Only Gujarat

Gujarat

ભૂમાફિયાઓના ત્રાસથી ભર્યું પગલું, 6 મહિનાથી માનસિક રીતે ભાંગી પડ્યા હતા

સુરત: ભૂમાફિયાઓ બેફામ બની રહ્યા છે તેનો વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જો કે આ બનાવમાં એક પાટીદાર અગ્રણીએ ભૂમાફિયાઓના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ. હવે આ આત્મહત્યા પ્રકરણમાં રાંદેર પોલીસનું કનેકશન સામે આવ્યું છે. જેમાં રાંદેર પોલીસ મથકના પીઆઇ તથા અન્ય પોલીસકર્મી સહિત 11 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

આ બનાવની વિગત એવી છે કે, દુર્લભભાઇ પટેલ નામના પાટીદાર અગ્રણી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની જુદી જુદી સહકારી સંસ્થાઓમાં સેવા આપી રહ્યા હતા. તેઓ પાટીદાર સમાજના આગેવાન હોવાની સાથે સરકારી રોડ કોન્ટ્રાક્ટ તેમજ કવોરી ઉદ્યોગ સાથે જોડાયેલા હતા. ખંજરોલી ગામેથી માંડવી ક્વોરી જવાનું કહીને નીકળેલા દુર્લભભાઇ ન પહોંચતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. જો કે આ સમય દરમિયાન ક્વોરી નજીક ખાણ પાસેથી તેમના ચંપલ અને મોબાઇલ મળી આવ્યાં. તપાસ કરતા પોતાની જ ક્વોરીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો. તપાસમાં બહાર આવ્યું કે તેમણે આપઘાત કરી લીધો છે. આ આત્મહત્યા પાછળ તેમની કરોડોની કિંમતની જમીન વેચવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

પોલીસ ફરિયાદ મુજબ દુર્લભભાઈ પટેલે પીસાદ ખાતે બ્લોક નંબર 4 વાળી 10,218 ચોરસ મીટર જમીન 17-03-14ના રોજ સ્ટાર ગ્રુપના માલિક કિશોરભાઈ કોસીયાના નામે એક સોદા ચીઠ્ઠી બનાવી હતી. આ જમીનમાં વિવાદ થતાં લાંબી ખેંચતાણ થતા મામલો ગૂંચવાયો હતો. જો કે ઇન્કમટેક્ષનો પ્રશ્ન ઉકેલ્યા બાદ ગત તારીખ 2-1-2020ના રોજ રાંદેર પોલીસ સ્ટેશનથી પોલીસ દુર્લભભાઈને બોલાવવા આવ્યા હતા.

જો કે દુર્લભભાઈએ સવારે આવીશ તેમ કહ્યું હતું. પરંતુ પોલીસ સ્ટેશનના પીઆઈ લક્ષ્મણ બોડાણા તરફથી તેમને રાત્રે જ આવવા દબાણ કરવામાં આવ્યું. દબાણને વશ થઈને દુર્લભભાઈ અને તેમનો દીકરો કિશોર પોલીસ સ્ટેશન ગયા હતા. તે સમયે ત્યાં રાજુ લાખા ભરવાડ અને હેતલ નટવર દેસાઈ પીઆઈની ચેમ્બરમાં પહેલાથી બેઠેલા હતા. તેમણે દુર્લભભાઈને અપશબ્દો કહ્યા હતા. એટલું જ નહીં, પીસાદની જમીન બાબતે તાત્કલિક નોટરી રૂબરૂ લખાણ કરી આપવાનું કહેવા સાથે રાતો રાત લખાણ કરાવાયું હતું. લખાણ કરાવી દીધા બાદ વધુ દબાણ કરી જુદા જુદા માણસો તૈયાર સાટાખત સાથે લઈને ઘરે આવી તેનાં પર સહી કરાવી જતા હતા.

જો કે ત્યારબાદ પણ વિવાદ ઉભો રહેતા 30-07-2020ના રોજ પણ પીઆઈ બોડાણાએ દુર્લભભાઈ અને તેના દીકરાઓ સાથે અસભ્ય વર્તન કરી દસ્તાવેજ કરવા દબાણ કર્યું હતું. તેથી દુર્લભભાઈએ અવેજની બાકીની રકમની માગણી કરી હતી. પણ આરોપીઓએ તે તો ન જ આપી અને અગાઉ જે લખાણ કરેલા કાગળ હતા તે પણ ન આપ્યા હતા. જેના કારણે છેલ્લા 6 મહિનાથી દુર્લભભાઈ માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને આખરે તેમણે જીવન ટૂંકાવી લીધું હતું. આ મામલે રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ લક્ષ્મણસિંહ બોડાણા સહિત 11 આરોપીઓ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 

You cannot copy content of this page