Only Gujarat

Gujarat

ન્યૂઝીલેન્ડથી એમએસસી આઈટીનો અભ્યાસ કરીને આવ્યો હતો નીરવ, લોકડાઉનમાં નોકરી ગુમાવી અને…

અમદાવાદના M.sc આઈટી યુવકની લોકડાઉનમાં નોકરી ગઈ. દેવુ વધી જતાં સ્થિતિ એટલી ખરાબ થઈ કે લૂંટનો પ્લાન બનાવ્યો. આ માટે પહેલા ક્રાઈમ વેબ સિરીઝ જોઈ. ત્યારબાદ કિડની સ્પેશિયાલિસ્ટ દૂરના કાકાના ઘરે લૂંટનો પ્લાન ઘડ્યો. આ માટે પહેલા બાઈકની ચોરી કરી ત્યારબાદ સોલા વિસ્તારમાં કાકાના બંગલે જઈ લૂંટ ચલાવી. પરંતુ CCTVએ ભાંડો ફોડી નાખ્યો. CCTVમાં અડધા રસ્તા સુધી બાઇક દેખાતી પણ પછી પોલીસને માલૂમ પડ્યું કે આરોપી કપડાં અને બાઇક બદલતો હતો.

જો કે પોલીસે ભણેશરી અને ચાલાક લૂંટારાને આખરે ઝડપી લીધો. પણ તે લૂંટારું કેમ બન્યો તે વાત જ્યારે સાંભળી ત્યારે પોલીસ પણ વિચારતી થઈ ગઈ હતી. નીરવ શિક્ષકનો પુત્ર છે અને ન્યૂઝીલેન્ડથી એમએસસી આઈટીનો અભ્યાસ કરીને આવ્યો હતો.

આ ઘટનાની વિગત એવી છે કે, અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા સોમવિલા બંગ્લોઝમાં 28 સપ્ટેમ્બરે લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં ડોક્ટર પરિવારના સભ્યોને બંધક બનાવી છરીની અણીએ રૂપિયા 52 હજારની લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટના બનાવની સોલા પોલીસે તપાસ કરી હતી.

CCTV ફૂટેજ સહિતના પૂરાવાના આધારે લૂંટના એક આરોપી નિરવ પટેલની ધરપકડ કરી છે. નિરવની પૂછપરછ કરતા આંખ ઉઘાડનારી હકીકત સામે આવી છે. આરોપીએ લૂંટ પહેલા એક બાઈકની ચોરી કરી હતી. ઉપરાંત લૂંટમાં પોલીસને ચકમો આપવા ત્રણ વખત કપડા પણ બદલ્યા હતા.

નિરવ પટેલની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, તેણે M.sc આઈટી સુધીનો અભ્યાસ કર્યો છે અને પહેલા રિલાયન્સ ઇન્સ્યોરન્સમાં નોકરી કરતો હતો. પરંતુ લૉકડાઉન સમયે તેને નોકરીથી હાથ ધોવા પડ્યા. આર્થિક સંકડામણ વધી જતા દૂરના કાકા અને કિડની સ્પેશિયાલિસ્ટ એવા પ્રકાશ દરજીના ઘરે લૂંટનું કાવતરું રચ્યું હતું.

લૂંટનો પ્લાન એકદમ પરફેક્ટ બને તે માટે તેણે ક્રાઈમની સિરિયલ અને વેબ સિરીઝ જોઈ હતી. આધારે લૂંટ પહેલા અને લૂંટ બાદ આયોજનપૂર્વક બાઈક ચોરી કરી કપડાં બદલી લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસને બાઈક ચોરી કરતા અને બનાવ બાદના CCTV મળતા પોલીસ આરોપી સુધી પહોંચી હતી.

પ્રેમ લગ્ન કરી સુખી જીવન જીવનાર અને ફરવાનો શોખીન નિરવ સામાન્ય પરિવામાંથી આવે છે. લોકડાઉન પહેલા તે સામાન્ય જીવન જીવતો હતો. જો કે, લોકડાઉન સમયે સર્જાયેલી આર્થિક તંગી એ નિરવને એક કાવતરાખોર લૂંટારૂ બનાવી દીધો. પૈસાની જરુરિયાત માટે લૂંટ જેવા ગંભીર ગુનાને અંજામ અપાયો. ત્યારે સવાલ એ છે કે લૂંટની ઘટનામાં જવાબદાર નિરવ છે કે પછી લોકડાઉન બાદ સર્જાયેલી આર્થિક તંગી ? હાલ તો નિરવની આપવીતી સાંભળી પોલીસ પણ વિમાસણમાં છે. એક તરફ કાયદો છે તો બીજી તરફ માનવતા.

You cannot copy content of this page