Only Gujarat

Religion

ધનનું વાર્ષિક રાશિફળ: રાહુ શત્રુઓમાંથી મુક્તિ અપાવશે, ધનલાભ -સામાજિક લાભ પ્રાપ્ત થશે

આ વર્ષ ગ્રહોમાં શ્રેષ્ઠ ગુરુની દૃષ્ટિએ જોતા આપના માટે જીવનના ઘણા બધા મૂલ્યો સમજાવનારું બને. વર્ષના પ્રારંભે ગુરુ મકર રાશિમાં આપના બીજા સ્થાને રહેશે. જેના કારણે આપને નાણાકીય સ્થિતિનું મૂલ્ય અચૂક સમજાશે. શનિ મહરાજનું ભ્રમણ આ વર્ષ દરમ્યાન સાડાસાતી પનોતીની દૃષ્ટીએ જોતા અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે જેના કારણે આપને ધનલાભ અને સામાજિક લાભ પ્રાપ્ત થાય. વર્ષના પ્રારંભે છઠ્ઠા સ્થાને વૃષભ રાશિનો રાહુ તથા બારમા સ્થાને વૃશ્ચિક રાશિમાં રહેલ કેતુ આ સમગ્ર વર્ષ દરમ્યાન તે જ સ્થાનમાં રહેશે. જેના કારણે આપના જીવનમાં વિશેષ કોઈ ફેરફારના યોગ બનતા નથી.

શનિ આપની માનસિક સ્થિતિને વધુ બળવાન કરશે. વર્ષના મધ્ય ભાગ પછી સામાન્ય ચિંતા રહ્યા કરશે, પરંતુ ગંભીર સમસ્યાઓ સર્જાઈ હશે તો આપનું મન બેકાબૂ બની શકે છે. આર્થિક દૃષ્ટિકોણથી જોતાં આ વર્ષ આપના માટે લાભકર્તા બનશે.ધનપતિ આપના ધનસ્થાનમાં હોઈ સ્વગૃહી બને છે જે સમગ્ર વર્ષ દરમ્યાન આપને નાણાંની અછત સર્જાવા નહીં દે. વર્ષ દરમ્યાન પ્રભુ કૃપાથી આર્થિક કટોકટીનો સામનો લગભગ નહીં કરવો પડે.

વૈવાહિક જીવનમાં આપની પત્નીનો આપને પૂરો સહયોગ પ્રાપ્ત થયો છે. આ વર્ષે આપના જીવનમાં કોઈ અન્ય વ્યક્તિનો પ્રવેશ થઇ શકે છે જેના કારણે આપના લગ્નજીવનમાં સામાન્ય તિરાડ પડી શકે. લગ્નના સંજોગો બનતા બનતા રહી જાય. આ વર્ષ આપના આરોગ્ય-સુખાકારી માટે શ્રેષ્ઠ રહેશે. આપ યુવાન છો અને સ્વસ્થ છો તો ગભરાવવાની જરૂર નથી, પરંતુ જો વ્યસન કરતા હો તો આ વર્ષે કોઈ મોટી મુસીબતને આમંત્રણ આપી શકો છો. જુલાઈ, 2021 પછી આધિ, વ્યાધિ અને ઉપાધિનો સામનો કરવો પડે. વર્ષના મધ્ય ભાગમાં શાસ્ત્રક્રિયાના યોગ બની શકે.

સંતાન ન હોય તેમને આ વર્ષે ચોક્કસ સંતાનયોગ બને છે, પણ જેને સંતાન છે તેવા જાતકો સંતાનોથી આપ હેરાન-પરેશાન થઈ શકે. વર્ષ દરમ્યાન નોકરીથી આર્થિક રીતે સદ્ધર બનશો. સાથે સાથે આપને પદ-પ્રતિષ્ઠા પણ મળી શકે છે જેના કારણે આપને ખૂબ લાભ થાય. નોકરીમાં આપના હાથ નીચે કામ કરતા લોકોનો સહયોગ મળતા આપને વિશેષ લાભ થઇ શકે. વારસાગત વ્યવસાય આપના માટે વધુ અસરકારક બને. ખેતીવાડી ક્ષેત્રે આ વર્ષે આપને શિયાળુ પાકથી ફાયદો થાય.

આ વર્ષે આપની મિલકતમાં વધારો થતો આપ જોઈ શકો છો. કેટલાક સોદા આપની મનમરજીથી થતા આપને વધુ કિંમત પ્રાપ્ત થઈ શકે. સંતાનો કે પત્ની માટે ઝવેરાત વસાવવાના યોગ પણ શ્રેષ્ઠ બને છે. ગ્રહગોચરને ધ્યાનમાં રાખતા આ વર્ષે આપ શત્રુઓથી દૂર થઈ શકો છો. ગત વર્ષોમાં જે આપના શત્રુ હતા તેઓ આ વર્ષે મિત્ર બની આપની સાથે રહશે. આ વર્ષ દરમ્યાન આપના પ્રેમ પ્રકરણમાં એક નવો અધ્યાય રચાશે જેના કારણે આપની પરિસ્થિતિઓ ઘણી સુધરતી જણાય. વિદેશ મામલે આ વર્ષ આપના માટે સારું બનશે જ, પરંતુ પોતાના વતનમાં જ એટલી બધી સફળતા મળશે કે વિદેશ જવાની કોઈ જરૂર લાગશે નહીં.

ધન રાશિના જાતકોએ ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સાથે હોય તેવા ફોટા કે પ્રતિમાનું દરરોજ કંકુથી પૂજન કરવું. 1008 વિષ્ણુ મંત્રોનું 1008 તુલસી દળોથી પૂજન કરવું તેમજ દર રવિવારે વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરવો. સાથે એક લાલ કપડામાં 7 તુલસીના પાન અને 7 કોડીયો મૂકી જ્યાં ધન મુકતા હો ત્યાં આ પોટલી મૂકવી.

You cannot copy content of this page