Only Gujarat

FEATURED International

શા માટે અમેરિકાને ભારતમાં બનતી આ દવાની છે આટલી જરૂર, કેમ છે આટલી ઉપયોગી?

નવી દિલ્હીઃ કોરોનાના સંક્રમણને અટકાવવામાં દુનિયાના એક પણ દેશને સફળતા મળી નથી. કોઇ હજી દવા કે રસી બનાવી શક્યું નથી. આ દરમિયાન મેલેરિયાના ઈલાજમાં વપરાતી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિન ફરી એકવાર ચર્ચામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જો ભારત હાઇડ્રોક્લોરોક્વિનની નિકાસ પરથી પ્રતિબંધ દૂર નહીં કરે તો, જવાબી કાર્યવાહી કરવામાં આવશે. આ જોતાં એ સવાલ થઈ રહ્યો છે કે, એવું તો શું છે આ દવામાં કે, અમેરિકાના રાષ્ટ્રપતિને દવા મેળવવા માટે આવી ભાષાનો ઉપયોગ કરવો પડે છે. જોકે સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, ભારત દવા આપવા માટે તૈયાર બતાવી છે, જે ટૂંક સમયમાં અમેરિકા પહોંચશે.


શું છે હાઇડ્રોક્સીક્લોરોક્વિન દવા?: 1955માં સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાએ ઇલાજ માટે હાઇડ્રોક્લ્સીક્લોરોક્વિનને મંજૂરી આપી હતી. તેનું નામ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની મહત્વની દવાઓની યાદીમાં છે. હાઇડ્રોક્સીક્લોરોક્વિનનો ઉપયોગ મેલેરિયાના ઇલાજ માટે થાય છે. આ દવાની શોધ બીજા વિશ્વ યુદ્ધ સમયે થઈ હતી. તે સમયે સૈનિકોમાં મેલેરિયાની સમસ્યા બહુ સતાવતી હતી. જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટી ક્લૂપસ સેન્ટરના જણાવ્યા અનુસાર, હાઇડ્રોક્સીક્લોરોક્વિનનો ઉપયોગ સાંધા અને માંસપેશીઓના દુખાવા, ત્વચા પર ચાઠાં, હૃદય પર સોજો અને ફેફસાંની લાઇનિંગ, થાક અને તાવ જેવાં લક્ષણોને મટાડવા માટે થાય છે. હાઇડ્રોક્લીક્લોરોક્વિન નામની આ દવા પ્લાક્વેનિલ બ્રાન્ડના નામથી વેચવામાં આવે છે અને તે જેનેરિક રૂપે જ મળે છે. હેલ્થ મિનિસ્ટ્રીના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે હાઇડ્રોક્સીક્લોરોક્વિન દવા બાબતે કહ્યું હતું કે, આ દવા કોરોના પર કેટલી અસર કરે છે, એ બાબતે કોઇ પૂરતાં પ્રમાણ મળ્યાં નથી. જે હેલ્થ વર્કર કોવિડ-19 નાં દરદીઓ વચ્ચે કામ કરે છે, તેમને આ દવા આપવામાં આવી રહી છે.

શું આનો ઉપયોગ સુરક્ષિત છે?: ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડીકલ રિસર્ચના મહાનિર્દેશક બલરામ ભાર્ગવે કોરોના વાયરસથી સંક્રમિત દરદીઓનો ઈલાજ કરી રહેલ હેલ્થ વર્કર્સ માટે હાઇડ્રોક્સીક્લોરોક્વિનની ભલામણ કરી છે. ભારતમાં આ દવાનો ઉપયોગ માત્ર એ લોકો માટે જ કરવામાં આવી રહ્યો છે, જેઓ કોરોના સંક્રમિત લોકોનો ઈલાજ કરી રહ્યા છે અને કોરોનાના દરદીઓના સંપર્કમાં છે.

હાઇડ્રોક્સીક્લોરોક્વિનની આડઅસરો પણ છે: હા, આ દવાની આડઅસરો પણ છે. આ દવાથી હાર્ટ બ્લોક, હાર્ટ રિધમ ડિસ્ટર્બન્સ, ચક્કર આવવા, ગભરામણ થવી, ઊલટી અને ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે. માર્ચમાં એરિજોનામાં એક વ્યક્તિએ ક્લોરોક્વિન ફોસ્કેટ લઈ લીધી હતી, જેમાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. તેનો ઉપયોગ માછલીની ટેન્કો સાફ કરવા માટે કરવામાં આવે છે.

હાઇડ્રોક્સીક્લોરોક્વિનથી કોરોના વાયરસનો ઈલાજ થઈ શકે છે?: ફ્રાન્સમાં 40 કોરોના વાયરસના દરદીઓને હાઇડ્રોક્સીક્લોરોક્વિન આપવામાં આવી હતી. તેમાંથી અડધા કરતા વધુ દરદીઓએ માત્ર છ જ દિવસમાં કોરોનાથી રાહત અનુભવવા લાગી હતી. રિસર્ચમાંથી એવી સલાહ આપવામાં આવી છે કે, મેલેરિયાની દવા Sars-Cov-2 થી સંક્રમણને ધીમું પાડી શકાય છે. આ દવા વાયરસને શરીરમાં પ્રવેશતો રોકે છે.

ચીનમાં દવાનાં ખરાબ પરિણામો પણ આવ્યાં: ગાર્જિયનના રિપોર્ટ અનુસાર, ચીનમાં એક દરદીને આ દવા આપવામાં આવી હતી, તો તેનાથી તેની તબિયત વધારે ખરાબ થઈ હતી. તો ચાર દરદીઓને ઝાડાની સમસ્યા પણ થઈ હતી. યૂરોપીયન દવા એજન્સીઓના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી ઈમર્જન્સી ઊભી ના થાય ત્યાં સુધી કોરોના વાયરસના દરદીઓને હાઇડ્રોક્સીક્લોરોક્વિન દવા ન આપવી જોઇએ.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page