Only Gujarat

FEATURED National

પડોશીઓની શરમજનક હરકત, કોરોના દર્દીનું નિધન થતાં કરી એવી હરકત કે CM થયા આકરા પાણીએ!

શ્રીકાકુલમ: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમથી માનવતાને શરમજનક કરતી ઘટના સામે આવી છે. કોરોના વાઈરસથી પીડિત 2 લોકોના મોત બાદ તેમના મૃતદેહોને ખોદકામ કરતા જેસીબી મશીન થકી સ્મશાનગૃહ પહોંચાડવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાઈરલ થવાની સાથે જ લોકોએ આકરી ટીકા કરી હતી, જે પછી રાજ્ય સરકાર પણ સફાળી જાગી હતી.

આંધ્ર પ્રદેશના સીએમ વાઈએસ જગનમોહન રેડ્ડીએ આ ઘટના અંગે દુ:ખ અને નારાજગી વ્યક્તિ કરતા જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આટલું જ નહીં સીએમે રેડ્ડીએ શોક વ્યક્ત કરતા કહ્યું કે,‘આ ઘટના માત્ર ટીકા કરવા લાયક નથી પરંતુ આ અમાનવીય અને પ્રોટોકોલની પણ વિરુદ્ધ છે. જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે.’સીએમના આદેશ બાદ સંબંધિત મ્યુનિ. પ્રમુખ અને એક અન્ય અધિકારીને સસ્પેન્ડ કરવામા આવ્યા.

ટ્વિટર પર સીએમ જગન મોહન રેડ્ડીએ કહ્યું કે,‘આ માનવતા દેખાડવાનો સમય છે, પરંતુ જે રીતે આ કામ કરવામાં આવ્યું તેનાથી મને આઘાત લાગ્યો છે. આવી ઘટના ફરી ક્યાંય જોવા ના મળવી જોઈએ. જવાબદાર લોકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.’

એક અહેવાલ અનુસાર, કોરોના પીડિતોના નિધન બાદ પાડોશીઓ દ્વારા મૃતદેહ લઈ જવા માટે એમ્બયુલન્સની રાહ જોવાનો પણ ઈન્કાર કરવામા આવ્યો હતો, જે પછી ત્યાં હાજર કર્મચારીઓએ જેસીબી વડે મૃતદેહ લઈ જવાનો નિર્ણય કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. જે પછી વિપક્ષે દોષી કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી.

You cannot copy content of this page