Only Gujarat

FEATURED National

10-10 વર્ષ પછી મળ્યો છુપાયેલો અબજોનો ખજાનો, જાણો કોને હાથ લાગ્યો?

ન્યૂયોર્ક: વિશ્વભરમાં કળાકૃતિઓ અને કિંમતી વસ્તુઓ શોધનાર ટ્રેઝર હંટરનો કરોડોનો ખજાનો એક દાયકા બાદ મળી ગયો છે. આ ખજાનો રૉકી માઉન્ટેન્સમાં મળ્યો. તેને ટ્રેઝર હંટર ફૉરેસ્ટ ફેને છુપાવ્યો હતો. ફેને કહ્યું કે, હવે આ ખજાનો પૂર્વની તરફથી આવેલા એક વ્યક્તિએ શોધી બતાવ્યો. તેણે મને ખજાનાની તસવીરો મોકલી હતી. 89 વર્ષીય ફૉરેસ્ટ ફેને 10 વર્ષ અગાઉ તાંબાના બોક્સમાં સોનું, ઘરેણાં અને કિંમતી વસ્તુઓ રાખી રૉકી માઉન્ટેસમાં છુપાવી દીધું હતું.


ફૉરેસ્ટ ફેને કહ્યું કે,‘મને એક વ્યક્તિએ ખજાનાની તસવીરો મોકલી છે, પરંતુ તે પોતાનું નામ જાહેર કરવા માગતો નથી. આ બોક્સમાં એક મિલિયન યુએસ ડૉલર એટલે કે અંદાજે 7.54 કરોડ રૂપિયાનો ખજાનો છે.’ ખજાનો શોધવા માટે ફૉરેસ્ટ ફેને 24 લાઈનની કવિતા લખી હતી. તેમાં ખજાનો શોધવા માટેના સંકેત આપેલા હતા. આ કવિતા તેમણે પોતાની ઓટોબાયોગ્રાફી ‘ધ થ્રિલ ઓફ ધ ચેસ’માં પણ હતી. કવિતાને તેમણે તાજેતરમાં ઓનલાઈન પોસ્ટ કરી હતી.


અમેરિકન રૉકી માઉન્ટેન્સમાં હજારો લોકોએ ખજાનો શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ અસફળ રહ્યાં. જે વ્યક્તિએ ખજાનો શોધ્યો તેને સંપૂર્ણ કવિતા યાદ હતી. તે દરેક શબ્દ અને સંકેતો સમજી રહ્યો હતો. ફૉરેસ્ટ ફેને કહ્યું કે, આ ખજાનો શોધવા દરમિયાન 4 લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો. પરંતુ ખજાનો શોધી શક્યા નહીં.

આ તાંબાના બોક્સમાં સોનાનો પાઉડર, સિક્કા, સોનાની હથોડી, પ્રીહિસ્ટોરિક મિરર, પ્રી-કોલમ્બિયન એનિમલ ફિગર્સ જેવી વસ્તુઓ હતી. બોક્સની અંદર કિંમતી પથ્થર અને રત્ન જેમકે હિરા-માણેક પણ હતા. ફૉરેસ્ટે જણાવ્યું કે, તે બોક્સનું વજન 9 કિલોગ્રામ છે અને બોક્સની અંદરના ખજાનાનું વજન 10 કિલોગ્રામ, એટલે કે કુલ વજન 19 કિલો છે.


ખજાનો કોઈએ શોધી લીધો તે અંગે ફૉરેસ્ટે કહ્યું કે, ‘ખજાનો શોધનાર માટે મને ખુશી પણ થઈ રહી છે અને ખજાનો ગુમાવવાનું દુ:ખ પણ થઈ રહ્યું છે. પરંતુ આ જીવનનો ભાગ છે. હું તે તમામ લોકોનો આભાર માનું છું જેમણે ખજાનો શોધવાનો પ્રયાસ કર્યો. જે વ્યક્તિએ ખજાનો શોધ્યો તે કવિતાઓનો પ્રેમી તો છે જ, પરંતુ તેનું મગજ સંકેતોને સમજવામાં માહેર છે. તેથી તેણે ખજાનો શોધી લીધો. હું તેને આ સફળતા અંગે શુભકામનાઓ પાઠવું છું’

You cannot copy content of this page