ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? આગામી 24 કલાક ભારે!

ગાંધીનગર: ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. હાલ રાજ્યમાં સાયક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે ફરીથી વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના કારણે છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વાર કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત માછીમારો માટે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં અમરેલી, જુનાગઢ, નવસારી સહિત સંઘપ્રદેશ દમણમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે પરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ અને દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, દમણ, જૂનાગઢ, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 38.26 ટકા વરસાદ નોંધાયો છે. ગત વર્ષે જુલાઈમાં સિઝનનો સરેરાશ 60 ટકા વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

દેવભૂમિ દ્વારકામાં 155 ટકા, પોરબંદરમાં 106.91 ટકા વરસાદ જ્યારે જામનગરમાં 101 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છમાં 84.87 ટકા વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં માત્ર 25 ટકા વરસાદ વરસ્યો છે.