Only Gujarat

Religion

તુલાનું વાર્ષિક રાશિફળ: વ્યક્તિગત જીવનમાં કડવાશ આવી શકે, આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે

ગુરુનું એક વર્ષમાં બે વખતનું રાશિભ્રમણ આપના માટે લાભદાયી બની શકે તેમ છે. આપની સામાજિક તાકાત આ વર્ષ દરમ્યાન આપને જાણવા મળશે. આપના ચોથા સ્થાનમાં મકર રાશિમાં રહેલ શનિ આપને અઢી વર્ષની નાની પનોતી અર્પણ કરે છે જે લોખંડના પાયે હોવાથી આપને સામાન્ય ચિંતાનો અહેસાસ કરાવે. તબિયતનું પણ આ વર્ષ દરમ્યાન ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. રાહુ આઠમા ભાવે ઋષભ રાશિનો રહેશે તેમજ કેતુ બીજા ભાવે વૃશ્ચિક રાશિનો રહેશે જેના કારણે આપના વ્યક્તિગત જીવનમાં કડવાશ આવી શકે છે. ઘણા એવા સંબંધો હશે જેને આપ પૂરા કરી શકો તેમ છો.

માનસિક રીતે આપ ખૂબ જ હેરાન અને પરેશાન થઈ શકો છો. આપનું કાર્ય પૂર્ણ ન થતાં માનસિક કષ્ટનો સામનો કરવો પડી શકે તેમ છે. આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે તેમ છે. જે આપના માટે ખતરાની ઘંટડી સમાન છે જેના કારણે તમારે મહેનતમાં વધારો કરવો પડશે. જીવનસાથીનો સહયોગ આપના માટે સંકટ સમયની સાંકળ બની રહેશે. આ વર્ષે લગ્નજીવનનું સાચું મહત્ત્વ આપને સમજાશે. આપની પત્નીના આરોગ્યની ચિંતા આપને વધુ રહેવાથી આપનો જીવ પણ ચિંતાવાળો થઈ શકે છે.

આ વર્ષે આપના સ્વાસ્થ્ય ના સંદર્ભને ધ્યાનમાં રાખતા શરીર માટે ચિંતન કરવું ખૂબ જરૂરી બને છે. બીમારી, વિચાર્યા વગરના ઓપરેશન તેમજ નાની-મોટી સમસ્યાઓનો સામનો આપે કરવો પડે તેમ છે. જે લોકોની ઉંમર થઇ હોય તેવા લોકોને વિશેષ કરીને સાવધાની રાખવી. આ વર્ષના પ્રારંભથી જ આપના સંતાનો વિષેના તમામ પ્રશ્નોનું નિરાકરણ થવાથી આપના મનને પૂર્ણ રીતે શાંતિ મળશે. સંતાનો યોગ્ય સ્થાને નોકરી ને વ્યવસાય કરશે જેના કારણે આપનો કાર્ય બોજ હળવો થઇ શકે છે.

વર્ષના પ્રારંભથી જ નોકરી છોડવાના વિચારો આવ્યા કરે. નોકરીનો માનસિક બોજ સહન ના થતા આ પગલું આપે ભરવું પડે. નોકરીમાં લાંછન ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવું. કેટલાક પારિવારિક મતભેદોને કારણે ધંધા પર તેની વિપરીત અસર થતી જોવા મળે. વર્ષના પ્રારંભે ખેતી કરતા સમયે ઝેરી જીવોથી ખાસ સાચવવું. સ્થાવર-જંગમ મિલકતની દૃષ્ટીએ આ વર્ષે સારા યોગ બને છે. આ વર્ષે નાના નાના તબક્કા આવશે જેમાં આપની મિલકતમાં વધારો કરવાની તક આપને મળી રહેશે. વર્ષ દરમ્યાન આપની અચલ સંપત્તિમાં વધારો થવાથી ફાયદો થઇ શકે છે. નવાં વાહનના યોગ પ્રબળ છે.

લોખંડના પાયે ચાલતી નાની પનોતી શત્રુઓમાં વધારો કરી શકે છે. આપના શત્રુઓ આપને માનસિક રીતે પરાસ્ત કરી શકે છે. ભાગીદારો સાથેનું આપનું વલણ આપના માટે જોખમી બની શકે તેમ છે. પ્રેમ સંબંધો માટે કંઈ ખાસ બનતું નથી. આપ જેને ચાહો છો તેને મેળવની દિશામાં પ્રયત્ન કરો. ગત વર્ષની સરખામણીએ આ વર્ષ સારા વ્યક્તિ સાથેની મુલાકાત અચૂક કરાવી શકે. આ વર્ષે યાત્રા કે મુસાફરી માટે વિદેશ યોગ મિશ્ર ફળદાયી બની શકે.

તુલા રાશિના મિત્રોએ આ વર્ષે ઘરની ઉન્નતિ વધારવા ગણેશજીનું નિત્ય પૂજન કરવું. ખેરના લાકડામાંથી બનાવેલાં બાજોઠ લેવો. ઘઉં પધરાવવા અને માટીથી બનાવેલાં ભગવાન ગણેશજીને સ્થાપિત કરવા. રોજ દુર્વાથી અને સિંદુરથી ભગવાનનું પૂજન કરવું અને દર મંગળવારના દિવસે પ્રભુને મોદકનો પ્રસાદ અર્પણ કરવો.

You cannot copy content of this page