Only Gujarat

FEATURED National

દીકરાએ કાલીઘેલી બોલીમાં કહ્યું, મમ્મી પર ચાકુથી હુમલો થયો, ચાકુ મારનાર અંકલ સાથે ડેડી હતા

ફરુખાબાદઃ યુપીના ફરુખાબાદ જીલ્લાની પોલીસ જે મહિલાની લાશ શોધવા માટે પ્રયાસ કરી રહી હતી તે જીવંત નીકળી હતી. પોલીસ આ ચોંકાવનારા કેસની તપાસ કરી રહી છે. ગત 5 સપ્ટેમ્બરે ફરુખાબાદ નવાબગંજ પોલીસ સ્ટેશનમાં મહિલા લતા દેવીની હત્યા કર્યા બાદ તેની લાશ છુપાવવાનો મહિલાના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો. આ મામલે પોલીસે મહિલાના પતિ રણવિજય સહિત પરિવારના અન્ય લોકો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી રણવિજયની ધરપકડ કરી હતી. જોકે આ કેસમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે લતા દેવી શાહજહાંપુરના અલ્લાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શંકાસ્પદ સ્થિતિમાં બેભાન અવસ્થામાં રોડ પરથી મળી આવી હતી.

આ મામલે પોલીસ મહિલાની પૂછપરછ કરી રહી છે. ગત 5 સપ્ટેમ્બરના નવાબગંજ પોલીસ સ્ટેશન હેઠળ આવતા વીરપુર ગામથી લતા દેવી અચાનક રાતે ગુમ થઈ હતી. સવારે મહિલા લતા(29 વર્ષ)ના રૂમમાં, બેડ પર અને ઘરના અન્ય ભાગમાં લોહીના નિશાન જોવા મળ્યા હતા. તેમના 5 વર્ષીય દીકરા રુદ્રએ એસઓને જણાવ્યું કે, ‘મમ્મી (લતા)ને એક વ્યક્તિએ ચાકુથી હુમલો કર્યો હતો. પિતા ચાકુ મારનાર અંકલ સાથે હતા.’

મહિલાના જીવતી મળવાથી તમામ લોકો ચોંક્યા
મહિલાના પરિવારજનોએ પતિ સહિતના લોકો પર દહેજ હત્યાનો કેસ કર્યો હતો. પોલીસે મહિલાના પતિની ધરપકડ પણ કરી. પોલીસે લતાના પતિ રવિ ઉર્ફ રણવિજય, જેઠ બબલુ ઉર્ફ ઘનશ્યામ, બબલૂનો દીકરો પવન, રવિની માતા રામશ્રી તથા ફોઈના દીકરા ગૌરવ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.

રવિની સાથે ક્લિનર અવધેશ અને બબલૂની ધરપકડ પણ કરી હતી. જોકે હવે મહિલા જીવંત મળતા પોલીસ આ મામલે વિસ્તૃત તપાસ કરી રહી છે. એસપી ડૉ. અનિલ કુમાર મિશ્રાએ જણાવ્યું કે, નવાબગંજ વિસ્તારમાં લતા દેવીના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો. અગાઉ દહેજ હત્યાની ફરિયાદ નોંધાઈ હતી. જોકે મહિલા જીવંત મળતા તમામ લોકો ચોંક્યા હતા.

પોલીસે પૂછપરછ હાથ ધરી પરંતુ મહિલા લતા દેવી હાલ કંઈજ કહી શકવાની સ્થિતિમાં નથી. તેથી પોલીસે મહિલાને તેના માતા-પિતા સાથે મોકલી દીધી છે અને તેના સ્વાસ્થ્યમાં સુધારો થયા બાદ વધુ માહિતી મેળવશે અને આગળની કાયદાકીય કાર્યવાહી કરશે. પોલીસ મહિલાના ટ્રક ડ્રાઈવર પતિ ઉપરાંતના લોકોને છોડવાની તૈયારીમાં છે.

લતા બેભાન અવસ્થા મળી પરંતુ શરીર પર ઈજાના નિશાન નહીં
લતા જીવીત મળી પરંતુ તેના શરીર પર ઈજાના નિશાન નથી. જો લતાને ચાકુ મારવામાં નથી આવ્યો તો પછી તેના ઘરમાં રહેલું લોહી કોનું છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ગામનો જ એક યુવક આ ઘટના બાદથી ગુમ છે. તેની લતાના ઘરે અવર-જવર રહેતી હતી.

પોલીસ તેના વિશે પણ માહિતી મેળવી રહી છે. ફોરેન્સિક ટીમના ઓપી સિંહે જણાવ્યું કે, લતાના રૂમમાં મારામારીની ઘટના બની હતી. નાના હથિયારોનો ઉપયોગ પણ થયો. ઘટના સ્થળેથી મળેલા એક ગ્લાસમાં પણ લોહી હતું. રૂમમાં બેડ અસ્ત-વ્યસ્ત હતું. રૂમ અને ઘરમાં રહેલું લોહી કોઈ માણસનું જ હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page