Only Gujarat

Business

વિદેશમાં વ્હાઈટ કોલરની જોબ છોડી ભારતમાં શરૂ કર્યો બિઝનેસ, આજે કરે છે લાખોની કમાણી

માધવી, ફાર્મસી અને જિનેટિક્સમાં માસ્ટર્સ, અને મિકેનિકલ એન્જિનિયર વેણુગોપાલ મૂળ હૈદરાબાદના રહેવાસી છે. વર્ષ 2003 પહેલા, આ દંપતી નોકરી માટે બેંગકોકમાં, મલેશિયા, સિંગાપોર અને પછી યુનાઇટેડ સ્ટેટ્સમાં રહ્યા છે. જ્યારે બાળકો મોટા થવા લાગ્યા, ત્યારે તેઓને લાગ્યું કે જો બાળકો પરદેશમાં ઉછરે તો તેઓ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાશે નહીં. આવી સ્થિતિમાં તેમણે પોતાના દેશમાં પાછા ફરવાનું નક્કી કર્યું. 2003માં તેઓ હૈદરાબાદ સ્થાયી થયા હતા.

એક દિવસ હૈદરાબાદ પરત ફર્યા બાદ, માધવીએ તેના સોસાયટીની બહાર પ્લાસ્ટિકની પ્લેટ-બાઉલોનો ઢગલો જોયો, જ્યાં કેટલીક ગાય ખોરાક શોધી રહી હતી. થોડા દિવસો પછી, જાણવા મળ્યું કે ખોરાક સાથે પ્લાસ્ટિક ખાવાથી એક ગાયનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી તે બંનેને ખૂબ જ દુખ થયું, ત્યારબાદ તેમને પ્લાસ્ટિક પ્લેટ-બાઉલ્સના કાઈ ઇકોફ્રેન્ડલી વિકલ્પો શોધવાનો વિચાર આવ્યો.

આમ, 2019માં તેમણે વિસત્રાકુની શરૂઆત કરી, જ્યાં માધવી અને વેણુ સાલ, સીઆલી અને પલાશના પાનમાંથી 7 પ્રકારની ઈકો-ફ્રેન્ડલી પ્લેટો અને કટોરીઓ તૈયાર કરીને પર્યાવરણ સંરક્ષણમાં ફાળો આપી રહ્યા છે. તેલુગુ ભાષામાં વિસત્રાકુનો અર્થ પત્તલ થાય છે.

માધવી કહે છે કે, ‘અમેરિકાથી પાછા ફર્યા બાદ અમે અમારી બચતમાંથી તેલંગાણાનાં સિદ્દિપેટમાં 25 એકર જમીન ખરીદી હતી. અહીં અમે 30થી વધારે પ્રકારનાં ફળોનાં 12 હજારથી વધારે ઝાડ લગાવ્યા હતા. ખેતરમાં આમારું ઘણીવાર આવવા જવાનું રહેતું હતુ. અમારા ખેતરમાં ઘણા પલાશનાં પણ ઝાડ છે. અને એક દિવસ વાતો વાતોમાં મારી માતાએ જણાવ્યુકે, પલાશનાં પાનમાંથી પહેલાં પત્તલ બનાવવામાં આવતા હતા. ત્યારબાદ મે અને વેણુએ પલાશનાં કેટલાંક પાન એકત્ર કરીને તેની પ્લેટ બનાવવાના પ્રયાસો કર્યા હતા. અમને સફળતા તો મળી પરંતુ પ્લેટ્સ ઘણી નાની હતી.

પર્યાવરણ પ્રત્યે જાગૃત એવા વેણુગોપાલ કહે છે, “ફેસબુક ગ્રુપ પર મને ખબર પડી કે, ઓડિશામાં આદિવાસી સમુદાયો હજી પણ સાલ અને સીયાલીના પાંદડામાંથી આવા પત્તલ બનાવે છે અને તેમને ખલીપત્ર કહે છે. તે પછી સમજાયું કે ઈકો-ફ્રેન્ડલી પ્લેટો, દોના વગેરે હજી પણ બનાવવામાં આવે છે. પરંતુ તેમનો ઉપયોગ ઓછો થઈ ગયો છે અને તેની જગ્યાએ સિંગલ-યુઝ પ્લાસ્ટિકની ક્રોકરીએ લઈ લીધી છે.

આ પછી, મેં આ વિશે ઘણા નેચરોપેથ સાથે પણ વાત કરી, તેઓએ કહ્યું કે પલાશ અથવા સાલ પત્તલ પર ખોરાક ખાવાથી ફક્ત પર્યાવરણ જ નહીં પરંતુ આપણા સ્વાસ્થ્ય ઉપર પણ સારો પ્રભાવ પડે છે. જ્યારે પ્લેટ પર ખોરાક પીરસવામાં આવે છે, ત્યારે તે ખોરાકમાં કુદરતી સ્વાદ ભરે છે અને જંતુઓ અને કરોળિયા પણ તેનાથી દૂર ભાગી જાય છે.

આ જાણ્યા પછી, વેણુગોપાલે એક ઓડિશાનાં એવા સપ્લાયરનો સંપર્ક કર્યો, જે આદિવાસી સમુદાયોના ઉત્થાન માટે કામ કરતો હતો. હવે તેઓ ઓડિશાથી સીયાલી અને સાલ અને તેલંગાણાથી પલાશના પાંદડાઓનો ઓર્ડર મંગાવે છે. હાલમાં, તેમણે તેમના ખેતરમાં જ આ પાંદડામાંથી પાનની પ્લેટો બનાવવા માટે એકમ લગાવ્યુ છે, જ્યાં તે પત્તલ અને બાઉલ બનાવે છે.

વેણુ અને માધવીએ તેમના પોતાના સમાજમાંથી આ ઈકોફ્રેન્ડલી, સસ્ટેનેબલ અને પ્રાકૃતિક પ્લેટોનું માર્કેટિંગ શરૂ કર્યું. જે બધા મિત્રો અને સંબંધીઓએ આ કાર્યક્રમોમાં આ પ્લેટોનો ઉપયોગ કર્યો હતો, બધાએ તેમના વિશે સોશિયલ મીડિયા પર લખ્યું હતું અને આમ તેમની પહેલને માન્યતા મળવાનું શરૂ થયું હતું. વેણુગોપાલ જણાવે છે કે હવે તેના ઉત્પાદનો ભારત તેમજ અમેરિકા અને જર્મની જઇ રહ્યા છે. તેમનું કહેવું છે કે વિદેશના લોકો ભારત કરતા પર્યાવરણ સંરક્ષણ માટે વધુ જાગૃત છે.

માધવી કહે છે, “2010 માં મને ખબર પડી કે સ્તન કેન્સર છે, મને આશ્ચર્ય થયું કે મને કેન્સર કેવી રીતે થઈ શકે છે. તે સમયે, હું ત્રણ યોગ શિબિર કરી રહી હતી. પછી અચાનક મને લાગવા માંડ્યું કે હું મારા પરિવારથી દૂર જતી રહીશ. મારા બાળકો તે સમયે દસમાં ધોરણમાં હતા અને હું તેમની ઉપર મારી બિમારીનો બોજ નાંખવા માંગતી ન હતી, પરંતુ હું તે બધા સાથે વધુ અને વધુ સમય પસાર કરવા માંગતી હતી.

મારા મનમાં એ વત હતીકે, આ કેન્સર મને પ્રદૂષણને કારણે થયુ છે. તે બાદ મે નક્કી કર્યુ કે, અમે ખેતી કરીશું અને અમે અમારા ખેતરમાં બહુ બધા શાકભાજી અને ફળો ઉગાડ્યા. અહીં ઉગાડેલાં શાકભાજી, ફલો અને અનાજ અમે ખાવા લાગ્યા હતા. મે હસતા હસતા કેન્સરને માત આપી હતી, પરંતુ આ સફરે મને શીખવ્યુ હતુ. અને આ જ કારણે હું પર્યાવરણ સાથે વધારે જોડાઈ ગઈ હતી.

માધવી અને વેણુગોપાલ કહે છે કે તેઓએ ક્યારેય સ્ટાર્ટઅપ વિશે વિચાર્યું ન હતું, પરંતુ જ્યારે તેઓને લાગ્યું હતું કે તેઓ વિસત્રાકુ દ્વારા પર્યાવરણ સંરક્ષણમાં ફાળો આપી શકે છે, ત્યારે તેમને આ ક્ષેત્રે આગળ વધવાનું નક્કી કર્યું છે. શરૂઆતમાં, તેમને યુનિટ સ્થાપવામાં ઘણી મુશ્કેલી હતી પરંતુ તેમણે હાર માની ન હતી.

વેણુગોપાલ કહે છે, ‘વિસત્રાકુ શરૂ થયાને હજી બે વર્ષ થયા હતા. પહેલા વર્ષે માંડ માંડ 3 લાખનો ધંધો થયો હતો. પરંતુ આ નાણાકીય વર્ષમાં અમે 20 લાખ રૂપિયાનો બિઝનેસ કરીશું. અત્યાર સુધીમાં 15 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ગયા મહિને, અમને યુએસ તરફથી મોટો ઓર્ડર મળ્યો છે અને અમે યુ.એસ. માટે એક કન્ટેનર માલ મોકલ્યો છે.

માધવી અને વેણુના યુનિટમાં ગામની 7 છોકરીઓ કામ કરે છે. દરરોજ, આ એકમમાં લગભગ 7 હજાર પાંદડાની પ્લેટો અને બાઉલ્સ બનાવવામાં આવે છે. તેની પ્રક્રિયા અંગે, વેણુગોપાલ જણાવે છે કે આમાં, પહેલા પાંદડા ફૂડ ગ્રેડના દોરાથી સીવવામાં આવે છે અને પછી તેને ફૂડ ગ્રેડ કાર્ડબોર્ડની સાથે મશીનની નીચે રાખી દેવામાં આવે છે.

મશીનનું તાપમાન 60-90 ડિગ્રી સેન્ટીગ્રેડની વચ્ચે હોય છે અને તેને 15 સેકંડનું દબાણ આપવામાં આવે છે જે આ પાંદડાને પ્લેટનો આકાર આપે છે. માધવીનો ઉદ્દેશ છેકે, તે પત્તલ પર ખાવાની સંસ્કૃતિ પાછી લાવે અને લોકોને પર્યાવરણીય સંરક્ષણ માટે જાગૃત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.

You cannot copy content of this page