લગ્નના બે મહિના બાદ જ વહુએ ગન સાથે લીધી સેલ્ફી, અચાનક જ દબાઈ ગયું ટ્રિગર અને…

હરદોઈઃ ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં એક મહિલા ગન સાથે ફોટો ક્લિક કરાવતી હતી. અચાનક જ ગોળી વાગતા શંકાસ્પદ સંજોગોમાં તેનું મોત થયું હતું. સાસરીયાએ એવો દાવો કર્યો છે કે ટ્રિગર અચાનક દબાઈ જતાં મોત થયું છે તો પિયરનો આક્ષેપ છે કે દીકરીના મોત માટે સાસરીયા જવાબદાર છે. દહેજ માટે ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે.


શું છે સમગ્ર ઘટનાઃ શાહાબાદ કોતવાલીની ગલી ખત્તાજમાલખાનની આ ઘટના છે. અહીંયા આકાશ ગુપ્તાની પત્ની રાધિકાનું ગોળી વાગવાથી મોત થયું છે. તેની બંદૂક સાથેની તસવીર સો.મીડિયામાં વાઇરલ થઈ છે. ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે, રાધિકાના લગ્ન હજી બે મહિના પહેલા જ થયા હતા. પરિવારનો આક્ષેપ છે કે દહેજ માટે દીકરીની હત્યા કરવામાં આવી હતી. પોલીસ પતિ, સાસુ, સસરા, જેઠ સહિત કેટલાંક અજ્ઞાત લોકો પર કેસ કર્યો છે. FIR પ્રમાણે, પિતાનો આરોપ છે કે સાસરીયાએ દીકરી પાસે દહેજમાં 2 લાખ રોકડા રૂપિયા માગતા હતા.


રિપોર્ટ પ્રમાણે, રાધિકાનું જે ગન વાગવાથી મોત થયું તે ગન તેના સસરાની હતી. પંચાયત ચૂંટણીમાં ગન જમા કરાવી હતી. ત્યારબાદ હવે સસરા તે લઈને આવ્યા હતા. એક કલાક બાદ ગનમાંથી ગોળી વાગી અને રાધિકા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. રાધિકાને ગળામાં ગોળી આરપાર થઈ ગઈ હતી. પરિવાર તેને શાહાબાદના સ્વાસ્થ્ય કેન્દ્ર પર લઈ ગયો હતો. જોકે, ડૉક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી.


કેસને ગંભીરતાથી લઈને પોલીસ તથા સીએ સતેન્દ્ર સિંહ ફોરેન્સિક ટીમ સાથે ઘટના સ્થળે આવ્યા હતા. ગન તથા રાધિકાનો મોબાઈલ જપ્ત કર્યો છે. તમામ એંગલથી તપાસ થઈ રહી છે.


એસપી કપિલ દેવ સિંહે કહ્યું હતું કે શાહાબાદમાં પતિ પત્ની સેલ્ફી લેતા હતા તે સમયે ગોળી વાગી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં મહિલાનું મોત થયું છે. મહિલાના પરિવારે દહેજ હત્યાનો કેસ કર્યો છે. જોકે, પોલીસ તમામ તથ્યોની તપાસ કરે છે. મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે. ફોરેન્સિક ટીમ પણ તપાસ કરે છે. આ ઉપરાંત બંદૂકની પણ તપાસ કરવામાં આવશે.

You cannot copy content of this page