Only Gujarat

Gujarat

નરેશ કનોડિયાના ચાહકો ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા, પાલિતાણાના પ્રશંસકને આઘાત જીરવી ન શકતા બેભાન થઇ ગયા

ગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચન અને રજનીકાંત કહેવાતા સુપરસ્ટાર નરેશ કનોડિયાના નિધનથી સૌ કોઈ સ્તબ્ધ છે અને તેના ચાહકો તો ચોધાર આંસુએ રડી રહ્યા છે. કેટલાક ચાહકો તો એટલા શોકમગ્ન અને આઘાતમાં સરી પડ્યા છે કે ખુદ તેમને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા છે. નરેશ કનોડિયાના આવો જ પ્રશંસક છે પાલિતાણાનો આખો બાબરિયા પરિવાર. જ્યારે આ પરિવારના સભ્યોને નરેશ કનોડિયાના અવસાનની જાણ થઇ તો દરેકની આંખોમાં ઝળઝળીયા આવી ગયા. ઘરના મોભી આ આઘાત સહન ન કરી શક્યા અને તેમની તબીયત લથડતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી.

પાલિતાણાના ઘેટી ગામમાં રહેતા બાબરિયા પરિવાર સાથે નરેશ કનોડિયાને અનોખો સંબંઘ હતો. પારિવારિક નાતો ઉપરાંત આત્મીયતાના સંબંધ હોવાથી એકબીજાના પરિવારો અવરનવાર મળતા હતા. આ પરિવારે નરેશ કનોડિયા સાથેની મુલાકાતની તસવીરોનો આલ્બમ પણ બનાવ્યો છે. જેમાં દરેક મુલાકાતના સંભારણા રૂપે ફોટા સામેલ છે. મંગળવારે નરેશ કનોડિયાના નિધનના સમાચાર સાંભળી આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. જો કે પરિવારના ખીમરાજભાઈને વધારે પડતું દુઃખ લાગતાં તેઓ બેભાન થઈ ગયા. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. (તસવીરમાં પાલિતાણાના ઘેટી ગામમાં રહેતો બાબરિયા પરિવાર)

નરેશ કનોડિયા મોટા ગજાના કલાકાર તો હતા જ, સાથે વ્યક્તિ તરીકે પણ ઉમદા હતા. તેથી જ તેમની સાથે કામ કરનાર દરેક વ્યક્તિ તેમને યાદ કરીને અને શ્રદ્ધાંજલિ આપતા સમયે ગળગળા થતા જોવા મળ્યા હતા. નરેશ કનોડિયાની નિખાલસતા એ હતી કે તેઓ ક્યારેય પોતાના ચાહકોને નિરાશ કરતા નહોતા. સુપર સ્ટારનો દરજ્જો ધરાવતા હોવા છતાં તેમના પગ હંમેશા જમીન પર રહેતા હતા. તેથી તેઓ તેમના પ્રશંસકોને ખુશી ખુશી મળતા અને તેમની સાથે તસ્વીરો પણ ખેંચાવવા તૈયાર થઇ જતાં. (તસવીરમાં પાલિતાણાના ઘેટી ગામમાં રહેતો બાબરિયા પરિવાર)

20 વર્ષ પહેલાં વાંકાનેરના રણજિત વિલાસ પેલેસમાં નરેશ કનોડિયાએ રોમા માણેક સાથે ગુજરાતી ફિલ્મનું શુટિંગ કર્યું હતું, એની તસવીરો સામે આવી છે. એ સમયે નરેશ કનોડિયાના ચાહકો તેમની ઝલક જોવા તેમજ તેમની સાથે ફોટો પડાવવા પડાપડી કરતા હતા. ફિલ્મના શૂટિંગમાં નરેશ કનોડિયાને મોઢા પર ઘા વાગ્યો હોય તેવો મેક-અપ કર્યો હતો. જેમાં નરેશ કનોડિયાના મોઢા પર લોહીવાળી નકલી પટ્ટી લાગેલી હતી છતાં પણ તેમણે આ રીતે જ પોતાના શુભેચ્છકો અને ચાહકો સાથે તસ્વીરો ખેંચાવી હતી.

નરેશ કનોડિયાએ 40 વર્ષ સુધી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ પર રાજ કર્યુ છે. તેમના નિધન બાદ મોટો ખાડો પડ્યો છે. નરેશ કનોડિયાની માસ અપીલ હતી. તેમની મોટી સિગ્નિફિકન્સ એ હતી કે, તેઓએ 125 ફિલ્મોમાં કામ કર્યું. તેમજ 72 હિરોઈન સાથે લીડ રોલ કર્યો છે. નવી અભિનેત્રીઓ માટે કામ કરવામાં તેઓ પ્રખ્યાત હતા. ગુજરાતી ફિલ્મ જગતમાં જે સમયે ઉપેન્દ્ર ત્રિવેદીનું ગુજરાતી ફિલ્મોમાં એકચક્રી શાસન હતું અને તેમની કારકિર્દીનો અંત હતો, ત્યારે તે ખાલી જગ્યા નરેશ કનોડિયાએ સરળતાથી પૂરી દીધી. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને તેઓએ ધમધમતો રાખ્યો હતો.

You cannot copy content of this page