સરકારી અધિકારી સાંભળો…! મહિલા અધિકારી સહેજ પણ ડર્યા વગર સાડી પહેરીને ઉતરી ગઈ ગટર ચેક કરવા

મુંબઈના ભિવંડી નગરપાલિકાના એક મહિલા ઑફિસર સુવિધા ચૌહાણની કામ કરવાની રીતની અત્યારે પ્રશંસા થઈ રહી છે. સુવિધા ચૌહાણે ગત મંગળવારે વરસાદ પહેલાં શહેરના કેટલાક મેનહોલનું નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન તેમને સફાઈ અંગે શંકા થતાં તે સીધા ગટરની સીડીઓ દ્વારા નીચે ઉતરી ગયા હતાં. કેટલીક જગ્યાએ તેમની આશા મુજબ સફાઈ થયેલી જોવા મળી, પણ કેટલીક જગ્યાએ ગંદકી જોઈ તેમણે જવાબદાર લોકોનો ઉધડો લીધો હતો.

મૉનસૂનને પગલે શહેરમાં સીવરેજ સફાઈનું કામ ચાલી રહ્યું છે. કોન્ટ્રાક્ટરોને સફાઈનું કામ સોંપવામાં આવ્યું હતું. કામમાં કોઈ રીતની ચૂક ના થઈ જાય તેનું નિરીક્ષણ કરવા માટે મહિલા નિરીક્ષક સુવિધા ચૌહાણે દરેક જગ્યાએ ફરીને મેનહોલની તપાસ કરી રહી હતી. ગત મંગળવારે તેઓ નિઝામપુર વિસ્તારમાં તપાસ માટે પહોંચ્યા હતાં. તેમનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે તપાસ માટે મેનહોલમાં પણ ઉતરતાં જોવાં મળી રહ્યાં છે.

સાડી પહેરીને મેનહોલમાં ઉતર્યાં મહિલા ઓફિસર
મહિલા ઓફિસર જે દરમિયાન મેનહોલમાં ઉતર્યાં ત્યારે તેમણે સાડી પહેરી હતી. તેમણે પોતાના કપડાંની ચિંતા કર્યા વગર પોતાના કામને સંપૂર્ણ પ્રામાણિકતાથી નિભાવ્યું હતું જેને લીધે સોશિયલ મીડિયામાં તેમના ખાસ વખાણ થઈ રહ્યા છે. મેનહોલની તપાસ દરમિયાન તેમણે સફાઈ કામ કરી રહેલાં મજૂર સાથે વાત કરી અને તેમને સારું કામ કરવા જણાવ્યું હતું.

આવું કરવામાં કોઈ ડર લાગતો નથીઃ મહિલા ઑફિસર
સુવિધા ચૌહાણે કહ્યું કે, તેમને આવું કરવામાં કોઈ ડર લાગતો નથી. આ કામનો એક ભાગ છે. જો ગટરની સફાઈ સરખી રીતે ન થાય તો મોનસૂન દરમિયાન રોડ પર પાણી ભેગું થઈ જશે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

મેં ખૂબ જ સાંભળ્યું હતું કે, ગટરમાં સફાઈ ન થવાને લીધે ઘણીવાર પાણી ભરાઈ જાય છે. એટલે હવે નક્કી કરવું જરૂરી છે કે, શહેરની ગટર સાફ થાય.

You cannot copy content of this page