Only Gujarat

Gujarat

પત્નીના દમન સામે પતિ રડી પડ્યો, ખાઈ લીધી ઉંઘની ગોળી અને કાપી હાથની નસ

દહેજની માંગણી, આડા સંબંધો તેમજ પારિવારિક ઝઘડાઓને લઈ પુરુષો તરફથી મહિલાઓને ત્રાસ આપવા તેમજ ઘરમાંથી મુકવાના અનેક કિસ્સા સામે આવતા હોય છે. પરંતુ સુરતમાં ઉલટી ગંગા જોવા મળી. જેમાં પતિએ પત્નીના આડા સંબંધોનો ભાંડો ફોડ્યો તો પત્ની તેના પર તૂટી પડી. પત્નીએ પતિને માર મારીને ઘરમાંથી કાઢી મુક્યો. પત્નીના દમનથી કંટાળેલા પતિએ પોતાનું દર્દ વર્ણવતો વીડિયો બનાવ્યો અને વીડિયો બનાવતા સમયે જ ઊંઘની ગોળી ખાઇ તેમજ હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો. હાલ પતિ હોસ્પિટલમાં છે.

આ અંગેની વિતગ એવી છે કે, સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી માન સરોવર સોસાયટી પાસે શ્યામ હાઇટ્સમાં ગણેશભાઇ (ઉ.વ. 36, મૂળ વરંગલ, તેલંગણા) રહે છે અને ઉધના ખાતે કોર્પોરેટ સર્વિસ સ્ટેશનમાં લોન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. તેમના લગ્ન પાર્વતી (નામ બદલ્યું છે) સાથે સમાજના રીતિરિવાજ પ્રમાણે થયા હતા. આ દંપતીને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. ગત વર્ષે ગણેશને જાણ થઇ કે તેની પત્ની પાર્વતીને કોઈ અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે. પોતાના સંસારમાં આગ લાગી હોવાની જાણ થતાં ગણેશે તેને ઠારવા પ્રયાસ કર્યા. જેમાં પહેલા તો તેણે પત્ની પાર્વતીને સમજાવી કે તે આડા સંબંધોનો અંત લાવે.

જો કે, પાર્વતી આ મુદ્દે સમજવા તૈયાર નહોતી અને વારંવાર ઝઘડા કરતી હતી. એકાદ વર્ષ પહેલાં તેણીએ પતિ ગણેશ વિરુદ્ધ લિંબાયત પોલીસમાં મારઝૂડ કર્યાની ફરિયાદ પણ નોંધાવી હતી. તે ગુનામાં પોલીસે ગણેશની અટકાયત પણ કરી હતી. આશરે ચાર મહિના પહેલાં સાળો વિશાલ, સસરા રામબાબુએ પણ પારિવારિક ખટપટને લઈને ગણેશભાઇને ઢોરમાર માર્યો હતો. સસરાએ ગણેશને ધમકી આપી હતી કે જો હવે પછી મારી દીકરી પાર્વતી પાસે આવીશ તો જાનથી મારી નાંખીશ. સસરાએ જમાઇને અપમાનિત કરીને ઘરમાંથી કાઢી મૂક્યો હતો.

છેલ્લા ચાર મહિનાથી બહાર રહેતો ગણેશ ગત તા. 23 ઓક્ટોબરે બાળકોને મળવા માટે ઘરે ગયો હતો. તે સમયે પાર્વતીએ તકરાર કરી ધમકી આપી હતી. જેથી મનમાં લાગી આવતા ગણેશે ઊંઘની ગોળીઓ ખાઇ ડાબા હાથની નસ કાપી નાંખી હતી. આ સમયે ગણેશે એક વીડિયો પણ બનાવ્યો. જેમાં તેણે પોતાની વ્યથા વર્ણવી છે. ઇજાગ્રસ્ત હાલતમાં ગણેશને સારવાર અર્થે સ્મિમેરમાં ખસેડવામાં આવતા હાલ તેની સારવાર ચાલી રહી છે.

લિંબાયત પોલીસે ગણેશની ફરિયાદના આધારે પત્ની પ્રિયા, સાળા વિશાલ, સસરા રામબાબુ અને દોનાલા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એ વાત પણ સામે આવી છે કે, પત્નીના આડાસંબંધ અંગે જાણ થઈ જતા અવાર નવાર ઘરમાં ઝઘડા થતા હતા. બાળકોની સામે જ પતિ પત્ની બંને બેફામ ઝઘડતા હતા. જેમાં થોડા સમય પહેલા થયેલા ઝઘડામાં પત્નીએ પતિને બેટથી ફટકાર્યો હતો.

 

You cannot copy content of this page