‘ઈશ્કબાઝ’, ‘કુબૂલ હૈ’ અને ‘હિટલર દીદી’ જેવાં ઘણા ટીવી શોઝમાં કામ કરી ચૂકેલી એકટ્રેસ નિશી સિંહ પેરાલાઈઝ્ડ થઈ ચૂકી છે. એક વર્ષમાં તે બીજીવાર છે જ્યારે એક્ટ્રેસને લકવો થયો છે. બે વર્ષમાં ઘણા પૈસા ખર્ચ કર્યાં બાદ હવે પરિવારની આર્થિક પરિસ્થિતી ઘણી ખરાબ થઈ ગઈ છે. એક્ટ્રેસનાં પતિ સંજયસિંહ ભદલી પોતે એક લેખક અને એક્ટર છે. પરંતુ પત્નીની દેખરેખ માટે તેઓ પોતાનું કામ છોડી ચૂક્યા છે.
સારવાર માટે મોટી રકમના બિલે આ દંપતિની સારી કમાણી ખતમ કરી દીધી છે. પરિસ્થિતી એ છેકે, ગરીબીને કારણે તેમણે પોતાનું ઘર ગિરવે રાખ્યુ પડ્યુ છે. એવામાં એક્ટ્રેસનાં પતિએ લોકોને પોતાની પત્નીની સારવાર માટે મદદની અપીલ કરી છે.
પોતની પત્નીની મેડિકલ કંડીશન વિશે વાત કરતાં સંજયે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુકે, નિશી ગયા ફેબ્રુઆરી મહિનામાં લકવો માર્યા બાદ ઘરમાં પડી ગઈ હતી. જે બાદ તેને 7-8 દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
સંજય મુજબ, નિશી તે સમયે કોઈને પણ ઓળખી શકતી ન હતી. બાદમાં અમે તેને ઘરે પાછી લઈને આવ્યા હતા. ધીમે-ધીમે તેની તબિયતમાં સુધારો થવા લાગ્યો છે. જોકે, આ વર્ષે રક્ષાબંધને તેને ફરીથી લકવાનો એટેક આવ્યો હતો.
તે બાદ નિશીનું અડધું શરીર પેરાલાઈઝ્ડ થઈ ચૂક્યુ છે. હવે તેને દરેક કામ માટે મદદની જરૂર પડે છે. બાળકો નાના છે અને અડધું શરીર લકવાગ્રસ્ત થયા બાદ તેને દરેક કામ માટે મદદની જરૂર રહેતી હોવાને કારણે સંજય ઘરે જ રહે છે.
નિશી સિંહ અને સંજયને બે બાળકો છે. મોટો પુત્ર 19 વર્ષનો છે. જે નાના-નાની સાથે દિલ્હામાં રહે છે. જ્યારે નાની પુત્રી માત્ર 16 વર્ષની છે જે તેમની સાથે રહે છે. પુત્રી હજી નાની છે, જેથી તે એકલી હજી મમ્મીનું ધ્યાન રાખી શકે નહી.
એટલા માટે સંજય સિંહ જાતે જ પત્નીની દેખભાળ કરી રહ્યા છે. બીમાર પત્નીની સારવાર અને તેનું ધ્યાન રાખવા માટે તેઓ કામ છોડી ચૂક્યા છે. સંજયનું કહેવું છેકે, નિશી પહેલાં કરતાં હવે ઘણી સારી છે પણ તેનાં આગળની સારવાર માટે હજી વધારે પૈસાની જરૂર છે.
સંજય મુજબ, અમારી બધી જ બચત છેલ્લાં બે વર્ષમાં ખત્મ થઈ ગઈ છે. જે હતું તે બધુ જ જતું રહ્યુ છે. અમારે અમારો ફ્લેટ પણ ગુરવે રાખવો પડ્યો છે. કારણકે અમને પૈસાની ખૂબ જરૂર છે. અમે અમારા પરિવાર ઉપર નિર્ભર રહી શકીએ તેમ નથી. અમને પૈસાની મદદની જરૂર છે.