Only Gujarat

Gujarat

કોરોનાકાળમાં સુરતમાં એક લગ્નની ચારેબાજુ છે ચર્ચા, નવદંપતીએ ભર્યું સમાજને મદદરૂપ પગલું

કોરોના કાળમાં રાત્રિ કર્ફ્યુ છે અને આવામાં લગ્નસરા માટે સરકાર તરફથી નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે ત્યારે સુરતના બારડોલીના એક મોભી રાજસ્થાની પરિવારે પોતાના દીકરાના સાદગીપૂર્વક લગ્ન કરી સરકારની ગાઇડલાઇનનું પાલન કર્યું. લગ્નમાં આવનાર મહેમાનોને સેનીટાઇઝર અને સ્ટીમ મશીન આપવામાં આવ્યા છે. એટલું જ નહિ, લગ્નનું ફેસબુક લાઈવ કરી પરિવારના સભ્યોને ઓનલાઇન જોડવામાં આવ્યા. લગ્ન સાદાઈથી કરવાના કારણે જે પણ ખર્ચ બચ્યો તે ત્રણ લાખની રકમ પ્રધાન મંત્રી કેર ફંડમાં કોરોનાગ્રસ્ત લોકોની સેવા માટે દાન કરી દીધી.

કોરોનાકાળમાં સરકારની નવી ગાઈડલાઈન મુજબ લગ્નપ્રસંગમાં મહેમાનોની સંખ્યા માત્ર 100 કરી દેવામાં આવી છે અને મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યુ પણ લાગુ કરવામાં આવ્યો છે. આ સ્થિતિમાં બારડોલીના ગોયલ પરિવારે પુત્રના લગ્ન કુટુંબીઓ સાથે મળીને સાદાઇથી ઉજવવાનું નક્કી કર્યું. અગ્રવાલ સમાજ બાલોતરા ગ્રુપના સદસ્ય અને બારડોલી લાયન્સ ક્લબના પૂર્વ અધ્યક્ષ સુરેશ ગોયલના પુત્રના લગ્ન હાલમાં જ યોજાયા હતા.

આ લગ્ન બાબતે સુરેશભાઈ અને તેમના કુટુંબીઓએ સામૂહિક નિર્ણય લઈ કોરોનાવાયરસ અંગેની સરકારી ગાઈડલાઈન્સ પ્રમાણે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. સરકારની ગાઇડલાઇ પ્રમાણે તેમણે મહેમાનો પણ ઓછા બોલાવ્યા.

આ વિશે વાત કરતા લગ્ન કરનાર ગોયલ પરિવારના યુવકે જણાવ્યું કે, આમ તો અમે લગ્નપ્રસંગ ધૂમધામથી કરવાના હતા પણ કોરોનાની આ મહામારીને ધ્યાનમાં રાખતા સાદગીપૂર્વક લગ્ન સંપન્ન કર્યા છે. અમે સુરતના રાધાકૃષ્ણ મંદિરમાં લગ્ન કર્યા અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કર્યું છે.

આ લગ્નપ્રસંગનું ફેસબુક લાઈવ કરવામાં આવ્યું હતું. જેથી મિત્રો અને પરિવારના અન્ય સભ્યો ઘરે બેસીને લગ્નની મજા માણી શકે અને ત્યાંથી જ વર-વધુને આશીર્વાદ આપે. ફેસબુક લાઈવ પર આ લગ્ન બંન્ને પરિવારના સભ્યો અને મિત્રમંડળ મળીને ત્રણ હજારથી વધુ લોકોએ જોયા હતા. આ લગ્નમાં નવદંપતીને આશીર્વાદ આપવા માટે હાજરી આપનાર મહેમાનોને સેનેટાઈઝરની પેન અને સ્ટીમ મશીન પણ આપવામાં આવ્યા હતા.

આ દરમિયાન જે ખર્ચાની બચત થઈ તેમાંથી પ્રધાન મંત્રી કેર ફંડમાં ત્રણ લાખ રૂપિયા કોરોનાગ્રસ્ત લોકોની સેવા માટે દાન કર્યા છે. આમ કરીને આ દંપતી સરકારની સાથે કોરોનાની લડાઈમાં સહભાગી બન્યા હતા.

You cannot copy content of this page