Only Gujarat

FEATURED National

પ્રાઈવેટ સ્કૂલને પણ ટક્કર મારે છે આ સરકારી સ્કૂલ, સુવિધાઓ જાણીને આંખો થઈ જશે ચાર

ભદોહીઃ સરકારી સ્કૂલોની શિક્ષણ પદ્ધતિને લઈને અનેક સવાલો ઉઠતા હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશના ભદોહીમાં આવેલી એક સરકારી સ્કૂલના શિક્ષકે પોતાની મહેનત અને લગનથી એક સરકારી સ્કૂલની કાયા પલટી નાખી હતી. ભદોહીના ચિતઈપુર પ્રાથમિક વિદ્યાલય હાલમાં કોન્વેટ સ્કૂલોને ટક્કર આપી રહી છે. આ સરકારી પ્રાથમિક સ્કૂલમાં બાળકો લેપટોપ અને પ્રોજેક્ટરના માધ્યમથી ક્લાસમાં અભ્યાસ કરી રહ્યા છે. આ સ્કૂલમાં પરિવર્તન કોઈ સરકારની યોજનાના કારણે નહીં પરંતુ પ્રાથમિક સ્કૂલના શિક્ષક અરવિંદ પાલના કારણે આવ્યું છે. આ શિક્ષકે પોતાના રૂપિયાથી સ્કૂલને હાઈટેક બનાવી છે. તેમણે પોતાના પગારમાંથી 10 ટેબલેટ ખરીદીને ગામની સ્કૂલમાં અભ્યાસ કરતાં છોકરા-છોકરીઓને આપ્યા અને તેઓને ડિઝિટલ શિક્ષણથી જોડ્યા હતા. આ કામગીરી માટે શિક્ષક અરવિંદને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સન્માનિત કરી ચૂક્યા છે.

ઉત્તર પ્રદેશની સરકારી પ્રાયમરી સ્કૂલોના શિક્ષણની સ્થિતિ કોઈનાથી છૂપી નથી. પ્રાઈવેટ સ્કૂલોમાં મોટી ફી હોવાના કારણે ગરીબ લોકો પોતાના બાળકોને સરકારી સ્કૂલમાં જ ભણાવતા હોય છે. ચિતઇપુર ગામની પ્રાથમિક સ્કૂલના શિક્ષક અરવિંદ પાલે કોઈ પણ પ્રકારની સરકારી મદદ વિના રાજ્યની પ્રથમ સ્માર્ટ ક્લાસ ધરાવતી પ્રાથમિક સ્કૂલ શરૂ કરી છે.

જિલ્લાથી 15 કિલોમીટર દૂર ગ્રામીણ ક્ષેત્રમાં આ સરકારી સ્કૂલ આવેલી છે. અરવિંદ પાલ જ્યારે નોકરીમાં આવ્યા અને કેટલાક વર્ષો સુધી અભ્યાસ કરાવ્યા બાદ નક્કી કર્યું કે, સરકારી સ્કૂલના બાળકોમાં અભ્યાસનું સ્તર વધારવું છે. તેમણે આ માટે પોતાના રૂપિયાથી સ્માર્ટ ક્લાસની શરૂઆત કરી. જેની અસર થઈ કે જે બાળકોને અભ્યાસમાં રસ નહોતો કે મન લગાવીને ભણવા લાગ્યા. સ્કૂલમાં બાળકોની સંખ્યા અગાઉ કરતા વધવા લાગી. અરવિંદ પાલ હંમેશા કાંઈ નવું કરવામાં માનતા હતા. આ અગાઉ 2015માં તેણે પોતાના ખર્ચે પોતાના સ્કૂલમાં પ્રોજેક્ટરના માધ્યમથી વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી.

2016માં તેમણે કોમ્પ્યૂટર ક્લાસની શરૂઆત કરી હતી, એટલું જ નહી પોતાના ખર્ચ પર તેમણે સ્કૂલના તમામ ક્લાસમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. હવે ટેબલેટના માધ્યમથી ગામના લોકોને આધુનિક શિક્ષણ સાથે જોડી રહ્યા છે. અરવિંદ પાલે કહ્યુ કે, તે પોતાના સ્કૂલના બાળકોને પોતાના બાળકો સમજે છે. પોતાના બાળકોની જેમ તે સ્કૂલના બાળકોને શિક્ષણ આપવા માંગે છે. ચિતઇપુર ગામની આ સરકારી સ્કૂલના બાળકો કોઇ પ્રાઇવેટ સ્કૂલના બાળકોથી ઓછા નથી. તમામ વિષયમાં તે ખૂબ હોશિયાર છે. આ કારણે ગામના મોટાભાગના બાળકો કોઇ અન્ય જગ્યાને બદલે ગામની સ્કૂલમાં જ ભણવાનું પસંદ કરે છે. દરરોજ બાળકોની હાજરી સારી રહે છે. હવે બાળકોના હાથમાં ટેબલેટ પહોંચી ગયા છે. બાળકો કહે છે તેમને સ્કૂલ આવવું પસંદ છે. ટેબલેટ મળતા તેઓ સારી રીતે અભ્યાસ કરી શકે છે. જે બાળકોની હાજરી રહે તેમને મહિનાના અંતમાં સન્માનિત કરવામાં આવે છે.

દરરોજ સિસ્ટમ હેઠળ બાળકોને એમડીએમ આપવામાં આવે છે. સાથે ભોજનની પણ તપાસ કરાય છે. આ કારણે બાળકો સાથે વાલીઓ પણ ખુશ થઈ ગયા છે. જિલ્લાના ડીએમ પણ અરવિંદ પાલના વખાણ કરતા થાકતા નથી. તે જ્યાં પણ જાય અરવિંદ પાલનું ઉદાહરણ આપે છે. દર વર્ષે મે મહિનામાં સમર કેમ્પનું આયોજન કરાય છે. જેમાં બાળકોને ચિત્રકળા, ક્રાફ્ટ વર્ક, સંગીત, રંગોળી, મૂર્તિકલા, આત્મરક્ષાના ગુણ શીખવાડવામાં આવે છે. સ્કૂલમાં જે બાળકોની હાજરી 90 ટકા ઉપર રહે છે તેઓને ટૂર પર લઇ જવામાં આવે છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ સ્કૂલના વખાણ કરી ચૂક્યા છે. તેમણે આ માટે અરવિંદ પાલને સન્માનિત પણ કર્યા હતા. આ સ્કૂલની તમામ વ્યવસ્થાઓ હાઇટેક છે. બાળકોને રમવાની પણ ખાસ વ્યવસ્થા કરાઇ છે. આ સ્કૂલને ગામના લોકોનો પણ સહયોગ રહે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page