Only Gujarat

National

મંગેતરને મળવા ગયા ડોક્ટર, લોકડાઉનના કારણે સાસરિયામાં જ કરવા પડ્યા લગ્ન !

જયપુર: દેશમાં 25 માર્ચથી ચાલી રહેલા લોકડાઉનના કારણે જોધપુરમાં રહેતા એક ડોક્ટર પોતાની મંગેતરને મળવા બીકાનેર જિલ્લામાં ગયા અને ત્યાં જ ફંસાઇ ગયા. જેમ જેમ લોકડાઉન આગળ વધતું ગયું તેમ તેમ પરિવારમાં ચિંતા થવા લાગી કે લગ્ન વગર ક્યાં સુધી થનારા જમાઇ ઘરમાં રહેશે. અંતે 30 દિવસ સુધી લગ્ન વગર સાસરિયામાં રહ્યા બાદ મંગેતર સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયા.

આ અજબ ગજબ લગ્નની ચર્ચા ચારે બાજુ થઇ રહી છે. જોધપુરના રહેવાસી અને અમદાવાદમાં કામ કરી રહેલા ડોક્ટર વિવેક મહેતાની સગાઇ બીકાનેરની પુજા ચોપડા સાથે થઇ જે એક ફેશન ડિઝાઇનર છે.

વિવેક 21 માર્ચે પોતાની મંગેતર પુજાને મળવા બીકાનેરના ગંગાશહેર પહોંચ્યા હતા. બીજા દિવસે ટ્રેનો રદ્દ થઇ જવાથી રાજસ્થાનમાં 22 માર્ચથી લોકડાઉન લાગુ થવા સુધી પરત અમદાવાદ આવી શક્યા નહીં. મજબૂરમાં તેઓને સાસરિયામાં જ રહેવું પડ્યું.

જ્યારે લોકડાઉન બીજી વખત 15 એપ્રિલથી 3 મે સુધી વધ્યું તો પુજાના પિતાએ બીકાનેરમાં ગંગાશહરના જૈન સમાજના અધ્યક્ષને પોતાની સમસ્યા જણાવી પરંતુ ડોક્ટર વિવેકના પરિવારજનો લોકડાઉનના કારણે અમદાવાદથી અહીં આવી શકે તેમ ન હતા. આ લોકડાઉન દરમિયાન કોર્ટલગ્ન કરવા પણ શક્ય ન હતા.

બીજી બાજુ વિવેકે પણ વિચાર્યું કે તે ક્યાં સુધી સાસરિયામાં જ રહેશે. અજબની સ્થિતિ બની ગઇ છે. અંતે બંનેના પરિવારજનોની સહમતીથી સાસરિયામાં 30 દિવસ રહ્યાં બાદ સોમવારે ડોક્ટર વિવેક અને પુજા લગ્નના બંધનમાં બંધાયા.

જો કે દુલ્હા વિવેકના માતા-પિતા ભાઇ-બહેન પણ લગ્નમાં સામેલ થઇ શક્યા નહીં. દુલ્હનના પરિવારજનોની ઉપસ્થિતિમાં લગ્ન યોજાયા. લોકડાઉનના કારણે ડોક્ટર વિવેકના પરિવારજનો તથા મિત્રોએ વીડિયો કરી લગ્ન જોયા. ફેશન ડિઝાઇનર પુજાએ પણ પોતાના સાસુ-સસરાના વીડિયો કોલથી જ આશિર્વાદ લીધા.

વિવેકે જણાવ્યું કે લગ્ન પહેલા અમે ઘરે જ પ્રી વેડિંગ શૂટ પણ કરાવ્યું. હવે જ્યારે લોકડાઉન હટશે ત્યારે જ પુજા પોતાના સાસરિયામાં જશે. હાલ ડોક્ટર વિવેક તથા પુજા બંને બીકાનેરના ગંગાશહરમાં છે.

You cannot copy content of this page