Only Gujarat

Gujarat

દુનિયા સામે 8-8 વર્ષથી ભાઈ-બહેનની જેમ રહેતાં પ્રેમીપંખીડાં, આવ્યો એવો કરૂણ અંત કે ભલભલા થથરી ગયા

ઘણીવાર સંબંધોને કોઈ નામ ન આપવામાં આવે તે જ સારું રહે છે. પરંતુ સંબંધોને નામ આપવાથી ઘણું બધું બદલાઈ જાય છે અને ઘણા કેસમાં તો તેનો કરૂણ અંજામ પણ આવે છે. સમાજમાં આ પ્રકારના કિસ્સાઓ ખૂબ બનતા રહે છે. આજે વાત કરવી છે વડોદરાની પોર GIDCમાં રહેતા એવા જ બે પાત્રો એટલે કે મિત્તલ અને ઇસ્માઇલની. બન્ને વચ્ચે લગભગ એક દાયકા સુધી સંબંધ હતો પણ આ સંબંધને તેમણે સમાજ સામે ભાઈ-બહેનના સંબંધનું નામ આપ્યું હતું. પરંતુ સમય જતા તેનો અંત પણ કરુણ આવ્યો.

આ સંબંધમાં રૂ.2.50 લાખની લેવડ દેવડ થઈ હતી અને આ પૈસાના જ કારણે મિત્તલે બે બે છોકરાને મૂકીને દુનિયા છોડવી પડી. 2.50 લાખ માટે ઇસ્માઇલ મિત્તલને વાયદા પર વાયદા કરતો રહ્યો અને સ્થિતિ એ હદે વણસી કે, મિત્તલનો પરિવાર વેર વિખેર થઈ ગયો. સાહેબ પત્ની ગુમાવવાનું કેવું દુઃખ થાય તેની તો વાત જ ના કરો. ‘ભાઈ-બહેનના સબંધમાં આવો દગો કર્યો? ઘરનું માણસ ઘટે તો દુઃખ તો થાય જ ને. મારા બે બે છોકરા છે હવે એની જિંદગીનું શું’? આ શબ્દ છે મિત્તલના પતિ રાજુ બાવળિયાના.

મિત્તલ બાવળિયા અને ઇસ્માઇલના ભાઈ-બહેનના સંબંધોનું રહસ્ય શું છે અને આ સંબંધોની પતિને પણ જાણ હતી તો પછી એવું તે શું થયું કે મિત્તલે જીવથી જ હાથ ધોવા પડ્યા? આ અંગે જાણવા મિડીયાએ મિત્તલના પતિ રાજુ બાવળિયા અને આ કેસના તપાસ અધિકારી PSI ગોહિલ સાથે એક્સક્લૂઝિવ વાતચીત કરી હતી. આ વાતચીતમાં મિત્તલ અને ઇસ્માઇલ વચ્ચે ખરેખર શું સંબંધ હતો? અને મિત્તલે કેમ જીવ ગુમાવવો પડ્યો? તે સહિતની એક એક વાત જણાવી હતી.

બીજા દિવસે પણ મિત્તલ ઘરે ન આવી
વડોદરા પાસે આવેલી પોર GIDCમાં રાજુભાઇ બાવળિયા તેમની પત્ની મિત્તલ અને બે દીકરીઓ સાથે રહે છે અને પોર ગામમાં બાળકોના કપડાં વેચવાનું કામ કરે છે. દરરોજની જેમ રાજુભાઈ અને તેમના પત્ની 22 જાન્યુઆરી 2023ના રોજ પોર ગામમાં કપડાં વેચવા માટે ગયા હતા. પરંતુ પત્ની મિત્તલે સાંજે 7:30 વાગ્યા આસપાસ પોતે પોર ગામથી પોર GIDC પોતાના ઘરે જઉં છું તેમ કહીને નીકળ્યા. જો કે મોડી રાત અને બીજા દિવસની સવાર થવા છતાં તેઓ ઘરે પહોંચ્યા નહોતા. જેથી પતિ રાજુભાઈએ તેમના સગા સંબંધીઓ અને પરિચિતોને મિત્તલના ગુમ થવા અંગે જાણ કરી પૂછપરછ કરી. પરંતુ પત્નિની ભાળ મળી નહોતી. પતિ પત્નીને શોધવા માટે બે દીકરીઓને ઘરે મૂકી સતત 9 દિવસ સુધી રઝળપાટ કરતો રહ્યો, છતા મિત્તલ મળી નહીં. જેથી રાજુભાઈએ વરણા પોલીસ સ્ટેશનમાં ઇસ્માઇલ નામના વ્યક્તિનો ફોન આવ્યા બાદ પત્ની ગુમ થયા હોવાની અરજી આપી. તેમજ પોર ગ્રામ પંચાયતના CCTVમાં ઇસ્માઇલ નામની વ્યક્તિના બાઇક પાછળ બેસીને મિત્તલ જતી જોવા મળી. આ ઇસ્માઇલ કોણ હતો તેનું રહસ્ય ઘેરું બન્યું.

‘તમારા ફોનમાં ચાર્જિંગ નથી તો હું રિક્ષામાં આવતી રહીશ’
સાહેબ હું પોર GIDCમાં છેલ્લા 15 વર્ષથી રહું છું. મારા લગ્ન મિત્તલ સાથે 2008માં થયા હતા. છેલ્લા 10 વર્ષથી મારી પત્ની મિત્તલ કરજણના ખેરડા ખાતે રહેતા ઇસ્માઇલ નામના વ્યક્તિ સાથે પરિચયમાં હતી અને મારી પત્ની તેમના બંને વચ્ચે ભાઈ-બહેન જેવા સંબંધ હોવાનું કહેતી હતી. 22 જાન્યુઆરીના 7.30 વાગ્યે મારા પર ઇસ્માઇલનો ફોન આવ્યો એટલે એને મને કહ્યું કે મિત્તલને ફોન આપો. મેં પૂછ્યું કે શું કામ છે? જેથી ઇસ્માઈલે જવાબ આપ્યો કે ‘મારે વાત કરવી છે’ મિત્તલનો ફોન આગલા દિવસે જ ગુમ થઈ ગયો હતો એટલે મેં મારી પત્નીને ફોન આપ્યો. ફોન પત્યા પછી મેં મિત્તલને પૂછ્યું કે ‘એ ભાઈએ શું કીધું’ એટલે મારી પત્નીએ ‘મને કીધું કે એ ઘરે પહોંચી ગયો છે એટલું કહ્યું છે’ ત્યાર બાદ અમે જે કપડાં વેચવા જઈએ છીએ એ તે તમામ કપડાં સંકેલીને મિત્તલે મારા ટુ વહીલર પર મુક્યા અને ઘરે જવાની તૈયારી કરતા હતા. મેં મિત્તલને કહ્યું કે ‘તું મારો ફોન રાખ તારી પાસે ફોન નથી વહેલું મોડું થાય તો ઘરે છોકરા પાસે ફોન છે એમાંથી ફોન કરીશ’ પણ મિતલે કહ્યું કે ‘નાના તમારા ફોનમાં ચાર્જિંગ નથી તો હું રિક્ષામાં આવતી રહીશ’ એમાં શું છે સાહેબ આટલા વર્ષોથી અમે ધંધો કરીએ છીએ તો કાયમ રિક્ષામાં આવતી એટલે લાગ્યું કે રિક્ષામાં આવતી રહેશે, એટલે હું ટુ-વહીલર લઈને ઘરે પોર GIDCમાં આવ્યો. કલાક જેવું થયું તેમછતાં મિત્તલ ઘરેના આવી એટલે મેં છોકરા ને કીધું કે હજુ કેમ ના આવી, હું પોર ગામમાં તપાસ કરીને આવું .ત્યાર બાદ પોર ગામમાં જઈને બે લોકોને મેં પૂછ્યું એટલે મને કહ્યું કે ‘પોર બસ સ્ટેશન સુધી એમને જોયા છે’ પણ આખી રાત જવા છતાં ક્યાંય ભાળ મળી નહીં. સવારમાં મેં મારી સાસરીમાં બધે ફોન કર્યા અને તેમને કહ્યું કે તમારી દીકરી મને કીધા વગર ક્યાંક જતી રહી છે મને કીધું નથી.

‘તે મને શા માટે બ્લોક લિસ્ટમાં મુક્યો છે’
આ કેસના તપાસ અધિકારી PSI ગોહિલે મિડીયાને જણાવ્યું કે, ઈસ્માઈલ અને મિત્તલ બંને આજથી આઠ દસ વર્ષ પહેલા એક કંપનીમાં સાથે નોકરી કરતા હતા. કંપનીમાં સાથે કામ કરતા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. જોકે આ પ્રેમ સંબંધની કોઈને પણ ગંધ ન આવે તે માટે બંને ભાઈ-બહેન હોય તે રીતે લોકો સામે વાતચીત અને વ્યવહાર કરતા હતા. 22 જાન્યુઆરી, 2023ના રોજ ઈસ્માઈલ મિત્તલના પતિને ફોન કરી પૂછે છે કે મિત્તલ ક્યાં છે? જેથી મિત્તલના પતિએ તેને પૂછ્યું કે શું કામ છે? જેથી ઇસ્માઈલે જવાબ આપ્યો કે ‘મારે વાત કરવી છે’ અને ત્યારબાદ પતિ રાજુ તેની પત્ની મિત્તલને ફોન આપે છે. હવે ઈસ્માઇલ અને મિત્તલ વચ્ચે વાતચીત શરૂ થાય છે. ઇસ્માઇલ પૂછે છે કે,’તે મને શા માટે બ્લોક લિસ્ટમાં મુક્યો છે’ ત્યાર બાદ મિત્તલે ઇસ્માઇલને કહ્યું કે ‘હું તારી જોડે પછી વાત કરું છું’ તો સામે ઈસ્માઈલ એ કહ્યું કે ‘હું તને મૂકી જઈશ મારે તને મળવું છે, તું તારા પતિને કહે કે તે ઘરે જતો રહે’. આ વાતચીત બાદ મિત્તલે એના પતિને કહ્યું કે ‘તમે ઘરે જતા રહો હું રિક્ષામાં આવી જઈશ’ સાંજના અંદાજે સાડા સાત વાગ્યાની આસપાસ ઇસ્માઇલ મિત્તલને બાઈક પર બેસાડીને લઈ જાય છે. જોકે ત્યારબાદ મિત્તલ ગુમ થઈ જાય છે અને આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન આવે છે. પોલીસે મિત્તલની ભાળ મેળવવા માટે ઇસ્માઈલને ફોન કર્યો ત્યારે ઈસ્માઈલે કહ્યું કે ‘હું બીમાર હોવાથી હોસ્પિટલમાં છું’

જ્યારે ઇસ્માઇલની પત્નીએ કહ્યું-એમની તબિયત સારી નથી
મિત્તલ ગુમ થયા બાદ શું શું બન્યું તે અંગે મિત્તલના પતિ રાજુ બાવળિયાએ મિડીયાને જણાવ્યું કે, મિત્તલની ભાળ ન મળતા પોરના CCTV ચેક કરતા મિત્તલ ઇસ્માઇલના બાઈક પાછળ બેસીને જતી જોવા મળી હતી, એટલે મેં મિત્તલ ઇસ્માઇલને ભાઈ માનતી હોવાથી ઇસ્માઇલને ફોન કર્યો પણ ઈસ્માઈલની પત્નીએ મને ફોન ઉપાડીને કહ્યું કે એમની તબિયત સારી નથી એટલે સુઈ ગયા છે.ક્યાંય ભાળ ના મળતા પોલીસ સ્ટેશનમાં ગયા અને પોલીસે કહ્યું 24 કલાક રાહ જુઓ.પરંતુ બે દિવસ થવા છતાં મિત્તલની કોઈ ભાળ ન મળતા વરણામાં પોલીસ સ્ટેશનમાં અરજી આપી. તેમછતાં મિત્તલ ના મળતા અમે એસ.પી.સાહેબને રજૂઆત કરી.

પહેલા કહ્યું ‘અમે મળ્યા જ નથી અને પછી બોલ્યો મેં એને ચોકડીએ છોડી છે’
PSI ગોહિલે મિડીયાને તપાસની એક એક કડી અંગે કહ્યું કે, પોલીસની ભાષામાં ઈસ્માઈલને સમજાવીને પોલીસ સ્ટેશન બોલવામાં આવ્યો અને તેની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી. જોકે ઇસ્માઇલ તૂટતો નહોતો અને કહેતો હતો કે ‘અમે તો મળ્યા જ નથી. મને કંઈ વાત ખબર જ નથી’ બીજી બાજુ પોલીસ પાસે જે CCTV હતા તે CCTV ઇસ્માઇલને બતાવવામાં આવ્યા કે, તું મળ્યો જ નથી તો પછી આ CCTVમાં તારા બાઈક પાછળ બેસતા મિત્તલ કેમ દેખાય છે? જોકે ત્યારબાદ મિત્તલની એક નવી વાર્તા ઘડી કાઢી અને પોલીસને કહ્યું ‘મેં એને ચોકડી પર મૂકી દીધી છે હું રોજ એને મૂકવા અને લેવા માટે જતો હતો’ જેને લઈને પોલીસે મિત્તલના પતિને આ બાબતે પૂછ્યું ત્યારે તેના પતિએ પણ કહ્યું કે ઈસ્માઈલ તેની પત્ની મિત્તલને દવાખાને લઈ જતો અને લેવા મુકવા પણ આવતો જતો હતો. આમ ફરી ફરી પોલીસ માટે પડકાર ઉભો થયો.

આખી રાત અને આખો દિવસ પોલીસને ગોથે ચડાવતો રહ્યો
PSI ગોહિલે તપાસ અંગે આગળ જણાવ્યું કે, ઇસ્માઇલ કરજણ પાસે ખેરડા ખાતેનો રહેવાસી છે અને તેને સંતાનમાં એક છોકરો અને એક છોકરી છે. તેમના પ્રેમ સંબંધના કારણે મિત્તલે કટકે કટકે ઇસ્માઇલને 2.50 લાખ રૂપિયા આપ્યા હતા અને તેને લઈને બને વચ્ચે ઝઘડો થયો હતો. અમે એને પૂછ્યું કે તે મિત્તલને ચોકડીએ મૂકી દીધી તો ઘરે કેમ નથી પહોંચી? જોકે તેની પાસે કોઈ જવાબ ના મળ્યો અને પોતાને કોઈ જાણકારી ન હોવાનું કહેતો રહ્યો, એ આખી રાત અને આખો દિવસના ઇન્ટ્રોગેશન બાદ ઇસ્માઇલ આખરે માનસિક રીતે તૂટી ગયો અને પોલીસ સમક્ષ તેમણે હૃદય ખોલી દીધું.

એક ધક્કાથી મિત્તલ નીચે પડી ને પછી ઉભી જ ન થઈ શકી
‘ઈસ્માઈલે કહ્યું કે બાઈક પર મિત્તલને બેસાડીને 22 તારીખે જઈ રહ્યો હતો ત્યારે ‘મેં તેને પૂછ્યું કે તે મને બ્લોક શા માટે કર્યો છે’? ત્યારે મિત્તલે કહ્યું કે ‘મારે સ્ટોરી નહીં પૈસા જોઈએ છે’ અને આ વાતચીત દરમિયાન ઇસ્માઈલે મિત્તલને કહ્યું કે જોરજોરથી બૂમો પાડ નહીં આજુબાજુવાળા લોકો પણ જુએ છે’ ત્યારે મિત્તલે કહ્યું કે ‘હું તમાશો નથી બનાવતી’ આ ઝઘડા દરમિયાન ઈસ્માઈલના એક ધક્કાથી મિત્તલ નીચે પડી જાય છે અને તેને વાગતા તે ઊભી જ થઈ શકતી નથી. ત્યાર બાદ ઇસ્માઇલે મિત્તલના નાકે આંગળી મૂકી ચેક કરતા તેના શ્વાસ ચાલતા નહોતા. જેના કારણે આરોપી કોઈને ખબર ન પડે તે માટે કાશીપુરા સસરા રોડ પર મિત્તલની લાશને માટીમાં દાટી દે છે’

ત્રણ-ત્રણ JCBથી માટીનો ડુંગરો ખોદી નાંખ્યો
આરોપી ઇસ્માઇલની કબૂલાત બાદ પોલીસે તેને સાથે રાખીને જ્યાં પ્રેમિકા મિત્તલને દાટવામાં આવી હતી ત્યાં ત્રણ-ત્રણ JCB દ્વારા ખોદકામ કરવામાં આવે છે અને કલાકોની જહેમત બાદ પોલીસને મિત્તલની ડેડબોડી મળે છે, જ્યાં ઘટનાનું પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવે છે અને એફએસએલ પણ બોલવામાં આવી. આરોપી સામે પોલીસે હત્યાનો ગુનો નોંધી જેલ હવાલે કર્યો. આ ઉપરાંત ખરેખર મિત્તલની હત્યા અંગેના બીજા પાસાઓને ધ્યાનમાં રાખીને ટેક્નિકલ સહારો લઈ રહી

છે.’મિત્તલ મને કહેતી કે, ઇસ્માઇલ તો મારો ભાઈ છે’
ઇસ્માઇલે જ મિત્તલની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયા બાદ પોલીસે પતિ રાજુ બાવળિયાને બોલાવી શું કહ્યું તે અંગે રાજુ બાવળિયાએ કહ્યું કે, મને પોલીસ સ્ટેશને બોલાવ્યો અને જે સાહેબના હાથમાં કેસ હતો એમણે કહ્યું કે ઇસ્માઇલે કબૂલ્યું છે કે મિત્તલને કાશીપુર સરાર રોડ ઉપર પડી ગયા હતા અને ત્યાર બાદ ઉભા ના થતા મિત્તલની લાશ પર ધૂળ નાખી દીધી હતી. મને એવું હતું કે ભાઈ-બહેનના સંબંધ છે અને મિત્તલ મને કહેતી કે, ઇસ્માઇલ તો મારો ભાઈ છે. ભાઈ-બહેનના સંબધમાં મને દગો દઈને બંને એ પ્રેમ સંબંધ રાખ્યો. સાહેબ મારા બે નાના-નાના બે છોકરા છે. આવા માણસને એવી સજા થવી જોઈએ કે આપણી હિન્દુની દીકરીને કોઈ હાથ અડાડતા પહેલા પણ વિચાર કરે.

દંપતી મૂળ ગઢડા તાલુકાનું રહેવાસી
મૃતક મિત્તલ અને તેનો પતિ રાજુભાઇ ભીમજીભાઇ બાવળિયા મૂળ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના હામાપર ગામનાં રહેવાસી છે. પતિ રાજુભાઇ બાવળિયા વડોદરા નજીક આવેલ પોર GIDCમાં નોકરી કરે છે.

You cannot copy content of this page