Only Gujarat

Health

ગુજરાતના આ મોટા સિટીની ફેમસ પાઉંભાજી ખાવાનું ચૂકતાં નહીં, વિદેશમાં પણ થાય છે એક્સપોર્ટ

સુરતના કડોદરા રોડ પર આવેલ જેઠાની પાઉંભાજી સુરત જ નહી વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. આ દુકાન જલારામ પાઉંભાજી સેન્ટરના નામથી ચલાવવામાં આવી છે પરંતુ દરેક લોકો તેને જેઠાની પાઉંભાજીના નામથી જ ઓળખે છે. જેઠાની પાઉંભાજી એટલી પ્રખ્યાત છે કે, માત્ર સુરતમાં નહીં પરંતુ વિદેશમાં પણ તેની ખૂબ ડિમાન્ડ છે અને તેમની પાઉંભાજી વિદેશમાં પણ એક્સપોર્ટ થાય છે.

જેઠાની પાઉંભાજી ખાવા લોકો દૂર દૂરથી આવે છે અને આ પાઉંભાજીનો સ્વાદ જીભને ચટાકો આપી દે એવો છે. જેઠાભાઈના બે દીકરા વિનોદભાઈ અને મનોજભાઈ આ દુકાન સંભાળે છે. આ બંને ભાઈએ 49 વર્ષ પહેલાં પાઉંભાજી બનાવવાની શરૂઆત કરી હતી. કડોદરામાં શરૂ કરેલ પાઉંભાજીની દુકાન હવે સુરતના અડાજણ વિસ્તારમાં પણ ધમધમી રહી છે.

બે રૂપિયામાં એક ડિશથી કરી હતી શરૂઆત

તે સમયે બે રૂપિયા પ્રતિ ડીશનું વેચાણ કરીને શરૂઆત કરી હતી ત્યારે આજે આ પાઉંભાજીના ભાવ 100 રૂપિયા પ્રતિ ડીશ થઈ ગયા છે. બંને ભાઈઓ પાઉંભાજી જાતે જ બનાવે છે અને પાઉંભાજીનો સ્વાદ આજે પણ પહેલા જેવો જ છે. સાથે તેઓ નવ જેટલા કારીગરો રોજગારી પણ આપે છે. દરરોજ 600થી 700 લોકો આ પાઉંભાજીનો સ્વાદ માણવા આવે છે.

વિદેશમાં પણ થાય છે એક્સપોર્ટ

જેઠાની પાઉંભાજી એટલી પ્રખ્યાત છે કે, માત્ર સુરતમાં નહીં પરંતુ વિદેશમાં પણ તેની ખૂબ ડિમાન્ડ છે અને તેમની પાઉંભાજી વિદેશ પણ જાય છે. વિદેશ માટે તેઓ ખાસ પ્રકારની ડ્રાય ભાજી બનાવે છે. આ ભાજી પાવડર ફોર્મમાં બનાવવામાં આવે છે કે જે, એક વર્ષ સુધી ખાવામાં ઉપયોગી બની શકે છે. જેઠાની પાઉંભાજી USA, UK, કેનેડા, ઓસ્ટ્રેલિયાથી લઈ ન્યૂઝીલેન્ડ જેવા અનેક દેશોમાં લોકો ખાઈ રહ્યા છે. એ સિવાય મોટાભાઈ વિનોદભાઈ વિદેશમાં જઈને પણ પાઉંભાજી બનાવે છે.

You cannot copy content of this page