Only Gujarat

Gujarat

દીકરી પર રેપ કરનારને પિતાએ પતાવી દીધો, લોકો પિતાના પગલાંના કરી રહ્યા છે વખાણ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં પાંચ વર્ષની બાળકી પર યુવકે દુષ્કર્મ ગુજાર્યું. બાળ અધિકારી દિવસે જ નરાધમે બાળકીને પીંખી નાખી હતી. માસૂમ દીકરી પર બળાત્કારની જાણ થતાં બાળકીના પિતા એટલા રોષે ભરાયા કે તેમણે દુષ્કર્મ આચરનાર યુવકની હત્યા કરી નાખી. બળાત્કારીની હત્યા કર્યા બાદ બાળકીના પિતા પોલીસ મથકે જાતે જ હાજર થઈ ગયા. બીજી તરફ જસ્ટીસ ઓન ધી સ્પોટ ગણાવી ગ્રામજનો આરોપી પિતાની પડખે ઉભા રહ્યાં.

ચકચારી બનાવની વિગત એવી છે કે, અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ગામે પંચાયતી ફળિયામાં રહેતી એક બાળકી પોતાના ઘરની સામે રમી રહી હતી. તે દરમિયાન ફળિયામાં જ રહેતા 19 વર્ષીય પરપ્રાંતિય યુવાન લાલુ બિહારીની નજર તેના પર બગડી હતી. પોતાની હવસ સંતોષવા માટે લાલુ બાળકી પાસે આવ્યો હતો અને તેને રમાડવાના બહાને તેને લલચાવી ફોસલાવી મકાનની પાછળ આવેલા શૌચાલયમાં લઇ ગયો હતો. જ્યાં આ હેવાને બાળકીને હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બાળકીને લોહીલુહાણ હાલતમાં ત્યાં જ રડતી મુકીને ફરાર થઇ ગયો હતો. ગંભીર હાલતમાં જ બાળકી પોતાના ઘરે પહોંચી હતી. તેની હાલત જોઈને તેના માતા-પિતાનાના પગ તળેથી ધરતી સરકી ગઇ હતી.

આ બદકામ કોણે કર્યું તે અંગે પરિવારજનોએ તપાસ કરતા લાલુ બિહારી ઉર્ફે ભૈયાનું નામ સામે આવતા જ બાળકીના પિતાનો રોષ ભભૂકી ઉઠ્યો. તેમણે લાલુ રાજુ બિહારીને શોધી કાઢ્યો હતો. ત્યારબાદ લાકડીના ફટકા મારીને ઘાયલ કર્યો હતો. જેના પગલે તેની હાલત ગંભીર બની હતી. ઇજાગ્રસ્ત લાલુ રાજુ બિહારીને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીના પિતાની ફરિયાદ આધારે પોલીસે લાલુ રાજુ બિહારી વિરુદ્ધ પોસ્કો તેમજ દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. તેની સાથે સાથે તેના પિતા વિરુદ્ધ પણ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. જો કે હત્યા કરનાર પિતા પોલીસ સમક્ષ જાતે જ હાજર થઇ ગયા હતા. જેથી પોલીસે તેમની અટકાયત કરી કોરોના ટેસ્ટ કરવાની તજવીજ આરંભી હતી. દીકરીનું જીવન નર્ક બનાવનાર નરાધમને મોતને ધાટ ઉતારનાર પિતાના આ પગલાંને લોકો આવકારી રહયાં છે. હાલ તો અંકલેશ્વર શહેર પોલીસે હત્યાના આરોપ હેઠળ પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં જન્મ દિવસની ઉજવણીમાં બે સગીરાને દારૂ પીવડાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પણ હાલમાં જ નોંધાઈ હતી. બર્થે ડે પાર્ટી ઉજવણી દરમિયાન બે યુવકો પોતાની પ્રેમિકાને લઇ આવ્યા હતા. પાર્ટી દરમિયાન તેમણે દારૂ તેમજ ખાણીપીણીની મોજ કરી હતી. બંને સગીરા નશામાં ચકચૂર થયા બાદ ત્યાં જ રોકાઇ જતા રાત્રિના સમયે જ નશામાં જ છેડતી કરી હતી. આ બનાવ અંગે પોલીસે પાંચ યુવકો ધરપકડ કરી કરી છે. તમામ સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

You cannot copy content of this page