વિધવા મહિલા 52 વર્ષની ઉંમરે અનુભવતી હતી એકલતા, દીકરા-વહુને માતાના પ્રેમની જાણ થઈ પછી…

સાચો પ્રેમ ગમે તે ઉંમરમાં મળી શકે છે. આવો જ એક કિસ્સો મુંબઈના ગુજરાતી પરિવારમાં બન્યો હતો, જ્યાં દીકરા-વહુએ વિધવા માતાના લગ્ન કરાવ્યા હતા. દીકરાના આ પગલાના ચારેબાજુ વખાણ થઈ રહ્યા છે. લગ્નની તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે. 52 વર્ષીય વિધવા મહિલા જીવનના આ તબક્કે એકલતા અનુભવતી હતી. આ જોઈને દીકરા-વહુએ લગ્ન કરાવ્યા હતા.

દીકરાની પોસ્ટ વાઇરલઃ દુબઈમાં રહેતા જિમીત ગાંધીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને માતાની બહાદુરીના વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે 2013માં પિતાનું અવસાન થયું, 2019માં માતાને થર્ડ સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર થયું. કોરોના પણ થયો. જોકે, માતા ક્યારેય હિંમત હારી નહીં. કેન્સર અને કોવિડથી પૂરી રીતે ઠીક થયા બાદ હવે તેમણે તેમના માટે જીવનસાથી પસંદ કર્યો છે.

ઓળખીતી વ્યક્તિ સાથે જ પ્રેમ થયોઃ 52 વર્ષીય કામિની ગાંધી છેલ્લાં ઘણાં સમયથી એકલતાથી પીડાતા હતા. તેમના બાળકો બહારગામ કામ કરે છે. કામિની લાંબા સમયથી બીમારીઓ સામે ઝઝૂમ્યા હતા. આથી જ તેમણે નવું જીવન શરૂ કરવાનું નક્કી કર્યું. તેમને પારિવારિક જૂના મિત્ર સાથે પ્રેમ થયો.

દીકરા-વહુએ સાથે આપ્યો: શરૂઆતમાં સમાજના ડરને કારણે કામિનીએ આ વાત કોઈને કહી નહીં. જોકે, પછી તેમણે ડરતા ડરતા વહુને આ વાત કરી હતી. ત્યારબાદ દીકરાને આ અંગે જાણ થઈ. સારી વાત એ હતી કે પરિવારે આ સંબંધનો વિરોધ કર્યો નહોતો. દીકરા-વહુએ સાથે મળીને વેલેન્ટાઇન ડે એટલે કે 14 ફેબ્રુઆરીએ મુંબઈમાં લગ્ન કરાવ્યા હતા.

હિંદુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીતમાં જીમિતે કહ્યું હતું, ‘મારી મમ્મીએ કિરીટ પડિયા સાથે લગ્ન કર્યાં છે. કિરીટ પડિયા પરિવારના જૂના મિત્રો છે. તેઓ ઘણાં જ પ્રેમાળ વ્યક્તિ છે અને તેમનો પ્રેમ નિઃસ્વાર્થ છે. મને તેમના માટે ઘણું જ માન છે. તેમને ભવિષ્યમાં અઢળક શુભેચ્છા પાઠવું છું.’

લોકોએ વખાણ કર્યાઃ દીકરાની પોસ્ટ પર લોકોએ માતા તથા પુત્રની હિંમતના વખાણ કર્યા હતા. આ સાથે જ લોકોએ માતાને નવા જીવન માટે શુભેચ્છા પાઠવી હતી.