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠેકઠેકાણે મજૂરી કરીને થોડી રકમ એકઠી કરી અને પરત પોતાના ગામે ફર્યો.

ખેતી પણ કઈ રીતે કરવી?
નંદીશનાં માતા-પિતા ખેતી સાથે સંકળાયેલા હોવાથી ઘરે પરત ફરીને નંદીશ તેમને ખેતીમાં મદદ કરવા લાગ્યો, પણ એમાં તકલીફ એ હતી કે ટેકનોલોજીના જમાનામાં ટ્રેકટરની વાત દૂર રહીં, પણ તેના પરિવારમાં બળદ પણ નહોતા, જેથી ખેતર ખેડવામાં બહારથી ભાડેથી ટ્રેકટર મગાવવું પડતું હતું અને એ પરિવારને પોસાતું નહોતું.. આ બધું નજરે જોયા બાદ નંદીશે નક્કી કર્યું કે હું ટ્રેકટર બનાવીશ.

રિવર્સ ગિયરની તકલીફ ઊભી થઈ
ટ્રેકટર બનાવવાનું નક્કી કર્યા બાદ નંદીશે સૌથી પહેલા પોતાની પાસે એક જૂની બાઈક હતી, તેનું એન્જિન કાઢી રિપેર કરીને તૈયાર કર્યું, ત્યાર બાદ લોખંડની જરૂર પડતાં બાજુના ગામમાં જઈને દુકાનમાંથી લોખંડના એંગલ તેમજ જરૂરી સમાન લઈ આવ્યો અને ઘરે જ વેલ્ડિંગ કરીને ખૂબ નાનું ટ્રેકટર બનાવી દીધું.. જેટલું સરળતાથી આપણે વાંચ્યું આટલું સરળતાથી ટ્રેકટર નહોતું બન્યું, એમાં અનેક અડચણો ઊભી થઈ હતી, જેમ કે ટ્રેક્ટર બનાવવા બાઈકનું એન્જિન લગાવ્યું તો એમાં આગળના ચાર ગિયર જ હતાં, રિવર્સ ગિયર નહોતું.. એટલે નંદીશે પોતે બાજુના ગામમાં જઈને બાઇકના જરૂરી ચક્કર લઈ આવી પોતાની આગવી આવડત કામે લગાવી રિવર્સ ગિયર પણ બનાવ્યું.

ટ્રેક્ટર તો તૈયાર થઈ ગયું સાધનો વગર, ખેતર કંઈ રીતે ખેડવું?
નંદીશે મિની ટ્રેક્ટરમાં બાઇકનું એન્જિન લગાવ્યું હોવાથી એ પેટ્રોલથી ચાલે, એટલે પેટ્રોલ ભરવા માટે જુગાડ કરી પ્લાસ્ટિકની બોટલ લગાવી દીધી અને એમાંથી પાઇપ કાઢીને એન્જિનમાં પેટ્રોલનો સપ્લાય આપ્યો, સાથે વાયરિંગ પણ કર્યું… આમ ટ્રેક્ટર તો તૈયાર થઇ ગયું, પણ ખેતર ખેડવા અન્ય સાધનોની જરૂર પડે.. એટલે નંદીશે બીજો એક જુગાડ કર્યો, બાજુના ગામમાંથી લોખંડની એંગલો લાવી એમાંથી ઘરે જ કલ્ટિવેટર બનાવીને ખેતર ખેડવાનું ચાલુ કરી દીધું. આ ટ્રેકટર બનાવવા માટે નંદીશ નાયકાને લગભગ દોઢથી બે વર્ષનો સમય લાગ્યો હતો અને લગભગ 30 હજાર જેટલો ખર્ચ લાગ્યો છે.

હવે મોટું ટ્રેક્ટર બનાવવું સપનું
મિની ટ્રેક્ટરની સફળતા બાદ હવે નંદીશને વધારે આગળ વધવાની ધગશ છે. નંદીશે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હવે મારે મોટું ટ્રેક્ટર બનાવવું છે. નંદીશની આ કામગીરીથી તેના પરિવારજનો ખૂબ જ ખુશ છે. હવે તેમને ખેતી માટે બહારથી ટ્રેક્ટર નહીં મગાવવું પડે.. નંદીશની આ મહેનત એક શીખ આપી જાય છે કે મક્કમ મનોબળ અશક્ય કામને પણ શક્ય કરી દે છે.

You cannot copy content of this page