Only Gujarat

Gujarat TOP STORIES

રાજકોટ અગ્નિકાંડની ભયાનક તસવીરો, ઉંઘમાં જ મળ્યું મોત, હલવાનો પણ ન મળ્યો સમય

રાજકોટ: સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના દર્દીઓ પોતાનો જીવ બચાવવા સિવિલમાં સારવાર લઈ રહ્યાં છે જોકે હવે હોસ્પિટલો પણ સુરક્ષિત લાગતી નથી તેવું લાગી રહ્યું છે. રાજકોટ શહેરમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાતે ભીષણ આગ લાગી હતી જેમાં કોરોના સંક્રમણના 5 દર્દીઓ બળીને ખાક થઈ ગયા હતાં. આ ઘટના બનતાં જ દર્દીઓના પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી અને બચાવો-બચાવોની બૂમાબૂમ કરી મુકી હતી. કોવિડ હોસ્પિટલમાં આગની જાણ થતાં જ દર્દીઓમાં પણ નાસભાગ મચી ગઈ હતી.

મોડી રાત્રે રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં 5 લોકો જીવતાં ભૂંજાઈ ગયા હતાં. આગની ઘટનાની જાણ થતાં જ દર્દીનાં પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતાં, જેમાં એક બહેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતાં અને કહ્યું હતું કે, 4 લાખની સહાય શું તમે 400 કરોડ રૂપિયા સહાય આપે તો પણ ભાઈની ખોટ કેમ પુરાય. બીજી તરફ, મૂળ મોરબીના એક યુવકે જણાવ્યું હતું કે, અમને શું ખબર પપ્પા સવારે ઊઠશે જ નહીં.

રાજકોટમાં બનેલી ઘટનાની સુપ્રિમ સુઓમોટો નોંધ લીધી હતી અને કહ્યું હતું કે, આ અત્યંત આઘાતજનક ઘટના છે અને આ કાંઈ પહેલી ઘટના નથી. સુપ્રીમ કોર્ટે, સોલિસિટર જનરલ તુષાર મહેતાને સ્પષ્ટ આદેશ આપ્યો, જે પણ આના માટે જવાબદાર હોય તેની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ.

આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના 33 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા બીજા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને અંગે પોલીસ કમિશનર અને મેયર ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. પીએમ રૂમેથી દર્દીના સગાઓને એક પછી એક ડેડ બોડી સોંપવામાં આવી હતી. આ સમયે પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યુ હતું.

આઈસીયુમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. જે આગમાં આઇસીયુમાં સારવાર લઈ રહેલા 11 પૈકી 5 જેટલા દર્દીઓ આગમાં ભૂંજાઈ ગયા હતાં. હોસ્પિટલના અન્ય ફ્લોર પર સારવાર લઈ રહેલા 22 દર્દીઓ તેમજ આઈસીયુમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા અન્ય છ દર્દીઓને કુવાડવા રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

મીડિયા સાથેની વાતચીતમાં મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે જણાવ્યું હતું કે, ઘટનાને પગલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મારી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. જે કોઈ પણ આ ઘટના મામલે કસૂરવાર હશે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

મહત્વની વાત એ છે કે, રાજકોટમાં લાગેવી આગની ઘટનામાં મોતને ભેટેલા કેશુભાઈએ રાતે 11 વાગ્યે પરિવારના સભયો સાથે વીડિયો કોલમાં કહ્યું હતું કે, હવે સારું છે. જોકે આ વાત થયાના અંદાજે ત્રણ કલાકમાં તો ICUમાં આગ લાગી અને તેમનું કરુણ મોત નિપજ્યું હતું.

You cannot copy content of this page