Only Gujarat

International

અંતિમ સંસ્કાર કરે એ પહેલા જ મહિલા બેઠી થઈ ને મચી ગઈ અફરાતફરી

ન્યુયોર્ક : અમેરિકાના ન્યુયોર્કમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં મહિલા તેના અંતિમ સંસ્કાર પહેલા જીવતી બેઠી થતા અંતિમ દર્શન માટે આવેલા તેના સ્વજનો ગભરાઈ ગયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ન્યુયોર્કના હોસ્પિટલે મહિલાને મૃત ઘોષિત કરી દીધાના ૩ કલાક બાદ તે જીવતી બેઠી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ન્યુયોર્કના લોંગ આઈલેન્ડના પોર્ટ જેફરસનમાં આવેલા નર્સિગ હોમે ૮૨ વર્ષીય મહિલાને મૃત ઘોષિત કરી હતી. જે બાદ તેમને નજીક આવેલા ઓબી ડેવિસ અંતિમ સંસ્કાર ગૃહમાં લઈ જવામાં આવી હતી. ત્યાં પહોચ્યાના અડધા કલાક બાદ મહિલા બેઠી થઈ જતા હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ મામલાની ગંભીરતાને જોતા ન્યુયોર્કના તંત્રએ સમગ્ર મામલાની તપાસ અટોર્ની જનરલને સોંપી દીધી છે. અમેરિકામાં આ પહેલો કિસ્સો નથી જ્યારે મૃત ઘોષિત મહિલા જીવિત થઈ છે. થોડા દિવસ પહેલા ૬૬ વર્ષીય મહિલાને આયોવાના હોસ્પિટલે મૃત ઘોષિત કરી હતી. ત્યારબાદ આ મહિલા શબગૃહમાં રાખેલા બેગની અંદરથી જીવતી મળી આવી હતી.

આયોવાના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ અપીલ્સ દ્વારા પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, ત્યારબાદ મહિલાને ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં થોડા દિવસ બાદ તે મૃત્યુ પામી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, લાપરવાહીના આરોપસર હોસ્પિટલ પર રૂપિયા ૮,૨૫,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે.

You cannot copy content of this page