Only Gujarat

Gujarat

‘હું લઘુશંકા કરવા ગઈ ત્યારે સીસીટીવીમાં આખી ક્રિયા કેદ થઈ અને તેના ફૂટેજ વાયરલ કરાયા’

વિવાદનો પર્યાય બની ચુકેલા ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં ચાલતા રાજકારણ અને વિવાદ વચ્ચે મહિલાઓના સન્માનને ઠેસ પહોંચે તેવી ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં મહિલા સાધ્વીનો આપત્તિજનક વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.

મહિલા સાધ્વીનો લઘુશંકા કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સ્વામિનારાયણ મંદિરના ચેરમેન હરીજીવન સ્વામી અને કોઠારી લક્ષ્મીનારાયણ સ્વામી સામે આરોપ લાગ્યો છે. મંદિરના દેવ પક્ષ અને આચાર્ય પક્ષના રાજકારણ વચ્ચે સંતે મર્યાદા નેવે મુકી અને આ ફૂટેજ વાઇરલ કર્યો હોવાનો આરોપ છે. ફૂટેજ વાઇરલ કરવામાં આવ્યાંનો આક્ષેપ છે તે બંને સંતો દેવ પક્ષના છે.

ગઢડાના મોટી બાનો ઓટલામાં વર્ષોની પરંપરા પ્રમાણે સ્વામિનારાયણ ધર્મની સન્યાસી પૂજા કરે છે. જોકે વર્ષોની પરંપરા તોડવામાં આવતા પૂજા કરતી બહેનોને હટાવવામાં આવ્યા હતા. આ માટે બાઉન્સરને લાવવામાં આવ્યા હતા. આચાર્ય પક્ષ 22 વર્ષથી સત્તામાં હતો. છતાં આ પરંપરામાં કોઈ ફેરફાર થયો નહોતો.

સાંખ્યયોગી મહિલાએ જણાવ્યું હતું કે હું મોટી બાની સેવા કરું છું. 23 ઓગસ્ટના રોજ આ ઘટના બની હતી અને 25મીએ આ ફૂટેજ વાયરલ કરવામાં આવ્યો છે. હું લઘુશંકા કરવા ગઈ ત્યારે સીસીટીવી ફૂટેજમાં આખી ક્રિયા કેદ થઈ અને તેના ફૂટેજ વાયરલ કરવામાં આવ્યા છે. રાજકારણ અને સત્તાના કારણે આ ઘટના બની હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે. તેમનો દાવો છે કે હાલમાં તેમનો વીડિયો સામે આવ્યો છે, અગાઉના વીડિયો પણ હોઈ શકે છે. સીસીટીવી ફુટેજનું કંટ્રોલ કોઠારી સ્વામી જોડે હોય છે.

સાધ્વીનું માનીએતો તેમણે ગઢડા પોલીસમાં અરજી કરી હતી. પરંતુ ફરિયાદ દાખલ કરી નથી. અધર્મી લોકો કે જેઓ આ કામ કરે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. કોઠારી અને અન્ય પાર્ષદ પરેશાન કરી રહ્યા છે. હરિજીવન સ્વામી, વિપુલ ભગત અને લક્ષ્મીનારાયણ સ્વામી પોલીસને બોલાવી અમને પરેશાન કરે છે. સરકારમાં બેઠેલા દેવ પક્ષના લોકો તેમને સાથ આપે છે. માનવ અધિકાર પંચ અને મહિલા આયોગમાં ફરિયાદ કરવાની પણ તેમણે તૈયારી કરી છે. લીલીયા પોલીસ સ્ટેશનમાં આ મામલે અરજી કરવામાં આવી છે. જેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે તે બંને સ્વામીઓએ આરોપ નકાર્યા છે.

You cannot copy content of this page