Only Gujarat

Gujarat

પાટણમાં માત્ર 12 પાસ વેપારીએ કોરોના વોરિયર્સ માટે બનાવ્યો આ ખાસ રોબોટ

પાટણઃ કોરોના નામની મહામારીએ આખા વિશ્વને પોતાના ભરડામાં લીધું છે. દર્દીઓની સેવા કરતા કોરોના વૉરિયર્સને પણ કોરોના થઈ રહ્યો છે. દર્દીના સીધા સંપર્કમાં આવતા ડૉક્ટર અને નર્સ પણ કોરોનાના શિકાર બની રહ્યા છે. ત્યારે તેમને દર્દીના સીધા સંપર્કમાં આવતા અટકાવવા માટે પાટણ જિલ્લાની હૉસ્પિટલમાં ખાસ રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે. ધારપુર જનરલ હૉસ્પિટલમાં ઉપયોગમાં લેવામાં આવતા આ રોબોટને ‘ધાર-બોટ’ નામ આપવામાં આવ્યું છે. જે આઈસોલેશન વોર્ડમાં રહેતા દર્દીને દવા, પાણી અને ભોજન પહોંચાડે છે.

ધારપુરની હૉસ્પિટલ ટીમ અને પાટણના યુવાનોએ સાથે મળીને આ રોબોટ તૈયાર કર્યો છે, જે સંપૂર્ણ રીતે ટચ ફ્રી છે. આ રોબોટને બ્લૂટૂથથી હેન્ડલ કરી શકાય છે. બ્લૂટૂથ ટેક્નોલોજીથી સજ્જ આ રોબોટને એપ્લિકેશનની મદદથી સંચાલિત કરી શકાય છે. તે દર્દીઓને પાણી, ભોજન અને દવા પહોંચાડી શકે છે. સાથે જ તેના પર લગાવવામાં આવેલા 360 ડિગ્રી વ્યૂ કેમેરાથી ડૉક્ટર્સ તેમના વોર્ડમાં બેસીને આઈસોલેશન વોર્ડનું ઓબ્ઝર્વેશન પણ કરી શકશે. સાથે જ તેમાં લગાવવામાં આવેલા સ્પીકરથી આઈસોલેશન વોર્ડમાં રહેલા દર્દીને સૂચના પણ આપી શકાશે.

અત્યાધુનિક અને કોરોનાના સમયમાં ઉપયોગી એવો આ રોબોટ અન્ય હોસ્પિટલમાં પણ સારી રીતે કામ આવી શકે છે. ટુ વે કમ્યુનિકેશ ટેક્નોલોજીની મદદથી તબીબી અધિક્ષકને તેમના મોબાઈલમાં આપવામાં આવેલા એક્સેસની મદદથી દર્દીની સાથે સીધો સંવાદ કરી શકાશે. તો દર્દી વીડિયો કૉલ કરીને પોતાના પરિવાર સાથે પણ વાત કરી શકે છે અને દર્દીનું મનોરંજન પણ કરી શકે છે. સાથે જ આ રોબોટની મદદથી ડિસ્ચાર્જ થનાર દર્દી અને તેના બેડને સેનેટાઈઝરનો છંટકાવ કરીને ડિસઈન્ફેક્ટ પણ કરી શકાય છે. ધારપુર મેડિકલ કૉલેજના આઈસોલેશન વોર્ડમાં આ રોબોટ કામ કરી રહ્યો છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ રોબોટને બનાવનાર પિનાક ઠક્કર એક વેપારી છે. તેઓ માત્ર 12માં ધોરણ સુધી જ ભણ્યા છે. તેઓ આ રોબોટને વધુ હાઈટેક બનાવવા માંગતા હતા. જોકે, લૉકડાઉનના કારણે વધુ સામાન ના લાવી શક્યા નહીં. ત્યાં જ બીજા યુવાન અનિલ પટેલે પણ માત્ર આઈટીઆઈ સુધીનો અભ્યાસ કર્યો છે.

આ રોબોટને બનાવવા માટે લગભગ 60 હજારનો ખર્ચ આવ્યો છે. ધારપુરમાં ટેસ્ટિંગ બાદ આ રોબોટને રાજ્યના અન્ય કોરોના હૉસ્પિટલમાં પણ બનાવવાની તૈયારી છે. હાલ તો, આ રોબોટ દર્દીની સેવા કરીને કોરોના વૉરિયર્સની ચિંતા ઓછી કરી રહ્યો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page