Only Gujarat

Gujarat

સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લાંબુ વેઇટિંગ, જુઓ હમમચાવી દેતી તસવીરો

રાજકોટ: કાળમુખો કોરોના રાજકોટમાં એવો પગ પસારી રહ્યો છે કે દિન પ્રતિદિન કેસો વધી રહ્યા છે અને તેની સાથે મોતના આંકડા પણ રોકેટ ગતિએ વધી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં રાજકોટ સિવિલની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 90 લોકોને કાતિલ કોરોના ભરખી ગયો છે. તેના કારણે સ્મશાન ગૃહમાં પણ મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે કતાર લાગી રહી છે અને વેઈટિંગ ચાલી રહ્યું છે. રાજકોટમાં કોરોના કહેરમાં સ્મશાનમાં વેઈટિંગને લઈને રામનાથપરા સહિત ચાર સ્મશાનમાં અંતિમક્રિયા માટે લાઈન લાગતા મહાનગરપાલિકાએ અંતિમવિધિ માટે ખાસ કંટ્રોલરૂમ શરૂ કર્યો છે.

ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલાં એક અહેવાજ મુજબ કોર્પોરેશનના એક અધિકારીની કંટ્રોલરૂમમાં નિયુક્ત કરવામાં આવી છે. સ્મશાન માટે કંટ્રોલરૂમ શરૂ કર્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે. અંતિમવિધિ માટે રીતસર લાઈન લાગે છે. શબવાહિનીના ડ્રાઈવરે જણાવ્યું હતું કે સવારથી તે હોસ્પિટલથી સ્મશાનગૃહના 6 ફેરા કરી ચુક્યો છે અને દરેક ફેરે બે-બે લાશો લઇ આવે છે. બીજી બાજુ રામનાથપરા સ્મશાનમાં મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી હતી.

ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં એક કર્મચારીએ જણાવ્યું હતું કે સ્માશનની ભઠ્ઠી સતત ચાલુ જ રહે છે. છેલ્લા 20 દિવસથી સતત મૃતદેહો આવી રહ્યા છે એટલે સુવાનો પણ સમય મળતો નથી અને 24 કલાક કામ ચાલુ રહે છે. એક એક મૃતદેહનો સંપૂર્ણ અગ્નિસંસ્કાર થતા દોઢથી ત્રણ કલાક જેટલો સમય લાગે છે. આ કામના ઓવરલોડને કારણે એક વાર ઓવરહિટ થઇને મોટર પણ બંધ થઇ ગઈ હતી. આ ચોંકાવનારો ખુલાસો સામે આવતા સરકારનો ભાંડો ફૂટી ગયો હોય એમ લાગી રહ્યું છે.

જો કે મૃતકોના સગા સિવિલ હોસ્પિટલ પર યોગ્ય માહિતી નહીં આપવાનો આરોપ પણ લગાવી રહ્યા છે. મોતનો આંકડો છુપાવવા માટે દર્દીઓના સગાઓને મોડે જાણ કરવામાં આવે છે. એટલું જ નહીં, મોટાભાગે રાત્રે જ સ્મશાનમાં મૃતદેહોને લઈ જવામાં આવે છે. શબવાહિનીના ડ્રાઈવર તથા સ્મશાનમાં કાર્યરત સેવકો પાસે જમવાનો કે આરામનો પણ સમય હોતો નથી એટલા મોટા પ્રમાણમાં મૃતદેહો સ્મશાનમાં આવી રહ્યા છે.

રાજકોટમાં કોરોનાથી 700થી વધુના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ સરકારી ચોપડે તો પૂરાં 100 લોકોના મોત પણ દેખાડવામાં આવ્યા નથી. પ્રશાસન એવો દાવો કરી રહ્યું છે કે મોતનું કારણ કોરોના નહીં, પણ અન્ય બીમારી છે. જે કોરોનાગ્રસ્ત દર્દીઓ હાઈબ્લડ પ્રેશર, ડાયાબિટીસ, શ્વાસના રોગો, કિડનીની તકલીફ જેવી બીમારીથી પીડાતા હોય તેમનું મોત કોરોનાથી થયું નથી તેવી રીતે મોતની ગણતરી કરવામાં આવે છે.

You cannot copy content of this page