Only Gujarat

Bollywood

21 વર્ષ પહેલાં મરતા મરતા માંડ બચી હતી શાહરુખની આ એક્ટ્રેસ, જાણો શું થયું હતું?

મુંબઈઃ શાહરુખ ખાન સાથે 23 વર્ષ પહેલા ફિલ્મ ‘પરદેસ’થી ડેબ્યૂ કરનારી ફિલ્મ અભિનેત્રી મહિમા ચૌધરી હવે ફિલ્મોમાંથી ગાયબ છે. મહિલા છેલ્લે વર્ષ 2016માં આવેલી ફિલ્મ ‘ડાર્ક ચોકલેટ’માં જોવા મળી હતી. મહિમાની ડેબ્યૂ ફિલ્મ તો હિટ રહી પરંતુ તે બાદ તેનું કરિયર કંઈ ખાસ ના ચાલ્યું. એક એન્ટરટેઈનમેન્ટ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં મહિમાએ પોતાની સાથે થયેલા એ ભીષણ અકસ્માત વિશે જણાવ્યું, જેમાં તે મરતા મરતા બચી હતી.

મહિમાએ જણાવ્યા પ્રમાણે તે, 21 વર્ષ પહેલા એટલે કે 1999માં અજય દેવગન અને કાજોલ સાથે ફિલ્મ ‘દિલ ક્યા કરે’નું શૂટિંગ કરી રહી હતી. આ દરમિયાન બેંગલુરુમાં તેની સાથે ખતરનાક અકસ્માત થયો.

એક અકસ્માતમાં એક ટ્રકે મહિમાની કારને એવી જબરદસ્ત ટક્કર મારી કે ગાડીનો કાચ તૂટી ગયો અને તેના અનેક ટૂકડા મહિમાના ચહેરા પર ખૂંપી ગયા. મહિમાના પ્રમાણે, એ ક્ષણે તો તેને લાગ્યું કે તે બચશે જ નહીં અને કોઈએ પણ તેને હૉસ્પિટલ પહોંચવામાં મદદ ન કરી.

જોકે પછી તેની માતા તથા અજય દેવગન ત્યાં આવ્યા હતાં અને તેને હોસ્પિટલ ભેગી કરી હતી. જ્યારે તેને હોશ આવ્યો અને તેણે અરીસામાં તેનો ચહેરો જોયો તો ડરી ગઈ હતી. ડોક્ટરે તેના ચહેરામાંથી 67 કાચના નાના નાના ટુકડા કાઢ્યાં હતાં.

મહિમાએ જણાવ્યું કે, સર્જરી બાદ તે એક રૂમમાં પૂરાઈ રહેતી હતી. તે તડકામાં બહાર નીકળતી નહીં. તેના રૂમમાં અરીસો પણ નહોતો. તેને એ હદે ડર લાગ્યો હતો કે તેને ફિલ્મમાં કોઈ લેશે નહીં.

મહિમાના જણાવ્યા પ્રમાણે, એ દરમિયાન તેની અનેક ફિલ્મો લાઈન-અપ હતી અને તે નહોતી ઈચ્છતી કે કોઈ પણ રીતે લોકોને ખબર પડે. કારણ કે તે સમયે લોકો સપોર્ટિવ નહોતા. જો તે સમયે એ કોઈને કહેત કે તેના ચહેરા પર અસંખ્ય ઘાના નિશાન છે તો લોકો એમ જ કહેત કે આનો ચહેરો ખરાબ થઈ ગયો છે, બીજા કોઈને સાઈન કરી લઈએ.

મહિમાના મતે, નીતા લુલ્લાએ સની દેઓલની ફિલ્મ ‘પ્યાર કોઈ ખેલ નહીં’માં એક ગીતના શૂટિંગ માટે તેનો ઉત્સાહ વધાર્યો હતો. અક્ષય કુમારે પણ તેની ફિલ્મ ‘ધડકન’ના એક ગીતના શૂટિંગ માટે તેને મનાવી. આ સમયે તે બધાથી છુપાઈને રહેતી હતી. તેના પરિવારે તેને વિશ્વાસ અપાવ્યો.

13 સપ્ટેમ્બર, 1973માં દાર્જિલિંગમાં જન્મેલી મહિમાનું ટેનિસ પ્લેયર લિએન્ડર પેસ સાથેનું અફેર ઘણું ચર્ચામાં રહ્યું. બંનેએ લગભગ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા. કહેવાય છે કે પેસના ચક્કરમાં મહિમાએ પોતાનું કરિયર દાવ પર લગાવી દીધું. જોકે બાદમાં 2005માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

મહિમાએ પેસને લઈને પોતાના એક ઈન્ટરવ્યૂમાં ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “લિએન્ડરે તેને દગો આપ્યો હતો. તે એક સારા ટેનિસ પ્લેયર છે પણ સારા વ્યક્તિ નથી. જ્યારે તેને ખબર પડી કે તેમની આસપાસ કોઈ બીજું વ્યક્તિ (રિયા પિલ્લઈ) છે તે જાણીને તેને નવાઈ લાગી હતી. લિએન્ડરના જવાથી તેના જીવનમાં કોઈ ફેર પડ્યો નથી. તે વધુ પરિપક્વ થઈ ગઈ હતી.

લિએન્ડર સાથેના બ્રેકઅપ બાદ 2006માં મહિમાએ બિઝનેસમેન બૉબી મુખર્જી સાથે લગ્ન કરી લીધા. લગ્નના કેટલાક દિવસો બાદ જ મહિમાએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. એવામાં મીડિયામાં એવી ખબરો હતી કે તે લગ્ન પહેલા પ્રેગનેન્ટ થઈ ગઈ હતી અને જલ્દી-જલ્દીમાં તેણે લગ્ન કર્યા હતા. આ બંનેની દીકરીનું નામ આર્યના છે. જોકે 2013માં મહિમા અને બૉબીના છૂટાછેડા થઈ ગયા હતાં.

બૉબીથી અલગ પડ્યા બાદ મહિમા સિંગલ મધર બનીને જ દીકરીનો ઉછેર કરી રહી છે. સિંગલ મધર હોવાના કારણે મહિમાનો મોટાભાગનો સમયે દીકરીને સંભાળવામાં જતો હતો. ખર્ચ કાઢવા માટે મહિમાએ 2014માં ‘ટિકટ ટૂ બૉલીવુડ’માં જજ તરીકે કામ કર્યું હતું. સાથે જ તે નાના-મોટા ફંક્શનોમાં પણ જવા લાગી હતી.

મહિમાએ ‘પરદેસ’ સાથે ‘દિલ ક્યા કરે'(1999), ‘દાગઃ ધ ફાયર'(1999), ‘લજ્જા'(2001), ‘ધડકન'(2000), ‘બાગબાન'(2003), ‘સેન્ડવિચ'(2006), ‘દિલ હૈ તુમ્હારા'(2002), ‘સેહર'(2005) સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. જે છેલ્લે 2016માં આવેલી ફિલ્મ ‘ડાર્ક ચૉકલેટ’માં નજર આવી હતી. જેમાં તેણે ઈન્દ્રાણી બેનર્જીની ભૂમિકા નિભાવી હતી.

You cannot copy content of this page