Only Gujarat

Gujarat

સુરતથી ધબકતું હૃદય 1610 કિમી 180 મિનિટમાં કાપીને ચેન્નઈની વિદ્યાર્થિનીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું

સુરત શહેર આમ તો ક્રાઈમ કેપિટલ બનવા તરફ આગળ વધી રહ્યું છે, પણ સાથે એવા કિસ્સા પણ સામે આવી રહ્યા છે કે જેનાથી લાગે કે સાચા અર્થમાં દાનવીર કર્ણની નગરી બની રહી છે. સુરતથી 28મા ધબકતા હૃદયનું દાન કરાયું છે. બ્રેનડેડ ઈલાબેન પટેલના પરિવારના એક નિર્ણયના કારણે એક-બે નહીં પણ સાત-સાત લોકોને જીવનદાન મળ્યું છે. સુરતથી ધબકતું હૃદય 1610 કિમીનું અંતર 180 મિનિટમાં કાપીને ચેન્નઈની 15 વર્ષની વિદ્યાર્થિનીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

આ અંગેની વિગત એવી છે કે, 27 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 કલાકે કોળી સમાજના ઇલાબેન પટેલને ચક્કર તેમજ ખેંચ આવતાં તેઓ બેભાન થઇ ગયાં હતાં. શહેરની વિનસ હોસ્પિટલમાં ડૉ.નિખિલ જરીવાલાની દેખરેખ હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. નિદાન માટે ન્યૂરોસર્જન ડૉ. ધવલ પટેલે CT સ્કેન કરાવતાં મગજની નસ ફાટી જવાથી લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું. 29 સપ્ટેમ્બરના રોજ તબીબોએ ઇલાબેનને બ્રેનડેડ જાહેર કર્યાં. તબીબોએ ઈલાબેનના પરિવારને અંગદાન માટે સમજાવ્યા હતા. ઈલાબેનના દિયર પુષ્પેન્દ્રભાઈ અને તેમના મિત્ર બિપિનભાઈએ અંગદાનની પ્રક્રિયા સમજી હતી. આખરે પરિવારના સભ્યો અંગદાન માટે રાજી થયા હતા.

જેમાં ચેન્નાઈની હોસ્પિટલના ડોક્ટરોની ટીમે સુરત આવી હૃદય અને ફેફસાનું દાન સ્વીકાર્યું હતું. બાદમાં કિડની અને લિવરનું દાન અમદાવાદની ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર ના ડોક્ટરો તેમની ટીમે આવી સ્વીકાર્યું હતું અને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના સ્વીકાર્યું હતું.

સુરતથી ચેન્નઈનું 1,610 કિ.મી.નું અંતર ફક્ત 180 મિનિટમાં કાપીને ચેન્નઈની એમજીએમ હોસ્પિટલમાં દિલ્હીની 15 વર્ષીય વિદ્યાર્થીનીમાં હૃદયનું ટ્રાન્સ્પ્લાંટ કરવામાં આવ્યું હતું. જ્યારે ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં મુંબઈની 61 વર્ષીય મહિલામાં કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે સુરતથી ચેન્નઈ કારમાં જવું હોય તો 30 કલાકથી પણ વધારે સમય લાગે છે. ટ્રેનમાં 32 કલાક જેટલો સમય લાગે છે. પણ આ કામ માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો, તેના લીધે આ અંગદાનની પ્રક્રિયા ઝડપથી પૂરી કરી શકાઈ હતી.

દાનમાં મેળવવામાં આવેલી બંન્ને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીમાં નિયમાનુસાર અમદાવાદની ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીસ અને રિસર્ચ સેન્ટરમાં ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 369 કિડની, 150 લીવર, 7 પેન્ક્રીઆસ, 28 હૃદય, 6 ફેફસાં અને 272 ચક્ષુઓ કુલ 832 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 766 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે.

You cannot copy content of this page