Only Gujarat

Gujarat TOP STORIES

આગામી 5 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની કરાઈ આગાહી

ગાંધીનગર: છેલ્લા ચાર દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી કરી છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, ‘નિસર્ગ’ વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 5 દિવસ સુધી ગુજરાતના મોટાભાગના શહેરોમાં ભારે પવન સાથે વરસાદ વરસે તેવી સંભાવના છે. તેમાં પણ હવામાન વિભાગ દ્વારા 11મી જૂને સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ખેડા, ડાંગ, તાપી, દાહોદમાં ભારે પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. જોકે બે દિવસ સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ વરસે તેવી પુરીપુરી સંભાવના છે. ત્યારબાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે.

બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થયું છે. જેને કારણે 14 અને 15 જૂને ગુજરાતમાં વાવણીલાયક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 18થી 24 જૂનની વચ્ચે ચોમાસુ બેસશે. ચોમાસાની શરૂઆત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી થશે અને 15 જૂનથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસુ પહોંચશે. 25થી 30 જૂન વચ્ચે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે સારું ચોમાસુ રહેવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા 11મી જૂને સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, અમદાવાદ, વલસાડ, ડાંગ, દમણ દાદરા નગર હવેલી, નવસારી, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ ,કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધનીય છે કે, સમગ્ર ગુજરાતમાં ભારે પવન સાથે વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશાલી જોવા મળી છે જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ઘણી જગ્યાએ ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાઈ ગયા છે જેને જોવા માટે લોકો ઉમટી પડ્યાં હતાં.

You cannot copy content of this page