Only Gujarat

FEATURED National

તો શું નેતાઓને નિયમો લાગુ નથી પડતા? લગ્નમાં 31 હજાર વહેંચી કંકોત્રી પણ હવે કરશે શું?

ઈન્દોરઃ મધ્ય પ્રદેશના આર્થિક રાજધાની તરીકે ઓળખાતા ઈન્દોરમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. હવે અહીં તંત્ર કડક પગલા લઈ રહ્યું છે. આ સમયે કોંગ્રેસના ધારાસભ્ય સંજય શુકલાએ સમાજ માટે આદર્શ ઉદાહરણ રજૂ કર્યું છે. જોકે આ માટે તેમનું દીકરાના ધૂમધામથી લગ્ન કરવાનું સ્વપ્ન તૂટી રહ્યું છે.

તેમના દીકરાના લગ્ન 4 થી 11 ડિસેમ્બર દરમિયાન થવાના હતા. જે માટે મોટા નેતાઓ સહિત 31000 લોકોને આમંત્રણ પાઠવ્યું હતું અને કંકોત્રી પણ પહોંચાડી દીધી હતી. હવે શહેરમાં ફરી કોરોનાનો કહેર વધ્યો છે ત્યારે તેમણે માત્ર સ્નેહ ભોજન અને માંગલિક આયોજન પરિવારજનોની હાજરીમાં પૂર્ણ કરી આ લગ્ન પતાવવાનો નિર્ણય કર્યો છે. તમામ આયોજનમાં માત્ર પરિવારજનો જ સામેલ થશે.

કોરોનાને કારણે તંત્ર દ્વારા જાહેર કરવામા આવતી ગાઈડલાઈન્સનું પાલન કરવું તેમની પણ ફરજ હોવાની ધારાસભ્ય શુકલાએ વાત કરી હતી. તેઓ છેલ્લા 1 મહિનાથી આમંત્રણ અને અન્ય તૈયારીમાં લાગેલા હતા. અંદાજે 31 હજાર કાર્ડ પણ વહેંચી દીધા હતા.

પૂર્વ સીએમ કમલનાથ સહિત ઘણા નેતાઓને આમંત્રણ પાઠવી દેવામા આવ્યું હતું પરંતુ હવે માત્ર પરિવારજનોની હાજરીમાં જ લગ્ન પૂર્ણ કરાશે. જેમાં પણ કોરોના સંબંધિત તમામ ગાઈડલાઈન્સનું પાલન કરવામા આવશે.

ધારાસભ્યે નવદંપતિને આશીર્વાદ અને શુભેચ્છાઓ સોશિયલ મીડિયા થકી આપવાની અપીલ કરી છે. આ સાથે વેક્સિન આવે ત્યાંસુધી તમામે કોરોના સંબંધે જાગૃત રહે તેવી અપીલ પણ કરી હતી.

શુકલા અને તેમના પરિવારે કહ્યું કે,‘આપણે બધા મળીને કોરોના સામે જીતીશું. કોરોના મહામારીના અંત બાદ ફરી રિસેપ્શન ગોઠવવામાં આવશે. હાલ તેઓ તમામ સંબંધીઓને જો કોઈ મુશ્કેલી કે તકલીફ થઈ હોય તો આ અંગે માફી માગે છે.’

You cannot copy content of this page