Only Gujarat

Bollywood TOP STORIES

ઈરફાન ખાને અંતિમ શ્વાસ લેતા પહેલાં કહ્યું, મારી અમ્મીજાન મને લેવા આવી છે…..

મુંબઈઃ 54 વર્ષીય ઈરફાન ખાનનું આકસ્મિક નિધન થયું હતું. એક્ટરે 29 એપ્રિલના રોજ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં અને ત્યાંથી તેમનો જનાજો નીકળ્યો હતો. તેમના માટે 24 કલાક ઘણાં જ ભારે હતાં. ઈરફાને અંતિમ સમયે પોતાના અમ્મીજાનને ઘણાં જ યાદ કર્યાં હતાં.


એક્ટરની તબિયત ઘણી જ વણસી ગઈ હતી. તેમની પત્ની સુતપા તથા બંને દીકરાઓ બાબિલ તથા અયાનને ખ્યાલ નહોતો કે હવે ઈરફાન બચશે કે નહીં. વર્ષ 2018ના માર્ચ મહિનાથી ઈરફાન ખાન કેન્સર સામે જંગ લડતા હતાં. તેમને રૅર પ્રકારનું કેન્સર હતું. તેમને ન્યૂરોએન્ડ્રોક્રાઈન ટ્યૂમર હતું. આ ટ્યૂમર તેમને પેટમાં આંતરડાંઓમાં હતું.


લાસ્ટ સ્ટેજનું કેન્સરઃ દુઃખની વાત એ છે કે ઈરફાન ખાનને જ્યારે કેન્સર હોવાની જાણ થઈ તે બહુ જ મોડેથી થઈ હતી. કેન્સર લાસ્ટ સ્ટેજમાં પહોંચી ગયું હતું. તેમણે લંડનમાં અત્યાધુનિક સારવાર પણ કરાવી હતી. કિમોના છ સેશન પણ કર્યાં હતાં. જોકે, તે જ સમયે ડોક્ટર્સે પરિવારને સચેત કર્યાં હતાં કે કેન્સર ફરીવાર ઉથલો મારે તેવી પૂરી શક્યતા છે. લાસ્ટ સ્ટેજનું કેન્સર હોવાથી તે હાલ પૂરતં મટી ગયું છે પરંતુ ભવિષ્યમાં જોખમ રહેલું છે. માતાના નિધન બાદ અચાનક જ ઈરફાન ખાનની તબિયત ખરાબ થઈ હતી.


સંપૂર્ણ પથારીવશ હતાંઃ ઈરફાન ખાન છેલ્લાં થોડાં સમયથી સંપૂર્ણ પથારીવથ હતાં. માતાના નિધન બાદ અચાનક જ ઈરફાન ખાનની તબિયત ખરાબ થઈ હતી. ડોક્ટર્સે પરિવારને અંગત રીતે સલાહ આપી હતી કે એક્ટરને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. જો ઈરફાન ખાન ઘરે હશે અને ભગવાન ના કરે તેમની સાથે કંઈ થયું તો ખાસ્સા એવા પ્રોબ્લેમ્સ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ભારતમાં કોવિડ 19 (કોરોનાવાઈસ)ને કારણે લૉકડાઉન છે અને મુંબઈમાં સતત કેસ વધી રહ્યાં છે. આવામાં ઈરફાન ખાનને ઘરે કંઈ થાય તો પોલીસ તથા ડોક્ટર્સ સાથેની મગજમારી ઘણી જ વધી જાય તેમ હતી.


પહેલાં કોવિડ 19નો ટેસ્ટ થયોઃ ડોક્ટર્સની આ સલાહ માનીને પરિવારે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. કોરોનાવાઈરસને કારણે સૌ પહેલાં તેમનો કોરોનાવાઈરસનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતાં.


છેલ્લાં 72 કલાકમાં લોકોને નહોતાં ઓળખી શકતાઃ ઈરફાન ખાન છેલ્લે તેમની આસપાસ રહેલાં લોકોને સ્પષ્ટ રીતે ઓળખી શકતા નહોતાં. તેમને ઓળખવામાં ભૂલ થતી હતી. 28 એપ્રિલ (મંગળવાર)ની બપોરે ઈરફાન ખાનની તબિયત બહુ જ લથડી થઈ ગઈ હતી અને તેમને તાત્કાલિક વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતાં. ઈરફાન ખાનના શરીરના અંગોએ કામ કરવાનું ધીમે ધીમે બંધ કરી દીધું હતું. સાંજે છ વાગે ડોક્ટર્સને ખ્યાલ આવી ગયો હતો કે ઈરફાન ખાન હવે ગણતરીના કલાકો જ આ દુનિયામાં રહેવાના છે અને પરિવારને એમ કહ્યું કે આગામી 24 કલાક તેમના માટે ઘણાં જ મહત્વના છે. પરિવાર ઘરે પરત આવી ગયો હતો.


અડધી રાત્રે પરિવાર હોસ્પિટલ આવ્યોઃ ઈરફાન ખાન જીવન-મરણ વચ્ચે સતત લડાઈ લડતા હતાં. પરિવાર પ્રાર્થના કરતો હતો કે મોત સામેની આ જંગમાં ઈરફાનનો વિજય થાય. પત્ની સુતપા, બે દીકરાઓ તથા ડ્રાઈવર હશમત હોસ્પિટલ આવ્યા હતાં. ફિલ્મમેકર શૂજીત સરકાર પણ રાત્રે જ હોસ્પિટલ આવી ગયા હતાં. રાતના એક વાગે ઈરફાન ખાન પર દવાઓની કોઈ અસર થતી નહોતી. 29 એપ્રિલે સવારે 10 વાગે ઈરફાન ખાનના શરીરે વેન્ટિલેટર પર કામ કરવાનું બંધ કરી દીધું હતું. બપોરની નમાઝ શરૂ થાય તેની ઠીક પહેલાં ઈરફાન ખાને આ ફાની દુનિયામાંથી વિદાય લઈ લીધી હતી.


અચાનક જ પત્નીને આ વાત કહીઃ ઈરફાન ખાને રાત્રે જ દવાઓને રિસ્પોન્સ આપવાનું બંધ કર્યું હતું. 29 એપ્રિલની સવારે ઈરફાન ખાને અચાનક જ પત્ની સુતપા સાથે વાત કરી હતી. ઈરફાનને ખ્યાલ આવી ગયો હતો કે હવે તેમનો અંતિમ સમય આવી ગયો છે. ઈરફાને પત્નીને કહ્યું હતું, અમ્મા આ રૂમમાં બેઠા છે. એક્ટરના મનમાં હતું કે અમ્મી તેમના મૃત્યુની પીડા ઓછી કરવા માટે આવ્યા છે. સુતપાએ રડતાં રડતાં કહ્યું હતું કે ઈરફાનના છેલ્લાં શબ્દો હતાં, જુઓ, મારી બાજુમાં મારી અમ્મી છે. અમ્મા મને લઈ જવા માટે આવી છે. આટલું કહેતાં જ ઈરફાને આ ધરતી પર છેલ્લાં શ્વાસો લીધા હતાં. કેન્સરથી ઘેરાયેલા એક્ટરને મનમાં એમ હતું કે તેમની મૃત માતા તેમની પીડાને ઓછી કરવા અને મૃત્યુનો સ્વીકાર કરવા માટે તેમને લેવા આવ્યા છે. ઈરફાનને અંતે એ સત્ય સમજાઈ ગયું કે બધું જ છોડી દેવું અને અંતે શાંતિથી આ વાતનો સ્વીકાર કરવો યોગ્ય છે.


ઈરફાન ખાનના કઝિન ભાઈ ઈમરાન હસનીએ કહ્યું હતું કે તેમને કંઇ જ ખબર પડતી નહોતી. તેમને વિશ્વાસ જ નહીં થતો કે ઈરફાન હવે તેમની વચ્ચે નથી. મોટો દીકરો ઘણો જ પરેશાન હતો અને નાના દીકરાને કંઈ જ સમજ પડતી નહોતી. તે કંઈ બોલી શકવાની અવસ્થામાં જ નહોતો. પત્ની સુતપા ક્યારેક રડતી હતી તો ક્યારેક ચૂપ થઈ જતી અને વળી ક્યારેક દુઃખી થઈ જતી હતી.


જનાજામાં માત્ર 20 લોકોઃ લૉકડાઉન હોવાને કારણે ઈરફાન ખાનના જનાજામાં માત્ર 20 લોકોને જવાની પરવાનગી હતી. આમ પણ એક્ટરને વધુ પડતી ભીડ ને ઝાકમઝોળ પસંદ નહોતી. અલ્લાહે જાણે કે તેમની આ ઈચ્છા પરિપૂર્ણ કરી દીધી. ઈરફાનની દફનવિધિ મુંબઈમાં વર્સોવા સ્થિત કબ્રસ્તાનમાં કરવામાં આવી હતી. ઈસ્લામિક રીત પ્રમાણે, ઈરફાનના પરિવારના 9 સભ્યો અને 11 સભ્યો મિત્રો તથા શુભેચ્છકો એમ કુલ 20 લોકોએ ઈરફાનને અંતિમ વિદાય આપી હતી.


હાલમાં જ અમ્મીજાનનું નિધનઃ 25 એપ્રિલના રોજ ઈરફાનના માતા સઈદા બેગમનું 95 વર્ષની ઉંમરમાં જયપુરમાં નિધન થયું હતું. લૉકડાઉન હોવાને કારણે ઈરફાન ખાન માતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી શક્યા નહોતાં. જોકે, તેમણે વીડિયો કોલથી માતાની અંતિમ યાત્રા જોઈ હતી અને માતાના અંતિમ દર્શનાથ કર્યાં હતાં.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page