Only Gujarat

Gujarat

રાજકોટનો ચેતવણીરૂપ કિસ્સો, ડૉક્ટરે બાળકના નાકમાં દૂરબીન નાંખીને જોયું તો…

નાના બાળકો રમત રમતમાં જાણે-અજાણે એવું કરી બેસતા હોય છે કે તેમનો જીવ જોખમમાં મુકાય છે અને મા-બાપનો જીવ પણ તાળવે ચોંટી જાય છે. આવો જ એક બનાવ બન્યો છે રાજકોટમાં. જ્યાં 6 વર્ષના બાળકના નાકમાં 5 મહિના સુધી બેટરી સેલ ફસાયેલો રહ્યો હતો. તેના કારણે બાળક હેરાન થઇ રહ્યો હતો. તબીબે દૂરબીન વડે ગણતરીની મિનીટોમાં ઓપરેશન કરી બહાર કાઢ્યો. જેને લઈ બાળક તેમજ તેના માતા-પિતાએ રાહતનો શ્વાસ લીધો છે. આ બનાવ છ મહિના પહેલા બન્યો હો.

માતા-પિતા માટે ચેતવણીરૂપ આ કિસ્સાની વિગત એવી છે કે, રાજકોટના 6 વર્ષના આર્યન હિતેશભાઈ ચૌહાણને પાંચ મહિનાથી શરદી મટતી નહોતી. તેના જમણી બાજુના નાકમાંથી પીળુ ઘટ્ટ દુર્ગંધ મારતું પ્રવાહી સતત નીકળતું હતું. આ ઉપરાંત બાજુનું નાક બંધ થઈ જતું હતું અને દુખાવો પણ થતો હતો. ભારે એન્ટિબાયોટિક્સ દવાઓ લેવા છતાં કોઈ સુધારો થયો નહોતો. તેથી આર્યનને લઇ તેના પિતા ડોક્ટર ઠક્કરની હોસ્પિટલમાં ગયા. જ્યાં તબીબે એક્સ-રે કરાવતા બહાર આવ્યું કે આર્યનના નાકમાં તો જમણી બાજુ કોઈ મેટલની વસ્તુ ફસાયેલી છે.

આથી ઓપરેશન કરતા બેટરીનો સેલ નીકળ્યો હતો. તેના નાકમાં 5 મહિનાથી બેટરી સેલ ફસાયો હતો. બાળકના પિતા હિતેશભાઈએ જણાવ્યું હતું કે, આજથી આશરે 5 મહિના પહેલા આર્યને રમતા રમતા નાકમાં બેટરી સેલ નાખી દીધો હતો. જો કે તે સમયે ન તો આર્યને માતા-પિતાને વાત કરી હતી કે ના તો ઘરમાંથી કોઈને આ વાતની જાણ થઇ હતી. પણ શરદી નહીં મટતા આખરે કહીકત સામે આવી હતી. આથી તબીબે કોઈ પણ જાતનો વિલંબ કર્યા વિના દૂરબીન વડે તાત્કાલિક ઓપરેશન કરી પાંચ મહિનાથી આર્યનના નાકમાં ફસાયેલો બેટરી સેલ ગણતરીની મિનીટોમાં જ કાઢી આપી માસૂમને રાહત આપી.

તબીબના મતે આ કેસ ગંભીર કહી શકાય તેવો છે. કારણ કે બાળકની ઉંમર માત્ર 6 વર્ષ છે. બેટરી સેલ જેવી ચીજ ખૂબ જ જોખમી ગણાય છે. કારણ કે તેમાંથી નીકળતા ઝેરી કેમિકલ નાકના પડદાને તથા અંદરની ચામડીને નુકસાન પહોંચાડે છે. આથી બાળકના જીવન પર સંકટ પણ આવી શકે છે. પાંચ મહિના જેટલા લાંબા સમયથી નાકમાં ફસાયેલા સેલને કાઢવામાં પણ મુશ્કેલી પણ પડે છે. કારણ કે તે નાકની અંદર આસપાસની ચામડી સાથે ચોંટી ગયો હતો. જેનાથી સમજી શકાય છે કે પરિસ્થિતિની કેટલી ગંભીર હતી.

આવા સંજોગોમાં તબીબને સમયસૂચકતાથી અને કુનેહપૂર્વક દૂરબીન વડે ગણતરીની મિનિટોમાં જ બાળકના નાકમાં પાંચ મહિનાથી ફસાયેલો બેટરી સેલ કાઢ્યો હતો. આ કિસ્સો માતા-પિતા માટે ચેતવણીરૂપ છે. નાના બાળકો જ્યારે રમતા હોય ત્યારે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે કંઇ ચીજ વડે રમે છે? મોઢામાં કે નાકમાં કે કાનમાં શું નાખે છે. કારણ કે અમુકવાર સામાન્ય બાબત પણ ગંભીર રૂપ ધારણ કરી લે છે.

You cannot copy content of this page