Only Gujarat

National

ભાવનગરથી મથુરા જતી બસનો સર્જાયો અકસ્માત, 11 મુસાફરોને ટ્રકે કચડ્યાં, હાઈવે પર લોહીની નદીઓ વહેતી થઈ

11 gujarati people died in Road accident at Rajasthan: ગુજરાત ઉપર માઠી બેઠી છે. અમદાવાદમાં જેમ ઈસ્કોન બ્રિજ પર લોકો અકસ્માત જોવા ટોળે વળ્યા હતા અને તથ્યની ગાડી તેમના પર ફરી વળી હતી તેવી જ ઘટના હવે રાજસ્થાનમાં ગુજરાતીઓ સાથે થઈ છે. ભાવનગરથી મથુરા જતી બસના મુસાફરો રાજસ્થાનના ભરતપુરમાં અચાનક બસની ડીઝલ પાઇવ ફાટી જતા, લોકો બસમાંથી નીચે ઊતર્યા હતા અને તેમના પર ટ્રક ફરી વળી છે. આ ઘટનામાં 11 ગુજરાતીઓના મોત થયા છે, જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા છે.

પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યા વધી શકે છે. બસમાં 57થી વધુ લોકો સવાર હતા. આ અકસ્માત લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના આગ્રા-જયપુર નેશનલ હાઈવે-21 પર હંતારા પાસે સવારે 5:30 વાગ્યે થયો હતો. મૃત્યુ પામેલાઓમાં 6 મહિલાઓ અને 5 પુરુષો હતાં. તમામ મૃતકો ગુજરાતના ભાવનગરના રહેવાસી છે.

બ્રેકડાઉનના કારણે બસ રોડ કિનારે ઊભી હતી

પોલીસના જણાવ્યા અનુસાર બસ ગુજરાતના ભાવનગરથી મથુરા જઈ રહી હતી. ભરતપુર-આગ્રા હાઈવે પર સવારે બસની ડીઝલની પાઈપ અચાનક ફાટી ગઈ હતી. ડ્રાઈવર સાથે 10-12 જેટલા મુસાફરો બસમાંથી ઊતરી ગયા હતા. ડ્રાઇવર પાઇપ રિપેર કર્યા બાદ ડીઝલ લેવા ગયો. ત્યારે એક ટ્રકે બસને ટક્કર મારી અને નજીકમાં ઉભેલા લોકોને કચડીને આગળ વધી હતી.આ દરમિયાન ત્યાંથી પસાર થતાં અન્ય વાહનોના ચાલકોએ રસ્તા પર મૃત પડેલા લોકોને જોતા પોલીસને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી. તમામના મૃતદેહને ભરતપુર જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.

અકસ્માત બાદ મૃતદેહો હાઈવે પર વેરવિખેર થઈ ગયા હતા. ત્યાં હાજર લોકોએ દરેક મૃતદેહને રસ્તા વચ્ચેથી હટાવીને એક બાજુએ રાખ્યા. સાથે જ હાઈવે પર પણ જામ લાગી ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોની હાલત નાજુક છે. જ્યારે તેઓ ભાનમાં આવશે ત્યારે તેમની પૂછપરછ કરવામાં આવશે.

બસના એક મુસાફરે જણાવ્યું કે સવારે લગભગ ચાર વાગે બસમાં થોડી સમસ્યા હતી. આથી બસ હંતારા પુલ પાસે ઊભી હતી. ડ્રાઈવર અને અન્ય એક ડીઝલ લેવા ગયા હતા અને લગભગ 10-12 મુસાફરો બસમાંથી નીચે ઊતરીને બસની પાછળ જઈને ઊભા હતા. આ દરમિયાન ઝડપથી આવતી ટ્રકે બધાને કચડી નાખ્યા હતા. મુસાફરે જણાવ્યું કે તેઓ મંગળવારે રાત્રે 10 વાગ્યે પુષ્કરથી રાત્રિભોજન કરીને વૃંદાવન જવા રવાના થયા હતા. બસમાં કુલ 57 મુસાફરો સવાર હતા.

ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખશ્રી અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે મૃતકનાં પરિવારજનોને સાંત્વના પાઠવી છે- ભાવનગરથી મથુરા જતાં શ્રદ્ધાળુઓના રાજસ્થાનના ભરતપુર પાસે થયેલ ગમખ્વાર અકસ્માતમાં 11 ગુજરાતીઓનાં મોતના સમાચાર અત્યંત દુઃખદ છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમની આત્માને શાંતિ અર્પે અને અકસ્માતમાં ઘાયલ સૌ સાજા થાય તેવી પ્રાર્થના. મૃતકનાં પરિવારજનો પર અચાનક આવી પડેલ દુઃખને પરમાત્મા સહન કરવાની શક્તિ આપે.

મૃતકોનાં નામ
અંતુભાઈ લાલજીભાઈ ગયાણી- 55 વર્ષ
નંદરામ ભાઈ મથુરભાઈ ગયાણી- 68 વર્ષ
લલ્લુભાઈ દયાભાઈ ગયાણી
ભરતભાઈ ભીખાભાઈ
લાલજીભાઈ મનજીભાઈ
અંબાબેન જીણાભાઈ
કંબુબેન પોપટભાઈ
રામુબેન ઉદાભાઈ
મધુબેન અરવિંદભાઈ દાગી
અંજુબેન થાપાભાઈ
મધુબેન લાલજીભાઈ ચુડાસમા

You cannot copy content of this page