Only Gujarat

Gujarat

7.30 વાગ્યે બેસીને વાત કરતા હોય તો 8 વાગ્યે કેવી રીતે મૃત્યુ થાય?: પુત્રનો આક્રોશ

કોરોના વાયરસના કપરા કાળમાં વડોદરા શહેરની SSG હોસ્પિટલ વધુ એક વાર વિવાદમાં આવી છે. SSG હોસ્પિટલમાં કોરોના નેગેટિવ દર્દીનું દાખલ કરાયાના માત્ર ચાર જ કલાકમાં મૃત્યુ થતા પરિવારજનોએ હોસ્પિટલના સંચાલકો સામે સણસણતા સવાલો કર્યા છે. એટલું જ નહીં, પરિવારે હોસ્પિટલ પર મૃતકના અંગો કાઢી લીધાનો ગંભીર આરોપ પણ લગાવ્યો છે.

આ ઘટવાની વિગત એવી છે કે, મૃતક રવીન્દ્ર ભોંસલે નામના દર્દીને સાંજે 4 વાગ્યે શ્વાસની તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ દાખલ કર્યાના ચાર કલાક બાદ તેમનું મૃત્યું થયું હોવાની જાણ થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું. પરિવારજનોએ પ્રશ્ન કર્યો કે, રવીન્દ્રભાઈ 7 વાગ્યે બેસીને વાત કરતા હોય તો 8 વાગ્યે કેવી રીતે તેનું મૃત્યુ થાય. મૃતકના પુત્રએ આક્ષેપ કર્યો છે કે તેના પિતાનું મૃત્યુ થયું છે તેવું હોસ્પિટલના તંત્રએ જણાવ્યું ન હતું. તે જ્યારે હોસ્પિટલ આવ્યો ત્યારે ખબર પડી કે તેમનું મોત થયું છે. આંખોમાં આંસુ સાથે પુત્ર કહી રહ્યો હતો કે તેને તેના પપ્પા પાછા જોઈએ છે.

મૃતક રવીન્દ્ર ભોંસલેના પુત્ર મયૂરનું માનીએ તો, તેના પિતાને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેથી પહેલા તેમને ગ્લોબલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. રિપોર્ટ નેગેટિવ આવવા છતાં તેમને કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે રવીન્દ્રભાઈ બોલતા હતા અને હાલતા-ચાલતા પણ હતા. છેલ્લે, 7.30 વાગ્યે તેમની તેમના પુત્ર સાથે ફોન પર વાત થઈ હતી. જ્યારે મયુર તેના પિતાને ટિફિન આપવા આવ્યો ત્યારે તેને જાણ થઈ કે તેના પિતા હવે આ દુનિયામાં હયાત નથી.

ચોંકાવનારી વાત એ છે કે હોસ્પિટલમાંથી કોઈએ પણ પરિવારને જાણ નહોતી કરી કે રવીન્દ્ર ભોંસલે મૃત્યુ પામ્યા છે. હોસ્પિટલના સંચાલકોએ પણ આ મુ્દ્દે મૌન સેવી લીધું. તેના પગલે પરિવારે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો.

પરિવારજનોએ એવો પણ સવાલ કર્યો કે, કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં દર્દીને કોવિડ સેન્ટરમાં શા માટે રાખવામાં આવ્યા હતા? પરિવારે એવો આરોપ પણ લગાવ્યો હતો કે મૃતકના અંગો કાઢી લેવામાં આવ્યા છે અને તેથી તેમને મૃતદેહ પણ બતાવવામાં આવ્યો નથી. આ બનાવ મીડિયામાં આવતા હોસ્પિટલ સુપરિટેન્ડેન્ટ ડૉ. રંજન ઐયરે મૃતકના પરિવારજનોએ લગાવેલા તમામ આરોપને નકાર્યા હતા.

You cannot copy content of this page