Only Gujarat

International

સ્વામિનારાયણના ભક્તો માટે આનંદના સમાચાર, સૌથી મોટું હિંદુ મંદિર આ દિવસે ખુલ્લુ મુકાશે

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)નું ભવ્યાતિભવ્ય મંદિર અબુધાબીમાં બની રહ્યું છે. 14 ફેબ્રુઆરી 2024થી ભક્તો સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી શકશે. BAPS તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે, મંદિરનું ઉદ્ઘાટન વૈદિક રિવાજો પ્રમાણે થશે. મુસ્લિમ દેશમાં સૌથી મોટું હિંદુ મંદિર સ્થાપિત થતાં આ દિવસને એકતાના ઉત્સવ તરીકે ઉજવવામાં આવશે. અહીં હિંદુ સંસ્કૃતિ, પરંપરા અને કળાનું પ્રદર્શન થશે.

2018ની સાલમાં શિલાન્યાસ થયો

BAPSના વડા મહંત સ્વામી મહારાજની આગેવાનીમાં તમામ વિધિ પૂર્ણ થશે. અબુધાબીના અબુ મુરેકામાં 2018ની સાલમાં 27 એકર પ્લોટમાં મંદિરનો શિલાન્યાસ થયો હતો. ત્યારથી જ આ મંદિરે મુસ્લિમો અને ત્યાં વસતા સ્થાનિક ભારતીયો ઉપરાંત વિશ્વભરમાં રહેતા ભારતના લોકોમાં ઉત્કંઠા અને ઉત્સાહ જગાડ્યો છે. ભારતીય કળા, સંસ્કૃતિ અને મૂલ્યોનું પ્રદર્શન કરતાં આ ઉત્સવમાં સ્થાનિક ભારતીય સમુદાય 15 ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશન કરાવીને ભાગ લઈ શકશે.

ગુલાબી પથ્થરનો કરાયો ઉપયોગ

ગુલાબી પથ્થરનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલું આ મંદિર જાહેર જનતા માટે ઉદ્ઘાટનના ચાર દિવસ બાદ એટલે કે 18 ફેબ્રુઆરીથી ખુલ્લુ મૂકવામાં આવશે. બીએપીએસના જણાવ્યા અનુસાર, મંદિરનું માળખું ભારતીય પરંપરા અને આધુનિક બાંધકામ પદ્ધતિના સમન્વયથી તૈયાર કરવામાં આવ્યું છે. જેથી આગામી 1000 વર્ષ સુધી આ મંદિર અડીખમ ઊભું રહેશે. યુએઈના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહ્યાને 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએઈ મુલાકાત દરમિયાન બીએપીએસને મંદિરના નિર્માણ માટે જમીન ભેટમાં આપી હતી. 11 ફેબ્રુઆરી 2018ના રોજ મંદિરનો શિલાન્યાસ થયો હતો

મંદિરના નિર્માણ માટે રાજસ્થાનથી કેટલાય ટન ગુલાબી પથ્થરો અબુધાબી મોકલવામાં આવ્યા હતા. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ 50 ડિગ્રી સેલ્સિઅસ સુધીનો તાપ સહન કરી શકે તેવી ક્ષમતા આ ગુલાબી પથ્થરોમાં રહેલી છે. મંદિરની સાઈઝની વાત કરીએ તો દિલ્હીમાં આવેલા અક્ષરધામ મંદિર કરતાં નાનું હશે પરંતુ ન્યૂ જર્સી સ્થિત અક્ષરધામ મંદિર જેટલું મોટું હશે.

બેહરીનમાં પણ બની રહ્યું છે મંદિર

અબુધાબી ઉપરાંત મિડલ ઈસ્ટના દેશ બેહરીનમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર બની રહ્યું છે. બેહરીનના ક્રાઉનસ પ્રિન્સ અને વડાપ્રધાન બિન હમદ અલ ખલીફાએ મંદિર બનાવવા માટે ફેબ્રુઆરી 2022માં જ જમીન ફાળવી હતી.

You cannot copy content of this page