Only Gujarat

FEATURED Gujarat

જાણો કેશુભાઈ પટેલનાં જીવનની અનોખી સફર, પત્ની, બે પુત્રો ગુમાવ્યા બાદ બાપાએ પણ પકડી અનંતની વાટ

અમદાવાદ: મહેશ-નરેશ કનોડિયા બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું આજે 92 વર્ષે નિધન થયું હતું. આ સમાચાર આવતાં જ સમાજના લોકોમાં ઘેર પ્રત્યાઘાત પડ્યા હતાં. નોંધનીય છે કે, 10 દિસ પહેલાં પણ કેશુભાઈ પટેલની અચાનક તબિયત લથડતાં તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જોકે છેલ્લા બે દિવસથી તેમની તબિયતમાં સુધારો જણાતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. જોકે આજે અચાનક તબિયત લથડતાં તેમનું નિધન થયું હતું. ત્યારે આપણે કેશુબાપાની જીવન સફર એક નજર કરીએ…..

બાપા તરીકે જાણીતા કેશુભાઈનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. કેશુબાપાએ જાહેર અને રાજકીય જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. બાપાએ અમદાવાદના ડોન લતિફને તેના જ હોમગ્રાઉન્ડ એવી પોપટીયાવાડમાં જઈને ઝડપી પાડ્યો હતો. કેશુભાઈએ અનાજ દળવાની ઘંટી ચલાવવાથી લઈને મુખ્યમંત્રી પદ સુધી પહોંચવા માટે ખૂબ સંઘર્ષન સામનો કર્યો હતો.

મહત્વની વાત એછે કે, વર્ષ 1943માં નિર્માણ પામેલા મચ્છુ-1 ડેમના ચણતરકામ સમયે 15 વર્ષીય કેશુભાઈ પટેલ ત્યાં અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા. જ્યારે અંગત જીવનમાં પણ તેઓને આઘાત પચાવી ગયા છે. પહેલા પત્ની અને ત્રણ વર્ષમાં બે દીકરા પણ ગુમાવી ચૂક્યા છે.

1990માં ભાજપે ચીમનભાઈ પટેલના પક્ષ જનતા દળ સાથે સમજૂતી કરી હતી. ચીમનભાઈના પક્ષને ભાજપ કરતાં માત્ર 3 જ બેઠકો વધારે મળતાં તેઓ મુખ્યમંત્રી બની શક્યા અને કેશુભાઈ પટેલ ભાજપ-જનતા દળની સંયુક્ત સરકારમાં નંબર-2 એટલે ડેપ્યુટી સીએમ બન્યા હતા. પરંતુ ભાજપે 1995ની ચૂંટણીઓમાં કોઈ પક્ષ સાથે બેઠકોની સમજૂતી કરી નહીં અને કેશુભાઈના નેતૃત્વમાં એકલા હાથે ભાજપને 121 બેઠકો મળી હતી.

1945માં કેશુભાઈ પટેલ 17 વર્ષની વયે રાષ્ટ્રીય સ્વયસેવક સંઘમાં પ્રચારક તરીકે જોડાયા હતા. ત્યાર બાદ 1960માં બાપા જનસંઘમાં કાર્યકર તરીકે જોડાઈ રાજકીય જીવનની શરૂઆત કરી હતી. તેમજ કટોકટી કાળ સમયે જેલવાસ ભોગવ્યો હતો. કેશુભાઈ 1977માં રાજકોટથી લોકસભા ચૂંટણી લડ્યાં હતાં ત્યાર બાદ તેમણે 1978થી 1980 વચ્ચે બાબુભાઈ પટેલની જનતા મોરચાની સરકારમાં કૃષિમંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી.

વર્ષ 1978થી 1995ના સમયમાં બાપા કાલાવડ, ગોંડલ અને વિસાવદર સીટ પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. આ સમયે વર્ષ 1980માં જનસંઘનું વિલીનીકરણ થતાં તેઓ નવી બનેલી બીજેપીમાં વરિષ્ઠ આયોજકની ભૂમિકામાં ઉભરી આવ્યા હતાં. કેશુભાઈએ કોંગ્રેસ સામે ચૂંટણી પ્રચારની જવાબદારી લીધી હતી અને પરિણામે 1995માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને શાનદાર જીત અપાવી હતી.1995માં ગુજરાતના 10માં મુખ્યમંત્રી બન્યા પરંતુ 8 મહિનામાં રાજીનામું આપવું પડ્યું હતું.

કેશુભાઈ માર્ચ-1995માં ગુજરાતનાં 10માં મુખ્યમંત્રી બન્યા હતાં પરંતુ કેશુભાઈનાં તે સમયના સાથી અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બળવો કરતાં કેશુભાઈએ 8 મહિનામાં રાજીનામું આપવું પડ્યું હતું. ત્યાર બાદ 1998માં ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને તેઓ મુખ્યમંત્રી બન્યા હતાં.

મહત્વની વાત એ છે કે, 26 જાન્યુઆરી 2001માં ગુજરાતમાં ભૂકંપ આંચકો આવ્યો હતો અને ઓક્ટોબર 2001માં સત્તાના દુરુપયોગ, ભ્રષ્ટાચાર અને ભૂકંપમાં નબળી રાહત કામગીરીના આરોપ બદલ કેશુભાઈએ રાજીનામું આપી દેવું પડ્યું હતું. કેશુભાઈના રાજીનામાંને પગલે ભાજપ હાઈકમાન્ડે કેશુભાઈના સ્થાને નરેન્દ્ર મોદીને મુખ્યપ્રધાનની ચાવી સોંપવામાં આવી હતી.

2002માં તેઓ વિધાનસભા ચૂંટણી લડ્યા નહીં અને રાજ્યસભા સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયા હતાં. ત્યાર બાદ ભાજપમાંથી રાજીનામું આપી કેશુભાઈએ ઓગસ્ટ 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટી(GPP)ની સ્થાપના કરી હતી અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેઓએ વિસાવદર બેઠક પરથી જીત મેળવી હતી. જોકે માત્ર બે વર્ષના સમયગાળામાં તેઓએ ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ વર્ષ 2014ની શરૂઆતમા જ GPPના અધ્યક્ષ પદેથી પણ રાજીનામું આપીને રાજકીય જીવનમાંથી સંન્યાસ લઈ લીધો હતો. આ ઉપરાંત તેઓ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે.

કેશુભાઈના અંગત જીવનની વાત કરીએ તો તેમણે લીલાબહેન સાથે સાત ફેરા ફર્યા હતાં. લગ્ન જીવન દરમિયાન તેઓ પાંચ પુત્ર અને એક પુત્રીના પિતા બન્યા હતા. કેશુભાઈનાં પત્ની લીલાબેન પટેલ તેઓના ગાંધીનગર ખાતેના ઘરમાં એક્સરસાઈઝ રૂમમાં શોર્ટ સર્કિટ થતાં વર્ષ 2006માં મૃત્યુ પામ્યા હતા. જ્યારે 2017માં પુત્ર પ્રવીણ પટેલનું નિધન થયું હતું. જ્યારે 2018માં ઓશો સંન્યાસી બની ગયેલા તેમના બીજા દીકરા જગદીશ પટેલનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું.

You cannot copy content of this page