Only Gujarat

Gujarat

અમદાવાદના શહીદ પતિ મહિપાલસિંહનાં ઘરે લાડલી દીકરીનો થયો જન્મ, વિરલબા નામ રાખ્યું

વિવેકસિંહ રાજપૂત જમ્મુ-કાશ્મીરમાં સપ્તાહ પહેલા આતંકવાદીઓ સામે ઝઝૂમી વીરગતિ પામનારા અમદાવાદના જવાન મહિપાલસિંહ વાળાના ઘરે પુત્રીનો જન્મ થયો છે. પુત્રીનું નામ વિરલબા રાખ‌વામાં આવ્યું છે. પત્ની વર્ષાબાને હોસ્પિટલમાં દાખલ કરાયાં ત્યારે તેમણે મહિપાલસિંહનાં કપડાં પાસે રાખ્યાં હતાં. પુત્રીનો જન્મ થયા બાદ વર્ષાબાએ શહીદ વીરનાં કપડાંનો સ્પર્શ કરી અશ્રુભીની આંખે પુત્રીને હાથમાં લીધી હતી.

આ દરમિયાન પરિવારના તમામ સભ્યો હોસ્પિટલમાં જ હતા અને તમામની આંખોમાં આંસુથી અન્ય લોકો પણ ભાવુક થઈ ગયા હતા. પરિવારના સભ્યોએ એવું પણ જણાવ્યું હતું કે, દીકરી મોટી થશે અને જો તેને ડિફેન્સ સર્વિસીસમાં જવાની ઇચ્છા હશે તો તેને તેમાં મૂકીશું. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં શહીદ મહિપાલસિંહનાં પત્ની વર્ષાબાએ કહ્યું હતું કે, જો તેમને પુત્ર જન્મ થશે તો તેઓ તેને ભારતીય સૈન્યમાં મોકલશે.

જમ્મુ-કાશ્મીરમાં વીરગતિ પામેલા જવાન મહિપાલસિંહ વાળાના પત્નીએ શુક્રવારે સાંજે બાળકીને જન્મ આપ્યો હતો.મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના મોજીદડ ગામના વતની અને છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદના વિરાટનગરની સદાશિવ સોસાયટીમાં રહેતા મહિપાલસિંહ વાળા (ઉં.વ 27) છેલ્લા 8 વર્ષથી સુરક્ષા દળમાં ફરજ બજાવતા હતા. તેમની પહેલી પોસ્ટિંગ જબલપુરમાં થઈ હતી, જ્યાં તેમણે 4 વર્ષ ફરજ બજાવી હતી. જે બાદ ત્રણ વર્ષ સુધી ચંદીગઢમાં ફરજ બજાવી હતી. છેલ્લા 6 મહિનાથી તેમની પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીર થઈ હતી. જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના હાલાન જંગલ વિસ્તારના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓનો સામનો કરતાં મહિપાલસિંહ વાળા વીરગતિ પામ્યા હતા.

અહીં સૌથી દુઃખદ બાબત તો એ છે કે દેશની રક્ષા કાજે શહીદ થનાર મહિપાલસિંહના પત્ની ગર્ભવતી હતા, મહિના પહેલા જ તેમના પત્નીનું શ્રીમંત યોજાયું હતું. તેમના ઘરે પારણું બંધાવવાનું છે. પરંતુ આવનારા સંતાનનું મોઢું જોવે તે પહેલા જ મહિપાલસિંહ આતંકવાદીઓ સામે સામી છાતીએ લડતા-લડતા શહીદ થયા હતા.

વીર મહિપાલસિંહ વાળાના પાર્થિવ દેહને રવિવારે 5 વાગ્યે વિરાટનગર ખાતેના તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો ત્યારે ‘મહિપાલસિંહ અમર રહો’ અને ‘ભારત માતા કી જય’ના નારા સાથે પરિસર ગુંજી ઉઠ્યું હતું. ગુજરાતના સપૂતને શ્રદ્ધાંજલિ આપવા જાણે કે આખું અમદાવાદ ઉમટી પડ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના રાજકીય આગેવાનોએ શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. જે બાદ તેમની અંતિમ યાત્રામાં પણ લાખો લોકો સ્વયંભૂ જોડાયા હતા. અમદાવાદના લીલાનગર સ્મશાનભૂમિમાં આસામ રાયફલ્સના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ મહિપાલસિંહના અંતિમ સંસ્કાર કરાયા હતા.

You cannot copy content of this page