Only Gujarat

Gujarat

બુટલેગરે ગ્રાહકો સુધી દારૂ પહોંચાડવા અપનાવ્યો અનોખો નુસ્ખો, પોલીસે આ રીતે ઝડપી લીધો

રાજ્યમાં દારુબંધી એટલી કડક બની રહી છે કે બેબાકળા બનેલા બુટલેગરો ગ્રાહકો સુધી દારૂ પહોંચાડવા માટે અવનવા નુસખા અજમાવી રહ્યા છે. આવી જ એક ઘટના સામે આવી છે નર્મદા જિલ્લામાં. જ્યાં બુટલેગર એક સાથે 48 બોટલ પોતાના શરીર સાથે બાંધી પસાર થયો. જો કે પોલીસની નજરમાં આવી જતાં દારૂની હેરફેરનું નવું રેકેટ ઝડપાયું છે.

બનાવની વિગત એવી છે કે, નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહના આદેશ પ્રમાણે નર્મદા LCBના PI એ.એમ.પટેલ, PSI સી.એમ. ગામીત સહિતનો સ્ટાફ રાત્રિ દરમિયાન કોમ્બિંગ કરી રહ્યો હતો. તે સમયે નાંદોદ તાલુકાના વણઝર ગામની કેનાલ પાસે એક બાઇક પર જઇ રહેલા નિલમ નરપતભાઇ વસાવા પર શંકા જતા પોલીસે તેને અટકાવી પૂછપરછ કરી હતી.

તપાસ દરમિયાન તેના શરીર પરથી વિદેશી દારૂની નાની 48 નંગ બોટલ પોલીસને મળી આવી. દારૂની હેરફેરની નવી રીત જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી. આરોપી નિલમે ટી-શર્ટ પહેર્યું હતું. પોલીસને શંકા જતાં ટી-શર્ટ કાઢાવ્યું તો કોથળીની મદદથી તેના પેટથી લઈને છાતીના ભાગ સુધી દારૂની 48 બોટલો બાંધીને રાખી હતી. પોલીસથી બચવા માટે બુટલેગરે અનોખો કીમીયો અપનવ્યો હતો. પણ તેની ચાલાકી ન ચાલી અને પોલીસના હાથે પકડાઇ ગયો.

રાજપીપળા પોલીસે બુટલેગરને પકડીને કાર્યવાહી હાથ ધરી છે. નર્મદામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો સામે કડક પગલા લેવા તથા વધુમાં વધુ વોચ તથા નાકાબંધી દ્વારા આવા ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવા પોલીસ તરફથી સઘન ચેકિંગને પગલે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે ગાંધી બાપુના ગુજરાતમાં દારુબંધી હોવા છતાં દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા માફિયાઓ કોઈને કોઈ યુક્તિ અજમાવીને પોતાનો ધંધો ધમધમતો રાખવા મથી રહ્યા છે. અવારનવાર એવો પણ આરોપ લાગે છે કે પોલીસ સાથેની સાંઠગાંઠના કારણે બુટલેગરો બેફામ બની રહ્યા છે.

 

You cannot copy content of this page