Only Gujarat

Gujarat TOP STORIES

ગુજરાતના આ ગામમાં એક જ પરિવારના 4 સભ્યો રાત-દિવસ ‘કોરોના વોરિયર્સ’ તરીકે બજાવે છે ફરજ

સાબરકાંઠા: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે જેને ફેલાતો રોકવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. સમગ્ર દુનિયામાં કોરોનાની મહામારીએ ભયનો માહોલ ઊભો કર્યો છે ત્યારે આ ભયના માહોલમાં પણ આપણાં દેશના ડોક્ટર્સ અને નર્સો દેવદુત બની લોકોને આ રોગથી બચાવવા રાતદિવસ મહેનત કરી રહ્યાં છે. પોતાની કે પોતાના પરીવારની ચિંતા કર્યાં વગર જ આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને ડોક્ટર્સ સહિતનો સ્ટાફ 24 કલાક પોતાની ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુસંરીની બાજુના આવેલા નવા ગામના વિષ્ણુભાઇ પટેલનો આખો પરીવાર કોરોનાની મહામારીને મ્હાત આપવા માટે મેદાનમાં ઉતર્યો છે.

વિષ્ણુભાઇ પોતે એક સામાન્ય ખેડુત છે અને ખેતી જ તેમનો મુખ્ય વ્યવસાય છે. એવા એક ખેડૂતના ઘરના ચાર-ચાર સભ્યો હાલમાં કોરોનાની મહામારીમાં ‘કોરોના વોરિયર્સ’ બનીને કોરોનાના દર્દીઓ રાત દિવસ સેવા કરી રહ્યાં છે. વિષ્ણુભાઈના પત્નિ સરોજબેન પુંસરી આરોગ્ય કેન્દ્રમાં એફ.એચ. ડબ્લ્યુ સુપરવાઇઝર છે.

પુત્રી જાન્વી અને પુત્ર મૌલિક હાલમાં કોવિડ કેસ સેન્ટર વાત્રક ખાતે પોતાની ડ્યુટી નિબાવી રહ્યાં છે. જ્યારે પુત્રવધુ દાહોદ ખાતે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. મૌલિકભાઈને ત્રણ વર્ષના બે જોડિયા પુત્રો છે. જેમને સાચવવાનું સૌથી મોટું કામ જગતના તાત એવા દાદા વિષ્ણુભાઇ કરી રહ્યા છે. જેથી પૌત્રોના માતા-પિતા નિશ્ચિત બની કોરોનાના દર્દીઓની સેવા કરી શકે.

કોરોનાના કપરા સમયમાં જ્યારે લોકોને માત્ર આરોગ્ય કર્મીઓ પર જ ભરોસો છે ત્યારે પોતાના નાના-નાના ભુલકાઓ ધ્યાન અને ધ્યેયથી દુર રહી માતા પોતાના કર્તવ્યનું વહન કરી રહી છે અને પિતા કોરોનાના દર્દીઓની સેવા કરી રહ્યા છે. ત્યારે માતા-પિતાથી દુર રહેતા બાળકોને માતા-પિતાની કમી ના સાલે તે માટે દાદા વિષ્ણુભાઇ ખડે પગે રહી પૌત્રોનું ધ્યાન રાખે છે.

વિષ્ણુભાઈએ જણાવ્યું હતું કે, મારો પરીવાર આજે દેશ પર આવી પડેલી કોરોનાની વિપત્તિથી લડતા દર્દીઓનીરાત-દિવસ સેવા કરી રહ્યો છે ત્યારે મારે તો તે બધાંને માત્ર મનોબળ પુરૂં પાડવાનું છે. મારા પત્ની, પુત્ર, પુત્રવધુ અને પુત્રી બધાં જ આરોગ્ય વિભાગમાં કોઈ ને કોઈ રીતે કોરોના દર્દીઓની સેવા કરી રહ્યા છે ત્યારે હું મારા બે પૌત્રોને સાચવી તે બધાંને ચિંતામુક્ત કરૂં છું.

વિષ્ણુભાઈએ મહત્વની વાત કરતાં જણાવ્યું હતું કે, મારો પુત્ર મૌલિક અને પુત્રી જાન્વી વાત્રક કોવિડ કેર સેન્ટરમાં ડેપ્યુટેશન પર ડ્યુટી નિભાવી રહ્યાં છે ત્યારે તેઓ દર્દીના સંપર્કમાં આવી શકે જેને લઈ મારા પૌત્રોને કોરોના થવાની સંભાવના હોવાથી તેઓ બંન્ને અલગ-અલગ રૂમમાં આઈસોલેટ રહે છે. પિતાના ઘરમાં હોવા છતાં બંન્ને બાળક ધ્યાન અને ધ્યેયને હું અલગ મારી સાથે રાખી રમાડું છું. આ બંને બાળકો છેલ્લા બે મહિનાથી માતાને પણ નથી મળ્યાં પરંતુ તેઓ પણ કોરોનાની લડાઈમાં અમારા પરીવારની શક્તિનો સ્ત્રોત બની રહ્યા છે. મને મારા પરીવાર પર બહુ જ ગર્વ છે.

You cannot copy content of this page