Only Gujarat

International TOP STORIES

કેન્ટીનમાંથી ‘સેન્ડવીચ ચોરી’ના આરોપમાં ગઈ ગુજરાતીની નોકરી, કોર્પોરેટ જગતમાં ચકચાર

લંડન: ઈંગ્લેન્ડમાં એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક ગુજરાતીએ 9 કરોડ રૂપિયાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. સિટીગ્રુપ બેંકે હાઈ પ્રોફાઈલ બેંકરને સ્ટાફ કેન્ટીનમાંથી સેન્ડવીચ ચોરવાના આરોપમાં નોકરીમાંથી હાંકી મૂક્યો છે. 31 વર્ષના આ બેંકર પારસ શાહની વાર્ષિક કમાણી 1 મિલિયન પાઉન્ડ (અંદાજે 9 કરોડ રૂપિયા) હતી. આ સમાચારથી કોર્પોરેટ જગતમાં ચકચાર મચી જવા પામી છે.

સિટી ગ્રુપે પારસ શાહને યુરોપ, મિડલ ઈસ્ટ અને આફ્રિકામાં બોન્ડ ટ્રેડિંગ હેડ પરથી હટાવી દીધા છે. ફાયનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ પારસ શાહ પર ઈસ્ટ લંડનના કેનરી વાર્ફ (Canary Wharf) ખાતેના હેડક્વાર્ટ્સમાંથી ફૂડ ચોરવાનો આરોપ છે. આ ન્યૂઝ છપાતા બેંકને પારસ શાહને છૂટા કરી મૂકવાની ફરજ પડી હતી.

જોકે પારસ શાહે ક્યારે અને કેટલી સેન્ડવીચની ચોરી કરી હતી, એની જાણકારી હજી સુધી સામે આવી નથી. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એક ક્રેડિટ ટ્રેડરની સેલરી અંદાજે 1.83 લાખ પાઉન્ડ હોય છે. પણ પારસ શાહ જે પદ પર છે, તે આસાનીથી 1 મિલિયન પાઉન્ડ (અંદાજે 9 કરોડ રૂપિયા) કમાય લે છે.

પારસ શાહે વર્ષ 2010માં યુનિવર્સિટી ઓફ બાથમાંથી ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. એ પહેલાં તેમણે નોર્થ લંડનની લેટિમર ગ્રામર સ્કૂલમાંથી સ્ટડી કર્યું હતું. ત્યાર પછી તેમણે HSBCની ટ્રેડિંગ સ્કીમમાં જોઈન કર્યું હતું. વર્ષ 2017માં તે સિટી બેંક સાથે જોડાયા હતા.

સિટી બેંક જોઈન કર્યાના બે મહિના પછી તેમને યુરોપ, મિડલ ઈસ્ટ અને આફ્રિકાના ટ્રેડિંગ હેડ બનાવવામાં આવ્યા હતા.

આ પહેલો મામલો નથી, જ્યારે કોઈ હાઈ પ્રોફાઈલ પ્રોફેશનલ્સની નોકરી ચોરીના નાના એવા મામાલમાં ગઈ હોય, આ પહેલાં જાપાનમાં એક બેંકરને સાથીદારની બાઈકમાંથી સામાન ચોરવાના આરોપમાં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page