Only Gujarat

Business TOP STORIES

MBA અને CA ભણેલી આ બે દીકરીઓ કરે છે ફૂલો વેચવાનું કામ, કરે છે લાખોમાં કમાણી

જયપુરઃ એમબીએ અને સીએ કરનારી 2 યુવતીઓ નોકરી છોડી ફુલોના વ્યવસાય સાથે જોડાઈ છે. જયપુરની શિવાની માહેશ્વરી અને વામિકા બેહતીનો લક્ષ્યાંક વેપારને વિદેશ સુધી ફેલાવવાનો છે. શિવાની 23 વર્ષની છે અને તે એમબીએ ગ્રેજ્યુએટ છે. જ્યારે 25 વર્ષીય વામિકા એક ચાર્ટડ એકાઉન્ટન્ટ છે. આ બંને સારી એવી નોકરી છોડી હરિયાણામાં ફુલોની ખેતીનો વ્યવસાય કરી રહી છે. આજે તેઓ આ ખેતીમાં સફળ લોકોમાંથી એક છે.

શિવાનીએ જણાવ્યું કે, 2015માં તેને પ્રથમવાર ફુલોની ખેતી કરવાનો વિચાર આવ્યો. ત્યારે તેને દિલ્હીમાં એકવાર પૉલીહાઉસ ફાર્મિંગ નેટ જોવાની તક મળી. તેણે ત્યાંની અમુક તસવીરો લીધી અને પછી ઈન્ટરનેટ પર ફુલોની ખેતી અંગે રિસર્ચ કરવા લાગી. તે પછી તેની મુલાકાત પોતાની સાથી વામિકા સાથે થઈ. બંનેએ હરિયાણામાં આ વ્યવસાયની શરૂઆત કરી.

ભારતના ફ્લોરિકલ્ચર ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો વાર્ષિક ગ્રોથ 30 ટકાની ઝડપે વધી રહ્યો છે. એસોચૈમ અનુસાર, અમુક વર્ષમાં આ ઈન્ડસ્ટ્રી 10 હજાર કરોડ રૂપિયાને પાર પહોંચી જશે. એવામાં આ ક્ષેત્રે મોટાપાયે વેપારની શક્યતા નકારી શકાતી નથી. ફુલોનો વેપાર શરૂ કરી હરિયાણામાં વામિકા અને શિવાની અન્ય ખેડૂતોની મદદ પણ કરી રહી છે. તેમને ખેતીની પદ્ધતિ, નવી ટેક્નિક અને ફૂલોના વ્યવસાયની બાબતો જણાવી રહી છે.

હરિયાણા ખેતી અને ખેડૂતોના કારણે જાણીતું છે. તેથી બંને યુવતીઓ માટે અહીં ફુલોનો વેપાર શરૂ કરવો સારો અનુભવ રહ્યો. વામિકા પાસે બહાદુરગઢમાં એક ફેક્ટ્રી અને જજર જીલ્લાના તંડાહેરી ગામમાં એક ખાલી જમીન હતી. આ ખાલી જમીન પર તેમણે યુનિસ્ટાર એગ્રો નામથી એક ફાર્મની શરૂઆત કરી હતી.

બંને લિલિયમ, ગેરબેરા, ગુલાબ, રજનીગંધા અને ગ્લેડિયોલસની ખેતી કરી રહ્યાં છે. વામિકાના લગ્ન એક બિઝનેસમેન સાથે થયા છે અને તેને પતિનો આ વેપારમાં સારો સાથ મળી રહ્યો છે. હવે તો હરિયાણા સરકાર પણ તેમને મદદ કરી રહ્યું છે. બંનેને આ વિષયમાં ટેક્નિક પણ સારી રીતે ખબર હોવાથી તેમને મદદ મળી રહી છે. બંને યુવતીઓ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે પણ પ્રોત્સાહન આપી રહી છે.

સરકાર શિવાની અને વામિકાના વેપારને સબસિડી અને ઈન્સેન્ટિવ પણ આપી રહી છે. તેના કારણે અહીંના ઘણા ખેડૂતોને પણ લાભ મળી રહ્યો છે. શિવાની-વામિકા પોતાનો વ્યવસાય ભારતની સાથે સમગ્ર વિશ્વમાં ફેલાવવા માગે છે.

You cannot copy content of this page