Only Gujarat

Gujarat TOP STORIES

આ યુવકે સરકારી યોજનાઓની માહિતી આપતી લગ્નની કંકોત્રી છપાવી, જાણો કારણ રસપ્રદ છે

અમરેલી: હાલ લગ્નની સિઝન ચાલી રહી છે જેમાં રોજ હજારોની સંખ્યાંમાં લગ્ન થઈ રહ્યાં છે જ્યારે લોકો લગ્નને યાદગાર બનાવવા માટે પણ કંઈક હટકે આયોજન કરતાં હોય છે. ત્યારે સાવરકુંડલા તાલુકાના નાનકડાં ગાધકડા ગામના યુવકે લગ્નને યાદગાર બનાવવા માટે એક અદભુત કંકોત્રી બનાવી છે. 9 ફેબ્રુઆરીએ પ્રભુતામાં પગલાં માંડનાર સંકેત સાવલિયાએ વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપતી લગ્ન કંકોત્રી બનાવીને એક અનોખી પહેલી શરૂ કરી છે. આ કંકોત્રી જોતાં એક નજરે એવું લાગે કોઈ સરકારી ફાઈલ જોઈ રહ્યાં હોય. આ કંકોત્રીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. સંકેત અને તેની ફિયાન્સીએ ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

પોતાની લગ્ન કંકોત્રી અંગે વાત કરતાં સંકેત સાવલિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં વર્ષોથી ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ, આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ માટે અસંખ્ય યોજનાઓનો અમલ કરવામાં આવ્યો છે પરંતુ નાના-નાના ગામડાંઓમાં અશિક્ષિત વર્ગ સુધી આવી યોજનાઓ ઘણીવાર પહોંચી શકતી નથી. અમારા માતા-પિતા સહિત પરિવારજનોના ઘણાં સભ્યો સંપૂર્ણ રીતે અશિક્ષિત હોવાથી આ તકલીફોથી વાકેફ છીએ.

વધુમાં સંકેતે જણાવ્યું હતું કે, એમને પડતી મુશ્કેલીઓએ મને શિક્ષણ અને સમાજમાં કંઈક યોગદાન આપવાની પ્રેરણા આપી છે. મારી લગ્ન કંકોત્રી મારા શિક્ષક મિત્રોએ ફેસબુક, વોટ્સઅપ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરી હોવાથી આજે અસંખ્ય લોકો સુધી પહોંચી ગઈ છે. જો આ કંકોત્રી બધાં લોકોમાંથી માત્ર 10% લોકોને કંઈ મદદરૂપ થશે તો હું મારા પ્રયત્નોને સફળ માનીશ.

સંકેત સાવલિયાએ પ્રાથમિક શાળામાં અભ્યાસ મેળવ્યો હતો ત્યાર બાદ અમદાવાદથી બી.કોમ અને એમ.કોમ કર્યું છે અને હાલ સમાજ કાર્યમાં માસ્ટર ડિગ્રી મેળવી રહ્યો છે. આ સાથે સંકેત હાલ IIMની એજ્યુકેશનલ ઈનોવેશન બેંકમાં પ્રોજેક્ટ એન્ડ રિસર્ચ એસોસિએટ તરીકે કામ કરે છે. (લગ્નની કંકોત્રી જોવા અહીં ક્લિક કરો)

પોતાના કામને લીધે તે ઘણીવાર શ્રેષ્ઠ શૈક્ષણિક કાર્ય કરતી શાળાઓ તેમજ શિક્ષણ સંસ્થાનોની મુલાકાત લેવાની હોય છે. આ લગ્ન કંકોત્રીમાં સંકેત સાવલીયાએ માં અમૃતમ યોજના, માં વાત્સલ્ય યોજના, શૈક્ષણિક અભ્યાસ યોજના, વિદેશ અભ્યાસ લોન માટેની યોજના, ભોજન બિલ સહાય, વિવિધ ઉચ્ચ અભ્યાસ માટેની કોચિંગ સહાય અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે તાલીમ સહાય સહિતની તમામ વિગતો છપાવી છે. તેઆ ઉપરાંત ધોરણ 10 અને 12 પછી અભ્યાસ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું છે.

આ ઉપરાંત લોકોને વધુ ઉપયોગી એવા આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ જેવા તમામ કાર્ડ કઢાવવાની લિંક પણ કંકોત્રીમાં છપાવી છે. આ ઉપરાંત ગુજરાતમાં શ્રેષ્ઠ કાર્ય કરતી શાળાઓના શ્રેષ્ઠ ઉદાહરણોની તસવીરો સહીતની સંપૂર્ણ માહિતી પણ રસપ્રદ રીતે પુરી પાડી છે. (લગ્નની કંકોત્રી જોવા અહીં ક્લિક કરો)

આ લગ્ન કંકોત્રીના છેલ્લા બે પાનાં ખુબ જ ખાસ છે. એક પાનામાં દરેક પિતાએ પોતાની દીકરી માટે લેવાની થતી પ્રતિજ્ઞા છે અને છેલ્લા પાનામાં એક દીકરી માટે સંદેશ છે કે, ભણીશ-ગણીશને કોઈ કામ કરીશ, હું પણ દુનિયામાં મારું નામ કરીશ, દીકરી છું તો શું થયું, હું પણ મારી જિંદગી જીવીશ.

(લગ્નની કંકોત્રી જોવા અહીં ક્લિક કરો)

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page