Only Gujarat

Gujarat

ગુજરાતના આ ડાયમંડ કિંગે બતાવી દરિયાદિલી, શહીદોના ઘરે લગાવશે સોલર સિસ્ટમ

સુરતમાં ડાયમંડ કિંગના નામે ઓળખાતા ગોવિંદભાઈ ધોળકિયાએ દેશની રક્ષા માટે સરહદ પર દિવસ-રાત સેવા આપતા અને પોતાના જીવ આપી દેનારા વીર જવાનોના ઘરમાં સોલર સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાનો નિર્ણય લીધો છે. આ કારણે વીજ બીલમાં ઘટાડો થશે અને પર્યાવરણને પણ નુકસાન થતું અટકશે.

વીર જવાનોના ઘરને ઝગમગતા કરવા અને વીજબીલમાં ઘટાડો કરવાના વિચાર સાથે સોલર પેનલ લગાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ માટે સુરતના ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાએ ગુજરાતના 125 સહિત ભારતના વીર શહીદોની યાદી તૈયાર કરાવી છે. જેમાંથી 150 જેટલા ઘરોમાં અત્યાર સુધી આ સોલર પેનલ લાગી ચૂકી છે. આવી એક સોલર સિસ્ટમનો ખર્ચ 80 હજારથી 1 લાખ સુધી આવે છે.

વર્ષે વીજબીલમાં 15થી 20 હજારની બચત થશે

ગોવિંદ ધોળકિયાએ 15 ઓગસ્ટ 2022ના રોજ આ યોજનાની શરૂઆત કરી હતી. સોલર પેનલ લાગવાથી વીર જવાનોના પરિવારોને વર્ષે વીજબીલમાં 15થી 20 હજાર સુધીની બચત થશે. 20 વર્ષ સુધી આ સોલર સિસ્ટમનો લાભ મળતો રહેશે. ત્ચારે હાલ ગુજરાતમાં ડેટા મુજબ સોલર પેનલ લગાવવાનું કામ પૂરું થયું છે, જે બાદ હવે ગુજરાત બહારના રાજ્યોમાં પણ તેને લગાવવા માટે ટીમ જવા તૈયાર છે.

750 જેટલા શહીદોના ઘરે લાગશે સોલર પેનલ

પ્રોજેક્ટ અંગે કોર્ડિનેટર ભાવેશ લાઠિયાએ જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ દેશ માટે બલિદાન આપનારા 750 જેટલા શહીદ જવાનોના ઘરમાં સોલર પેનલ લગાવવાનું અમારી આયોજન છે. જેમાં અત્યાર સુધીમાં 150 જેટલા વીર શહીદોના ઘરોમાં સોલર પેનલ લાગી ચૂકી છે. આ વર્ષના અંત સુધીમાં લગભગ 350 જેટલા ઘરોમાં સોલર પેનલ લાગી જશે. અમે ગુજરાતમાં આ કામ પતાવ્યું જે બાદ હવે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં આગળ વધીશું અને ત્યાં શહીદોના ઘરમાં સોલર પેનલ લગાવવાનું કામ કરીશું.

You cannot copy content of this page