Only Gujarat

Sports

ટીમ ઈન્ડિયામાં ધોનીને કેવું મળે છે સન્માન? આ વાંચી તમે કહેશો- ‘માહી જેસા કોઈ નહીં’

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયામાં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની જગ્યા કોણ લેશે એ તો આવનારો સમય કહેશે. જોકે બધાને ખબર છે કે ટીમ ઈન્ડિયામાં ધોનીનું એક અલગ સ્થાન છે. તમામ ખેલાડીઓ ધોનીને માન આપે છે અને સન્માનિત નજરે જોવે છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે ટીમની બસમાં હજી પણ ધોનીની સીટ ખાલી રહે છે. ભારતીય સ્પિનર યુજવેન્દ્ર ચહલનો એક વીડિયો બીસીસીઆઈએ શેર કર્યો છે, જેમાં ચહલે એક ખાલી સીટને દેખાડતાં કહ્યું હતું કે આ ધોનીની સીટ છે, જેના પર કોઈ બેસતું નથી.

બીસીસીઆઈના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમ બસ બેસીને ન્યુઝીલેન્ડના ઑકલેન્ડથી હેમિલ્ટન જઈ રહી છે.

યુજવેન્દ્રસિંહ ચહલ વીડિયોના અંતમાં બે ખાલી સીટમાંથી એક સીટ પર બેસી જાય છે. અને બાજુની બીજી ખાલી સીટ તરફ ઈશારો કરતાં કહે છે કે ‘‘આ એ સીટ છે, જ્યાં લીજેન્ડ બેઠતાં હતા, માહી ભાઈ (મહેન્દ્રસિંહ ધોની). હજી પણ અહીં કોઈ બેસતું નથી. અમે તેમને ખૂબ મિસ કરીએ છીએ.’’

યુજવેન્દ્ર ‘ચહલ ટીવી’ નામથી એક વીડિયો ટોક શો કરે છે, જેમાં તે બીજા સાથી ખેલાડીઓ સાથે વાત કરે છે. આ પહેલાં હળવા અંદાજમાં ચહલે કહ્યું હતું, ‘‘તે (ધોની) ક્યારેય ચહલ ટીવી પર નથી આવ્યા. બહુ આવવા માંગતા હતા, તડપતા હતા, પણ મેં કહ્યું નહીં ભાઈ, અત્યારે નહીં.’’

નોંધનીય છે કે ધોની હાલ મધ્યપ્રદેશના જંગલમાં પરિવાર સાથે વેકેશન ગાળી રહ્યો છે. ધોની છેલ્લે ઈંગ્લેન્ડમાં ગત વર્ષે જુલાઈમાં રમાયેલી આઈસીસી વર્લ્ડકપની સેમીફાઈનલમાં બ્લ્યૂ જર્સીમાં જોવા મળ્યો હતો. ત્યાર પછી 38 વર્ષીય ધોનીએ કોઈ ક્રિકેટ મેચ રમી નથી.

ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવા અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. ધોનીએ હજી સુધી નિવૃત્તિની જાહેરાત પણ કરી નથી. રાતોરાત ટેસ્ટ ક્રિકેટને અલવિદા કરી દેનાર ધોની અંગે ક્રિકેટના જાણકારો એવું માનતા હતા કે વર્લ્ડકપ પછી તે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લેશે, પણ એવું થયું નહોતું.

You cannot copy content of this page