Only Gujarat

FEATURED National

આપણાં દેશમાં કોરોનાના આ ગ્રૂપે મચાવ્યો છે હાહાકાર, રિસર્ચમાં થયો સૌથી મોટો ખુલાસો

નવી દિલ્હી: કોરોના વાઈરસ સંક્રમણના આંકડા દરરોજ વધી રહ્યાં છે. શ્વાસ સંબંધિત બીમારીઓ ફેલાવતા કોરોના પરિવારના નવા વાઈરસ Sars Cov2એ દેશમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી કોરોનાની કોઈ દવા કે વેક્સિન શોધાઈ કે તૈયાર થઈ નથી. પરંતુ વૈજ્ઞાનિકો વહેલી તકે વેક્સિન ઉપલબ્ધ થઈ જશે, તેવો દાવો કરી રહ્યાં છે. આ દરમિયાન ‌વૈજ્ઞાનિકોને કોરોના વાઈરસના નવા ગ્રૂપ અંગે જાણ થઈ છે, જે ભારતમાં 41 ટકા સંક્રમણ ફેલાવવાનું મૂળ કારણ છે.

તમિલનાડુ અને તેલંગાણામાં સૌથી વધુ કેસઃ હૈદરાબાદના સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મૉલિક્યુલર બાયોલૉજીના વૈજ્ઞાનિકોએ આ નવા ગ્રૂપની શોધ કરી. તેમણે જણાવ્યું કે, આ ગ્રૂપના વાઈરસ ખાસ કરીને તામિલનાડુ અને તેલંગાણાના સંક્રમિત દર્દીઓમાં જોવા મળ્યા.

ઉલ્લેખનીય છે કે, તમિલનાડુ કોરોના વાઈરસથી સૌથી પ્રભાવિત થનારા રાજ્યોમાં સામેલ છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આ ગ્રૂપમાં રહેલા કોરોના વાઈરસ થોડા અલગ છે. તેમણે આ વાઈરસના ગ્રૂપને ક્લેડ એ3-આઈ નામ આપ્યું છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, સમગ્ર દેશમાં કોરોના વાઈરસ જે ઝડપથી ફેલાઈ રહ્યો છે, તેમાંથી 41 ટકા દર્દીઓમાં સંક્રમણ માટે વાઈરસનો આ સમૂહ જવાબદાર છે.

64 જીનોમનું રિસર્ચઃ સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મૉલિક્યુલર બાયોલૉજી (સીસીએમબી)એ પોતાની રિસર્ચ સંબંધિત ટ્વિટ કરી જાણકારી આપી. શોધકર્તાઓએ કોરોના વાઈરસના 64 જીનોમ સિક્વન્સનું એનાલિસિસ કર્યું હતું. તેમના મતે આ લેટેસ્ટ જીનોમ રિપોર્ટ છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે અત્યારસુધી આ વાઈરસ સમૂહની ઓળખ નહોતી થઈ શકી, જે દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યું હતું. આ વાઈરસ ગ્રૂપ કેટલો ખતરનાક છે, તેના હજુ પરિણામ સામે નથી આવ્યા પરંતુ આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

ફેબ્રુઆરીથી સંક્રમણ ફેલાવવા લાગ્યું, દિલ્હીમાં ફેલાયેલા વાઈરસ જેવું સ્વરૂપઃ સીસીએમબીએ જણાવ્યું કે, આ ગ્રૂપના વાઈરસનો ઉદ્ભવ ફેબ્રુઆરીમાં થયો અને ત્યારથી જ તે સમગ્ર દેશમાં ફેલાવવા લાગ્યો. વૈજ્ઞાનિકોના મતે, કોરોનાના સેમ્પલમાં આ જીનોમ સિક્વન્સવાળું વાઈરસ 41 ટકા જોવા મળ્યું છે. આ આંકડો ભારતનો છે, જ્યારે સમગ્ર વિશ્વમાં મળેલા વાઈરસના જીનોમ સિક્વન્સમાં તેનું પ્રમાણ 3.5 ટકા છે. રિસર્ચર અને સીસીએમબીના ડિરેક્ટર રાકેશ મિશ્રાએ કહ્યું કે,‘તમિલનાડુ અને તેલંગાણાથી જે સેમ્પલ લેવામાં આવ્યા તેમાં મોટભાગના સેમ્પલ ક્લેડ એ3આઈ જેવા છે. દિલ્હીમાંથી લેવામાં આવેલા સેમ્પલમાં અમુક અંશે સમાનતા છે. જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતના સેમ્પલ મેચ થતા નથી.’

કોરોના અંગે આ પ્રકારની પ્રથમ રિસર્ચઃ રાકેશ મિશ્રાએ જણાવ્યું કે, આ પ્રથમ એવું રિસર્ચ સ્ટડી છે, જે કોરોનાના નવા ક્લસ્ટર અંગે માહિતી આપે છે. મોટાભાગના સેમ્પલ મહામારીના પ્રારંભિક સંક્રમણકાળ સમયે જ લેવામાં આવ્યા હતા. તેમણે આગળ કહ્યું કે,‘ક્લેડ એ3-આઈ સમૂહવાળો કોરોના વાઈરસ ફિલિપિન્સ અને સિંગાપુરમાં પણ મળ્યો હતો. પરંતુ નવી અને વધુ માહિતી સામે આવી શકે તે માટે વહેલી તકે વધુ જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે.’ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી આ રિસર્ચમાં હાલ એ સ્પષ્ટ નથી કે આ ‘ક્લેડ એ3-આઈ’ સમૂહ વાઈરસ વાસ્તવમાં વધુ જોખમી છે કે નહીં. હાલ આ માટે વધુ શોધની જરૂર હોવાનું કહેવામાં આવ્યું છે.

You cannot copy content of this page