Only Gujarat

National TOP STORIES

ધોધમાર વરસાદ બાદ જમીનમાં દટાઈ આખે આખી લક્ઝુરિયસ કાર-બાઈક્સ, આવો હતો ભયાનક નજારો

હૈદરાબાદઃ શહેરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર સમુદ્ર જેવો માહોલ જોવા મળ્યો હતો. વરસાદ રોકાયા બાદ ઘણા વિસ્તારોમાં કાદવ અને માટીઓના થર જામી ગયા હતા અને તેમાં કાર-બાઈક્સ જેવા વાહનો કાટમાળ નીચે દટાયેલા જોવા મળ્યા હતા. હૈદરાબાદમાં થયેલા ભારે વરસાદ બાદ હજી સ્થિતિ સુધરી નહોતી કે શનિવારે ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ અઠવાડિયાના પ્રારંભમાં ઘણા વિસ્તારોમાં વરસાદ-પૂરના કારણે થયેલી તબાહી વચ્ચે શનિવારે ફરી વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે જેમાં 4 ફૂટ માટી-કાદવમાં કાર ફસાયેલી જોવા મળે છે. આ વીડિયો બાંદલાગુડાની શુભમ કોલોનીનો છે જ્યાં પૂરના પાણી સાથે વહેલી રેતમાં ઘણી બાઈક્સ અને કાર ફસાઈ ગઈ હતી અને હવે તેમનો ઉપરનો જ ભાગ જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ઘરની બહાર રહેલા વાહનો 4 ફૂટ જેટલા માટી-કાદવમાં દટાયેલા છે. વાહનોની આસપાસ કાટમાળ પણ જોઈ શકાય છે. સત્તાવાર આંકડા અનુસાર, હૈદરાબાદમાં વરસાદના કારણે 50 જેટલા લોકોનું મોત થયું હતું.

શનિવારે મેડચલ મ્લકાજગિરી જીલ્લાના સિંગાપુર ટાઉનશિપમાં 157.3 મિ.મી. અને શહેરના ઉપ્પલ પાસે બાંદલાગુડામાં 153 મિ.મી. વરસાદ નોંધાયો હતો. શહેરના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.

શનિવારની રાતે હૈદરાબાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. આ ઉપરાંત છેલ્લા એક અઠવાડિયાથી થઈ રહેલા વરસાદથી ભારે અફરાતફરી મચી ગઈ છે. ભારે વરસાદને કારણે જનનજીવન ખોરવાયું છે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીએ શનિવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહને પત્ર લખીને રાજ્યમાં થયેલા ભારે વરસાદ અને પૂર બાદ કામગીરી અને ફરીથી જનજીવન શરૂ કરવા માટે તત્કાલ રીતે 2250 કરોડ રૂપિયાની મદદ માંગી છે.

You cannot copy content of this page